ડેવિસન, ક્લિન્ટન જૉસેફ (જ. 22 ઑક્ટોબર 1881, બ્લુમિંગ્ટન, ઇલિનૉય યુ.એસ.; અ. 1 ફેબ્રુઆરી 1958, શાર્લોતેવીય, વર્જિનિયા, યુ.એસ.) : યુનાઇટેડ સ્ટેટ્સના પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રી. તેમને 1937માં ઇંગ્લૅન્ડના જ્યૉર્જ પી. ટૉમ્સન સાથે ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક સંયુક્તપણે આપવામાં આવ્યું હતું. પ્રકાશતરંગોની જેમ ઇલેક્ટ્રૉનનું પણ વિવર્તન (diffraction) થઈ શકે છે તેની શોધને માટે તેમને આ પારિતોષિક અપાયું હતું. ફ્રાન્સના લુઇ દ બ્રૉગ્લીના સંશોધનલેખની ચકાસણી કરીને તેમણે પ્રયોગ દ્વારા સિદ્ધ કર્યું કે ઇલેક્ટ્રૉન, કણ તેમજ તરંગ સ્વરૂપે દ્વૈત પ્રકૃતિ (dual nature) ધરાવે છે અને તે પ્રમાણે વર્તે છે.
1902માં બ્લુમિંગ્ટનની સાર્વજનિક શાળામાંથી સ્નાતક થઈ, શિષ્યવૃત્તિ મેળવીને શિકાગો યુનિવર્સિટીમાં જોડાયા. આર્થિક કારણોસર અભ્યાસ ચાલુ ન રાખી શકવાથી એક ટેલિફોન કંપનીમાં નોકરી મેળવી.
શાર્લોત સારા રિચાર્ડ સાથે 1911માં લગ્ન કર્યું. સંતાનમાં ત્રણ પુત્રો અને એક પુત્રી હતાં.
1911માં તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી, જ્યાં તેમણે રિચાર્ડસનના માર્ગદર્શન હેઠળ ગરમ પદાર્થમાંથી તાપાયનિક ઉત્સર્જન (thermionic emission) ઉપર કામ કર્યું. 1911થી 1917 સુધી પિટ્સબર્ગની કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં જોડાયા.
ત્યારબાદ બેલ ટેલિફોન લૅબોરેટરીઝમાં જોડાયા. ત્યાં જીવનનો મોટાભાગનો સમય પસાર કર્યો. અહીં તેમણે તાપાયનિક ઉત્સર્જન ઉપર સંશોધન શરૂ કર્યું અને ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપના વિકાસમાં સહાય કરી. બેલ લૅબોરેટરીઝના લેસ્ટર એરા ગર્મરની સાથે તેમણે શોધી કાઢ્યું કે ધાત્વીય સ્ફટિક ઉપરથી ઇલેક્ટ્રૉન પુંજ પરાવર્તિત થાય ત્યારે X–કિરણો તથા અન્ય વિદ્યુતચુંબકીય તરંગો(electro-magnetic waves)ની જેમ વિવર્તન ભાત દર્શાવે છે. આવું વિવર્તન ઉત્પન્ન થવાનું કારણ દ બ્રૉગ્લીના પૂર્વસૂચિત (predicted) સિદ્ધાંત અનુસાર સ્ફટિકબંધારણમાં વ્યવસ્થિત રીતે આવેલી ઇલેક્ટ્રૉન હારમાળા(array)ની રચના છે. આ શોધથી ઉપપરમાણ્વીય કણો(subatomic particles)ની દ્વૈત પ્રકૃતિને વધારે સારી રીતે સમજાવી શકાઈ અને ન્યૂક્લીય, પારમાણ્વિક તથા આણ્વિક બંધારણના અભ્યાસમાં તે ઘણી ઉપયોગી સાબિત થઈ.
એરચ મા. બલસારા