ડેક્કન હેરલ્ડ : કર્ણાટકનું અગ્રણી અંગ્રેજી દૈનિક વર્તમાનપત્ર. બૅંગાલુરુથી પ્રસિદ્ધ થાય છે. સ્થાપના 1948માં તત્કાલીન મૈસૂર રાજ્યના દીવાન એ. રામસ્વામી મુદલિયારના સક્રિય સમર્થનથી બૅંગાલુરુના ઉદ્યોગપતિઓ કે. વેંકટસ્વામી અને કે. એન. ગુરુસ્વામીએ કરી. પત્રકાર પોથાન જોસેફના તંત્રીપદ હેઠળ નાના કદમાં પ્રથમ અંક પ્રગટ થયો. થોડા સમયમાં તેનો વાચકવર્ગ વિસ્તર્યો અને તે પૂરા કદનું નિયમિત દૈનિક બન્યું. અસહમતિના કારણે જોસેફ ઝાઝું ટક્યા નહિ પણ હેરલ્ડ ટક્યું. એટલું જ નહિ તેનો વિકાસ પણ થયો. જોકે, મોટાભાગનાં પત્રોના વિષયમાં બન્યું છે તેમ હેરલ્ડને પણ વચ્ચે થોડો સમય પ્રકાશન બંધ રાખવું પડ્યું. ગુરુસ્વામીએ સંચાલન પોતાને હસ્તક લઈ તેને સંગીન પાયા પર સ્થાપ્યું. વી. કે. નરસિંહન તેના બીજા નોંધપાત્ર તંત્રી થયા. બૅંગાલુરુમાં તે સૌથી મહત્વનું સ્થાન સિદ્ધ કરી શક્યું તથા કર્ણાટકમાં મોટાં અંગ્રેજી દૈનિકો માટે પડકારરૂપ બની રહ્યું. કન્નડ ભાષાનું ‘પ્રજાવાણી’ તેનું ભગિની દૈનિક છે. આ બંને દૈનિકો કર્ણાટકમાં અત્યંત લોકપ્રિય છે.

મહેશ ઠાકર