ડેક્ષટર એડવર્ડ રાલ્ફ (જ. 15 મે 1935, મિલાન, ઇટાલી) : કૅમ્બ્રિજ યુનિવર્સિટી, સસેક્સ કાઉન્ટી તથા ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમનો ખેલાડી અને સુકાની. બીજા વિશ્વયુદ્ધ પછીના સમયના રોમાંચક અને નૈસર્ગિક બૅટ્સમૅન ગણાયેલા ‘ટેડ’ ડેક્ષટરે 1958ની 24મી જુલાઈએ ઓલ્ડ ટ્રેફૉર્ડના મેદાન પર ન્યૂઝીલૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાં રમીને ટેસ્ટપ્રવેશ કર્યો. 1960માં સસેક્સ કાઉન્ટીનું નેતૃત્વ સંભાળીને ઉત્કૃષ્ટ રમત દાખવવાની સાથોસાથ તે આ કાઉન્ટીને 15મા સ્થાન પરથી ચોથા સ્થાન પર લાવ્યો. 1961-62ના ભારત-પાકિસ્તાનના પ્રવાસ માટે એણે સુકાનીપદ મેળવ્યું. ઘણા શક્તિશાળી ખેલાડીઓની ગેરહાજરી હોવા
છતાં એની આગેવાની હેઠળ ઇંગ્લૅન્ડે ભારત અને પાકિસ્તાન સામે મજબૂત દેખાવ કર્યો. પરિણામે ઑસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને ન્યૂઝીલૅન્ડ સામે તે ઇંગ્લૅન્ડનો સુકાની બન્યો. 62 ટેસ્ટમાંથી 30 ટેસ્ટમાં એણે ઇંગ્લૅન્ડનું નેતૃત્વ કર્યું. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ટેડ ડેક્ષટરે 51 સદી સાથે 40.75ની સરેરાશથી કુલ 21,150 રન નોંધાવ્યા અને મધ્યમ ઝડપી ગોલંદાજીથી 29.92ની સરેરાશથી 419 વિકેટો ઝડપી હતી અને 233 કૅચ કર્યા હતા.
62 ટેસ્ટ મૅચોમાં ડેક્ષટરે 9 સદી સાથે કુલ 4502 રન નોંધાવી 66 વિકેટો (34.93ની સરેરાશથી) તથા 29 કૅચ ઝડપ્યા હતા. છટાદાર અને આક્રમક રમતને કારણે લૉર્ડ એડવર્ડ તરીકે ઓળખાતા ‘ટેડ’ ટેક્ષટરની રમત અત્યંત આકર્ષક હતી. 1989થી 1993 સુધી ઇંગ્લૅન્ડની પસંદગી સમિતિના ચૅરમૅન તરીકેનો હોદ્દો સંભાળનાર ટેડ ડેક્ષટર કુશળ ગોલ્ફ ખેલાડી, વિમાનચાલક, કૉમેન્ટેટર, મૉડલ તથા પબ્લિક રિલેશન કંપનીના માલિક પણ છે.
જગદીશ બિનીવાલે