ડેક્કન ટ્રૅપરચના (Deccan trap system) : મુખ્યત્વે લાવાથી તેમજ તેની સાથે સંકળાયેલા જ્વાળામુખીજન્ય ખડકટુકડાઓથી બનેલી નોંધપાત્ર જાડાઈવાળી ખડકરચના. ભારતમાં  જોવા મળતી જુદા જુદા ભૂસ્તરીય કાળની ખડકરચનાઓ પૈકીની આ એક એવી વિશિષ્ટ ખડકરચના છે કે જે ક્રિટેશિયસ કાળના અંતિમ ચરણમાં તેમજ બાઘ અને લેમેટા સ્તરોની નિક્ષેપક્રિયા પછીથી દ્વીપકલ્પીય ભારતના ઘણા મોટા વિસ્તારમાં બનેલી જ્વાળામુખીની પ્રસ્ફુટનપ્રક્રિયાને કારણે ઉદભવેલી છે. આ રચના ‘ડેક્કન ટ્રૅપ રચના’ નામથી ઓળખાય છે. શ્રેણીબદ્ધ જ્વાળામુખી-પ્રસ્ફુટનો દ્વારા અસ્તિત્વમાં આવેલી આ રચના ભૂપૃષ્ઠમાં પડેલી ફાટો તેમજ તડો મારફતે અમુક અમુક સમયાંતરે સપાટી પર નીકળી આવી પ્રસરેલા લાવાપ્રવાહોથી જ મુખ્યત્વે તો બનેલી છે. આ રચનાના લાવાપ્રવાહોના આવરણને કારણે દ્વીપકલ્પીય ભારતના કેટલાક વિસ્તારોનું જૂના ખડકોથી બનેલું સ્થળર્દશ્ય આચ્છાદિત થઈ ગયું છે અને તે વિસ્તારો જ્વાળામુખીજન્ય ઉચ્ચસપાટપ્રદેશ (plateau) ભૂમિલક્ષણમાં ફેરવાઈ ગયા છે.

દક્ષિણ ભારતમાં સર્વસામાન્ય લક્ષણ તરીકે જોવા મળતી ધોવાણની અસરને કારણે બનેલી સપાટ શિરોભાગવાળી બેસાલ્ટની ટેકરીઓના સોપાન જેવા દેખાવને કારણે સ્વીડિશ ભાષામાં થતા તેના સીડી કે પગથિયાંના અર્થમાં ‘ટ્રૅપ’ શબ્દનો ઉપયોગ થયેલો છે. જોકે વિવિધ પ્રકારના અગ્નિકૃત ખડકો દર્શાવવા માટે પણ ‘ટ્રૅપ’ વપરાય છે.

ઉત્પત્તિસ્થિતિ : ડેક્કન ટ્રૅપરચના માટે કારણભૂત જ્વાળામુખી-પ્રસ્ફુટનો ફાટ પ્રકારનાં હતાં. આ રચનાવાળા વિસ્તારોમાંના લાવાપ્રવાહોનું ક્ષિતિજસમાંતર લક્ષણ તેમજ શંકુ (cone) કે જ્વાળામુખ (caldera) પ્રકારના જ્વાળામુખી કે તેના અવશેષનો અભાવ ફાટ પ્રકારના શાંત જ્વાળામુખી-પ્રસ્ફુટનનો નિર્દેશ કરે છે. પરંતુ લાવાપ્રવાહો સાથે મળી આવતાં ભસ્મ અને ટફનું અસ્તિત્વ કેટલીક વખતે થયેલા વિસ્ફોટક પ્રકારના પ્રસ્ફુટનનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત ડેક્કન ટ્રૅપરચનાવાળા કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજપીપળા જેવા વિસ્તારમાં લાવાપ્રવાહોને ભેદતી ડાઇક પણ ફાટ પ્રકારના પ્રસ્ફુટનનું સમર્થન કરે છે. પરંતુ મુંબઈની નજીકમાં લાવાપ્રવાહો 5° જેટલું આછું નમન સમુદ્ર તરફ બતાવે છે. સૌથી ઉપરના સ્તરો ક્યાંક 15° નમેલા પણ મળે છે. વળી, પશ્ચિમ સાતપુડા, ખાનદેશ અને ભરૂચ પાસેની રાજપીપળાની ટેકરીઓમાં નજરે જોઈ શકાય એવું લાવાપ્રવાહોનું નમન અને થોડું ગેડીકરણ પણ જોવા મળે છે. આ નમન મૂળ ઉત્પત્તિસ્થિતિજન્ય નથી, પરંતુ ભૂસંચલનજન્ય કારણોને લીધે પછીના સમયમાં થયેલા સપાટીના ફેરફારોની અસરથી ઉદભવેલું હોવાનું માનવામાં આવે છે. ડેક્કન ટ્રૅપરચનાનું બીજું રસપ્રદ લક્ષણ એ છે કે તેની ઉત્પત્તિ માટેનાં કારણભૂત પ્રસ્ફુટનો સમુદ્રજળ હેઠળ નહિ પરંતુ ભૂપૃષ્ઠ પર થયેલાં છે. પ્રસ્ફુટનો જો સમુદ્રજળ હેઠળ થયેલાં હોત તો રચનાના સૌથી નીચેના લાવાપ્રવાહો તેમજ પ્રાચીન ખડકો વચ્ચેની સંધિસપાટી પાણીની નિક્ષેપક્રિયાને કારણે સમતલ હોત, પરંતુ તે અનિયમિત છે, જે ભૂમિસપાટી પર થયેલાં પ્રસ્ફુટનોનો પુરાવો છે.

વિતરણ : દ્વીપકલ્પીય ભારતના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ તેમજ ગુજરાત(કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત)નો મોટો ભાગ આવરી લેતી આ રચના આશરે 5,00,000 ચોકિમી.  વિસ્તારમાં ફેલાયેલી છે, પરંતુ તેનું વર્તમાન વિતરણ ભૂતકાળના તેના બહોળા વિસ્તારનો કોઈ ખ્યાલ આપી શકે તેમ નથી, કારણ કે તેની રચના પછીના ઘણા લાંબા કાળથી આજસુધી ધોવાણની ક્રિયા સતત ચાલુ રહી છે. તેથી મુખ્ય વિસ્તારથી લાંબા અંતરને કારણે અલગ પડી ગયેલી, બેસાલ્ટની ઘણી નવવિવૃતિઓ (outliers) અસ્તિત્વમાં આવી છે. પશ્ચિમ સિંધથી માંડીને પૂર્વ કિનારાના રાજમહેન્દ્રી સુધીના વિસ્તારમાં આવેલી છૂટીછવાઈ આ નવવિવૃતિઓ આ રચનાની મૂળ વિસ્તૃતિનો નિર્દેશ કરી જાય છે કે તેની ઉત્પત્તિના અંત સમયે તેનો વિસ્તાર 12,50,000 ચોકિમી.થી ઓછો ન હોઈ શકે.

જાડાઈ : આ રચનામાં રહેલા ખડકોની જાડાઈ એક ધારણાનો વિષય છે. મુંબઈના કિનારા પર તે 3000 મીટર છે, જે પૂર્વ તરફ  જતાં એકદમ ઘટી જાય છે અને જુદાં જુદાં સ્થળોમાં બદલાયા કરે છે. તેની દક્ષિણ હદ તરફ તે 600 અને 800 મીટર વચ્ચેની રહે છે. તેની પૂર્વ હદ પર અમરકંટકમાં તેની જાડાઈ 150 મીટર છે, જ્યારે સિંધમાં એટલે કે ઉત્તર હદ પર તે ઘટીને માત્ર 30 અથવા 60 મીટર જાડાઈનો થર બની રહે છે. કચ્છમાં ટ્રૅપ ખડકોની જાડાઈ આશરે 800 મીટર છે. દરેક લાવાપ્રવાહની સરેરાશ જાડાઈ આશરે 5 મીટર હોય છે, પરંતુ કેટલાક પ્રવાહો 15થી 30 મીટરની જાડાઈવાળા પણ છે. ભૂસાવળ પાસે 370 મીટર ઊંડા શારકામમાં 29 લાવાપ્રવાહો સ્પષ્ટપણે મળી આવ્યા હતા. લાવાપ્રવાહના થર ઘણી વખતે ભસ્મથી, સ્કોરિયાથી, લીલી મૃદથી બનેલા પાતળા પડથી તેમજ વાસ્તવિક જળકૃત ખડકસ્તરથી અલગ પડેલા પણ જોવા મળે છે. ‘આંતરટ્રૅપ સ્તરો’ (inter-trappean beds) તરીકે ઓળખાતા  ભસ્મ અને ટફના સ્તર લગભગ એકસરખી રીતે વહેંચાયેલા છે. પરંતુ તે આ ખડકરચનાની નીચેના ભાગમાં જૂજ પ્રમાણમાં જોવા મળે છે.

ડેક્કન ટ્રૅપરચનાના લાવાપ્રવાહો સાથે રહેલા જ્વાળામુખીજન્ય ભસ્મ અને ટફનું અસ્તિત્વ થોડી ઉગ્રતાવાળી સ્ફોટક પ્રકારની પ્રસ્ફુટનક્રિયાનો ખ્યાલ આપે છે. આ પ્રકારની ઘટના મુખ્ય ફાટોનાં અમુક સ્થાનિક છિદ્રો પર બનેલી હોવી જોઈએ કે જ્યાં અમુક ગૌણ શંકુ અસ્તિત્વમાં આવ્યા હોય. જોકે આ ખડકરચનાના મુખ્ય જથ્થાની પ્રસ્ફુટનક્રિયા ફાટ પ્રકારના જ્વાળામુખી-પ્રસ્ફુટનની માફક શાંત અને બિનવિસ્ફોટક પ્રકારની હતી.

ખડકવિદ્યા : ડેક્કન ટ્રૅપરચનાના બંધારણમાં જ્વાળામુખી-પ્રસ્ફુટનને કારણે ભૂમિસપાટી પર બહાર નીકળી આવેલા લાવાના ઠંડા પડવાથી બનેલા બેસાલ્ટ, રહાયોલાઇટ, ઑબ્સિડિયન, ટ્રેકાઇટ, એન્ડેસાઇટ, પ્યુમિસ જેવા જ્વાળામુખી-ખડકો તેમજ તેમાં અંતર્ભેદનોને સ્વરૂપે મળી આવતા વિવિધ અંત:કૃત અને ભૂમધ્યકૃત અગ્નિકૃત ખડકો રહેલા છે. ઉપર જણાવેલા જ્વાળામુખી-ખડકો પૈકી 2.9ની સરેરાશ વિશિષ્ટ ઘનતાવાળો ઑગાઇટ બેસાલ્ટ ઘણો જ અગત્યનો સર્વસામાન્ય ખડક છે. આ ખડકનાં રંગ અને કણરચનામાં જ ફક્ત તફાવત જોવા મળે છે. સામાન્ય રીતે તે ભૂખરા લીલા રંગમાં મળે છે, પરંતુ સંપૂર્ણ કાળા કે આછા રંગમાં પણ તે મળી રહે છે. આ ખડકોની કણરચનામાં જોવા મળતી ભિન્નતા સમાંગી અતિસૂક્ષ્મ સ્ફટિકમય તેમજ લગભગ કાચમય બેસાલ્ટથી માંડીને મોટા ખનિજકણોની દરેક કક્ષાઓથી સંકલિત ગુરુસ્ફટિકમય ડોલેરાઇટ ખડક સુધીની હોય છે. વધુમાં આ બેસાલ્ટ ખડક ઘણી વાર કોટરયુક્ત સંરચનાવાળો તેમજ સ્કોરિયા જેવાં લક્ષણોવાળો હોય છે અને ક્યારેક આવાં કોટરો કૅલ્સાઇટ, ઝિયોલાઇટ કે ક્વાટર્ઝ જેવાં અસંખ્ય પરિણામી ખનિજોથી ભરેલાં હોવાથી બદામાકાર સંરચના બનાવે છે. કાચ જેવા ફેલ્સ્પાર(મધ્યમ લેબ્રેડોરાઇટ)ના ગુરુસ્ફટિકવાળા તેમજ ઘનિષ્ઠ કણગોઠવણી સાથેના પૉર્ફિરિટિક કણરચનાવાળા ખડકપ્રકાર લગભગ અર્ધકાચમય ચળકાટવાળા ચકચકિત ઘેરા રંગના અને વલયાકાર ભંગસપાટીવાળા હોય છે. લાવાના વધુ બેઝિક બંધારણ અને પરિણામી વાહકતાને કારણે સ્ફટિકીકરણની ક્રિયા પ્રમાણમાં ઝડપી થયેલી. તેથી બેસાલ્ટ-કાચ અથવા ટેકીલાઇટ જવલ્લે જ મળી આવે છે. છતાં પણ કેટલાકમાં ‘ઠંડી પડી ગયેલા કિનારીના ભાગમાં’ કાચમય ચળકાટ જોવા મળે છે. સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળના નિરીક્ષણ પરથી આ બેસાલ્ટ ખડકો અર્ધસ્ફટિકમય કણરચનાવાળા ઑગાઇટ-બેસાલ્ટ હોવાનું જણાય છે અને સામાન્ય રીતે તેમાં ઓલિવીન ખનિજ હોતું નથી. કેટલાંક સ્થાનોમાં ઓલિવીન ખનિજની સ્થાનિક વિપુલતા પણ હોય છે. ખડકજથ્થો મુખ્યત્વે પ્લેજિયોક્લેઝ અને ઑગાઇટના સૂક્ષ્મદાણાદાર મિશ્રણથી બનેલો હોય છે. ઘણી વાર કિનારીઓ પર ક્ષયન પામેલા પ્લેજિયોક્લેઝના (લેબ્રેડોરાઇટ અથવા એનૉર્થાઇટ) પ્રિઝમ ઉપરાંત સૂક્ષ્મદાણાદાર દ્રવ્યમાં કેટલીક વખતે મધ્યમ બંધારણવાળા સ્પષ્ટ અને કાચ જેવા લેબ્રેડોરાઇટના  મોટા લંબચોરસ સ્ફટિક, ગુરુસ્ફટિક સ્વરૂપે જોવા મળે છે, પરંતુ આ ખડકમાં પૉર્ફિરિટિક કણરચના અસ્વાભાવિક છે. આ ખડકના બંધારણમાં  રહેલું બીજું એક ખનિજ ઑગાઇટ એન્સ્ટેટાઇટ જેવું હોય છે અને તે નાના કણ રૂપે  મળી આવે છે તે ભાગ્યે જ સ્ફટિક રેખાકૃતિવાળું હોય છે. મૅગ્નેટાઇટ સૂક્ષ્મદાણાદાર દ્રવ્યમાં પૂર્ણ પાસાદાર સ્ફટિક અથવા કણ કે પરિણામી વૃક્ષસમ સ્વરૂપે મોટા પ્રમાણમાં મળી આવે છે. રાખોડી કે લીલા રંગના બેસાલ્ટ ખડકોમાં કાચ અથવા સમદિક્ધર્મી દ્રવ્ય ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે. કારણ કે તેનું વિકાચીકરણ (devitrification) બનેલું હોય છે. પરંતુ કાળા રંગના સખત ખડકનમૂનાઓમાં લીલા અથવા કથ્થાઈ રંગનું કાચદ્રવ્ય મોટા પ્રમાણમાં  રહેલું હોય છે. કેટલીક વખતે બેસાલ્ટ ખડકોનાં કોટરોમાં તેમજ ખડકછિદ્રોમાં પેલેગોનાઇટ નામની વિશિષ્ટ અસ્ફટિક સમદિક્ધર્મી પેદાશ એકઠી થયેલી હોય છે. બેસાલ્ટ ખડકમાં પ્લેજિયોક્લેઝ ખનિજનો ઑગાઈટ સાથેનો દેખીતો સંબંધ ઑફિટિક પ્રકારનોે હોય છે. તેમાં પ્લેજિયોક્લેઝ ખનિજ થોડા પ્રમાણમાં ઑગાઇટમાં સમાવિષ્ટ થયેલું હોય છે. ઍપેટાઇટ જેવી પ્રાથમિક અનુષંગી ખનિજો થોડી હોય છે. પરંતુ બેસાલ્ટમાં થતા સપાટીજન્ય (meteoric) અને રાસાયણિક ફેરફારોને કારણે અસ્તિત્વમાં આવતાં પરિણામી ખનિજો મોટા પ્રમાણમાં હોય છે, જેવાં કે બાષ્પકોટર તેમજ ખડકછિદ્રોમાં રહેલાં કૅલ્સાઇટ, ક્વાટર્ઝ, કૅલ્સિડોની, ગ્લોકોનાઇટ, પ્રેહનાઇટ, ઝિયોલાઇટ વગેરે. જુદાં જુદાં સ્થાનોમાં બેસાલ્ટ ખડકોમાંથી મળી આવતાં પરિણામી ખનિજો – ક્લોરોફીઆઇટ, ડેલેસાઇટ, સીલેડોનાઇટ, સર્પેન્ટાઇન, ક્લોરાઇટ, ઇડિંગ્સાઇટ અને લ્યુસાઇટ છે. આ ફેરફારને કારણે બેસાલ્ટ ખડકોનો મૂળ કાળો રંગ રાખોડી અથવા ગ્લોકોનાઇટીકરણથી લીલાશ પડતો બને છે. ડેક્કન ટ્રૅપરચનાના બેસાલ્ટ ખડકોમાં તેમજ બદામાકાર જમાવટના આવરણ રૂપે મળી આવતું ગ્લોકોનાઇટ ખૂબ જ વિતરણવાળી પેદાશ છે. બેસાલ્ટ-ટફ એ પ્યુમિસના ટુકડા, હૉર્નબ્લેન્ડના સ્ફટિક, ઑગાઇટ, ફેલ્સ્પાર, વગેરે સાથે સામાન્ય લાવાકણોથી બનેલા હોય છે. સામાન્ય રીતે તે પાતળી સ્તરરચનાવાળા હોય છે અને શેલ જેવું લક્ષણ દર્શાવે છે.

પડખવાણ દ્વારા થતું ગોળાશ્મખવાણ એ બેસાલ્ટ ખડકોમાં જોવા મળતી ક્ષેત્ર – લાક્ષણિકતા છે, જે વિવૃતિઓના સપાટીભાગો પર, ઝરણાંઓમાં અથવા સમુદ્રકિનારાના ભાગોમાં નજરે પડે છે. ખવાણ પામેલા ગોળાકાર જથ્થા સ્વરૂપે તે જોઈ શકાય છે. ત્રિપાર્શ્વ સાંધા અથવા સ્તંભાકાર સંરચના પણ ટેકરીઓની વિવૃત બાજુઓ પર જોવા મળે છે અથવા ઢોળાવો પર લંબ-સમુત્પ્રપાતવાળી (escarpments) સોપાનશ્રેણીઓ પણ આ ખડકોની રચનાત્મક વિશિષ્ટતા બની રહે છે. કેટલાંક સ્થાનોમાં સુંદર, સપ્રમાણ ત્રિપાર્શ્વ સ્તંભો સ્પષ્ટપણે રચાયેલા મળે છે. ખાસ કરીને તે ડાઇક જેવાં અંતર્ભેદનોમાં ઉદભવેલા હોય છે. દા.ત., કચ્છની ડાઇક. આ પ્રકારના સાંધાને કારણે દક્ષિણની બેસાલ્ટ ટેકરીઓનું સીડી અથવા ઘાટ જેવું સ્થળશ્ય અસ્તિત્વમાં આવે છે, આ જ કારણે તો આ ખડકરચનાનું નામાભિધાન સાર્થક બની રહ્યું છે.

લાવાપ્રવાહોની ઠંડા પડવાની ક્રિયા દરમિયાન ઉષ્ણજલીય પ્રક્રિયાને કારણે ઉત્પન્ન થયેલાં અસંખ્ય પરિણામી ખનિજો બદામાકાર કોટરોમાં મળી આવે છે તે પૈકી સ્ટિલબાઇટ, ઍપોફીલાઇટ, હ્યુલેન્ડાઇટ, સ્કોલેસાઇટ, ટીલોલાઇટ, લોમોન્ટાઇટ તેમજ થોમ્સોનાઇટ અને ચેબાઝાઇટ જેવાં  ઝિયોલાઇટ, કૅલ્સાઇટ, સ્ફટિકમય ક્વાટર્ઝ,  અથવા રૉક ક્રિસ્ટલ અને તેની આંશિક સ્ફટિક જાતો જેવી કે કૅલ્સિડોની, અકીક, કાર્નેલિયન, હેલિયોટ્રોપ, બ્લડસ્ટોન, જાસ્પર વગેરેનો સમાવેશ થાય છે. બદામાકાર ખનિજજમાવટની આજુબાજુ પડ સ્વરૂપે ગ્લોકોનાઇટ મોટા પ્રમાણમાં મળે છે. 1919માં મુંબઈ પાસેના લાવાપ્રવાહોનાં મોટાં કોટરોમાં બિટુમીન અને  આસ્ફાલ્ટનો જથ્થો મળી આવ્યો હતો. શક્ય છે કે લાવાપ્રવાહોની ગરમીને કારણે તેમની સાથે રહેલા જળકૃત ખડકોના જીવજન્યદ્રવ્યની નિસ્યંદનક્રિયાને લીધે તે ઉત્પન્ન થયો હોય.

ખડકવિદ્યાની ર્દષ્ટિએ ડેક્કન ટ્રૅપરચનાનું એક મહત્વનું  લક્ષણ તેમાં જોવા મળતી મૅગ્માની સ્વભેદનક્રિયા છે. મૅગ્માજન્ય સ્વભેદન બેસાલ્ટ ખડક સાથે મળી આવતા વિવિધ ખનિજીય તેમજ રાસાયણિક બંધારણવાળા જ્વાળામુખી, ભૂમધ્યકૃત કે અંત:કૃત અગ્નિકૃત ખડકો દ્વારા પ્રદર્શિત થાય છે. મૅગ્માજન્ય સ્વભેદનના આ પ્રકારના પુરાવા ડેક્કન ટ્રૅપરચનાના મુંબઈ, કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતની કેટલીક ટેકરીઓમાં જોવા મળે  છે. વડોદરા પાસે આવેલી પાવાગઢની ટેકરીઓમાં બેસાલ્ટ સાથે મળી આવતા રહાયોલાઇટ, એન્ડેસાઇટ, પિચસ્ટોન અને ડેસાઇટ જેવા ખડકો મૅગ્માની સ્વભેદનક્રિયા પ્રદર્શિત કરે છે. મૅગ્માજન્ય સ્વભેદનનું બીજું જાણીતું ઉદાહરણ સૌરાષ્ટ્રની ગિરનાર ટેકરીઓ છે, જેમાં બેસાલ્ટ સાથે ગૅબ્રો, મિન્ઝોનાઇટ, ડાયોરાઇટ, નેફેલીન સાયનાઇટ, ગ્રેનોફાયર, લેમ્પ્રોફાયર અને લિમ્બરગાઇટના નાનામોટા અંતર્ભેદકો આ ક્રિયા થઈ હોવાની પ્રતીતિ કરાવે છે. આ જ પ્રમાણે મુંબઈની આજુબાજુના વિસ્તારોની ટેકરીઓમાં મળી આવતા  રહાયોલાઇટ, ટ્રેકાઇટ, ડોલેરાઇટ ખડકો પણ મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવા છે.

આંતરટ્રૅપ સ્તરો : ટ્રૅપરચનાના લાવાપ્રવાહો અમુક અમુક તફાવતને આંતરે થોડી જાડાઈવાળા તેમજ નાના વિસ્તારમાં મળી આવતા જળકૃત ખડકસ્તરોથી જુદા પડી ગયેલા છે. આ જળકૃત ખડકસ્તરો આંતરટ્રૅપ સ્તરોના નામથી ઓળખાય છે. આંતરટ્રૅપ સ્તરો બે પ્રસ્ફુટન વચ્ચેના શાંત કાળગાળા દરમિયાન લાવાપ્રવાહોની અનિયમિત તળસપાટી પર ઉદભવેલા સરોવરજન્ય કે સ્વચ્છજળજન્ય નિક્ષેપ છે અને તે જીવાવશેષવાળા પણ છે. બે પ્રસ્ફુટનો વચ્ચેના શાંત ગાળા દરમિયાનનો તેમજ શાંત વિસ્તારો તરફ પ્રાણી અને વનસ્પતિના વારંવાર થયેલા સ્થળાંતરનો ઇતિહાસ પૂરો પાડતા હોવાથી તે મહત્વના બની રહે છે. સામાન્ય રીતે તો આ સ્તરો 1થી 3 મીટરની જાડાઈવાળા હોય છે અને 5-7 કિમી.થી વધુ વિસ્તારમાં ફેલાયેલા હોતા નથી. આંતરટ્રૅપ સ્તરો કાળા લીડાઇટ જેવા ચર્ટ લક્ષણવાળા ખડકો, સ્તરરચનાવાળા જ્વાળામુખીજન્ય નિક્ષેપો, અશુદ્ધ ચૂનાખડક અને માટીથી બનેલા હોય છે. આ સ્તરોમાં જંતુઓ, કવચી પ્રાણીઓ અને માછલી, દેડકાં, કાચબા વગેરેના અવશેષો સાથે વનસ્પતિ અવશેષ તેમજ સ્વચ્છજળનાં મોલુસ્ક પ્રાણીઓનાં કવચ મળી આવે છે. જ્યાં આગળ આંતરટ્રૅપ સ્તરો મળી આવે છે, ત્યાં આ સ્તરોના અતિવિશિષ્ટ જીવાવશેષ ‘ફીસા (બુલિનસ) પ્રીન્સેપી’નાં કવચ  સામાન્ય રીતે મળી રહે છે. તે કવચ સ્વચ્છજળ ગૅસ્ટ્રોપૉડની એક ઉપજાતિ છે. લિમ્નિઆ, યુનિયો, પેલ્યુડિના, વેલવેટા, મેલાનિયા, નટિકા, વિસારિયા, સેરિથિયમ, ટ્યુરિટેલા અને પ્યુપા અન્ય જીવાવશેષો છે. કવચી પ્રાણી સાઇપ્રિસ, કેટલાંક જંતુઓ અને પૃષ્ઠવંશી પ્રાણીઓનાં અસ્થિ, ભીંગડાં  (scales), પ્રશલ્ક (scutes) તેમજ દાંત મળી આવે છે. દા.ત., માછલી દેડકાં (રાના અને ઑક્સીગ્લૉસસ) અને કાચબા (હાઇડ્રાસ્પીસ, ટેસ્ટુડો વગેરે). વનસ્પતિ અવશેષમાં તાડ મોટા પ્રમાણમાં મળી રહે છે, જેમાં અસંખ્ય ડાળીઓ, પર્ણ અને ફળ ભળેલાં હોય છે. દ્વિબીજપત્રી વૃક્ષોની અનેક ઉપજાતિઓ પણ રહેલી છે. કેટલાંક સ્થાનોમાં ચર્ટખડકોમાં સારી રીતે જળવાઈ રહેલા જળવનસ્પતિના સ્વચ્છ લીલ ચારા, જળ હંસરાજ, એઝોલા વગેરે તેમજ અન્ય જળવનસ્પતિ અવશેષ મળી આવે છે. આ ચર્ટખડક સિલિકાકરણ થયેલો સરોવરનો કાદવ હોઈ શકે. મુંબઈ(મલબાર હિલ અને વરલી)ના સારા ભૂપૃષ્ઠછેદોમાં આંતરટ્રૅપ સ્તરો વિવૃત થયેલા છે જ્યાં આશરે 30 મીટરની જાડાઈવાળા સ્તરરચનાયુક્ત શેલ ખડકો બે લાવાપ્રવાહો વચ્ચે જોવા મળે છે અને તેમાં કાર્બનીકરણ પામેલા અસંખ્ય વનસ્પતિ અવશેષ, ઘણાં દેડકાં, એક કાચબો અને સાઇપ્રિસ કવચો મળી આવેલાં છે. જીવાવશેષોની વિપુલતાવાળો આંતરટ્રૅપસ્તરોનો વિસ્તાર મધ્યપ્રદેશમાં છિંદવાડા છે જ્યાં સુંદર રીતે સિલિકાકરણ પામેલાં પાંદડાં, પુષ્પ, ફળ, બીજ અને ઘણી છોડ-ઉપજાતિઓનું કાષ્ઠ મળી રહે છે.

વય : આ રચનાના ખડકોનું વય જીવાવશેષો તેમજ કિરણોત્સારી પદ્ધતિથી નક્કી કરવામાં આવેલું છે; કારણ કે ડેક્કન ટ્રૅપના જ્વાળામુખી ખડકોમાં તો તેમના વયને લગતો કોઈ નિર્ણયાત્મક આંતરિક પુરાવો મળતો નથી. આંતરટ્રૅપ ખડકોમાં રહેલા જીવાવશેષ જેમાં મળી આવે છે તે સ્તરોના વયનો કોઈ ચોક્કસ ઉલ્લેખ મળતો નથી. સ્તરવિદ્યાત્મક પ્રમાણભૂત સ્તરાનુક્રમના સંબંધમાં આ બૃહદ્ જ્વાળામુખીજન્ય રચનાનો ચોકસાઈભર્યો સહસંબંધ સ્થાપિત કરવા માટે ખડકોની નીચે તેમજ ઉપર રહેલા સ્તરોના પુરાવા પર આધાર રાખવો જરૂરી બની જાય છે. કેટલાંક સ્થાનોમાં ટ્રૅપ ખડકો સેનોમેનિયન વયના બાઘ સ્તરો તેમજ અન્ય સ્થાનોમાં લેમેટા શ્રેણી ઉપર રહેલા હોવાથી પ્રસ્ફુટન ચોક્કસ રીતે ત્યારપછીના સમયમાં જ થયેલાં હોવાં જોઈએ. ડાનિયન અથવા સહેજ નવા વયના સિંધના કાર્ડિટા બીમોન્ટી ખડકો સાથે મળી આવતા ટ્રૅપ ખડકોના થોડા આંતરસ્તર, ટ્રૅપરચનાના વય માટેનો બીજો પુરાવો છે. પશ્ચિમ કિનારા પરનાં એક કે બે સ્થાનોમાં સૂરત અને ભરૂચની જેમ ટ્રૅપ  ખડકો ઉપર ન્યુમુલાઇટયુક્ત સ્તરોની નાની નવવિવૃતિઓ અસંગત રીતે રહેલી છે. અહીં જોવા મળતી સ્પષ્ટ અસંગતિ-સપાટી કે જે છેલ્લા પ્રસ્ફુટન તેમજ આ વિસ્તારના અધોગમનક્રિયા વચ્ચેના કાળગાળાનો નિર્દેશ કરે છે, તે સારી રીતે જોઈ શકાય છે. ગોદાવરીના ત્રિકોણપ્રદેશમાં આવેલા રાજમહેન્દ્રીમાં ટ્રૅપરચનાની એક દૂરની નવવિવૃતિ થોડી જાડાઈવાળા આરિયાલુર વયના દરિયાઈ ક્રિટેશિયસ રેતીખડકોની ઉપર રહેલી છે. છેલ્લે દર્શાવેલા સ્થાનમાં ટ્રૅપરચનાના મધ્યભાગમાંથી ફીસા (બુલિનસ) પ્રિન્સેપી, ટ્યુરિટેલા, નોટિલસ, સેરિથિયમ, મોર્ગેનિયા, પોટામાઇડ્સ, કૉર્બ્યુલા, હેમિટોમા, ટીમ્પેનોટોમસ જેવા જીવાવશેષ સાથેના નદીજન્ય અને દરિયાઈ ઉત્પત્તિવાળા જળકૃત ખડકો મળી આવે છે. જોકે આ જીવાવશેષ ઉપરથી કોઈ ચોક્કસ  વય નક્કી થઈ શકતું નથી. કારણ કે ઉપજાતિઓનું સામ્ય જોઈએ એટલું સ્પષ્ટ નથી. તાડ જીવાવશેષની વિપુલતાવાળી કે જે પૈકી ઇયોસીન સમયની વિશિષ્ટ ઉપજાતિની નિપેડાઇટ્સ તેમજ એઝોલાના અસંખ્ય ફળદ્રૂપ નમૂનાવાળી (જળ હંસરાજની તરતી અર્વાચીન જાતિ કે જેના અગાઉના તમામ જીવાવશેષ પશ્ચાત્ ક્રિટેશિયસ વયના છે) નાગપુર-છિંદવાડા વિસ્તારની ટ્રૅપ ખડક શ્રેણીના તળભાગમાંથી મળી આવેલા અસંખ્ય જીવાવશેષના પ્રો. સહાનીએ કરેલા અભ્યાસ પરથી તે ટ્રૅપરચનાના વય માટે ટર્શિયરી કાળની શરૂઆતનો સમય નક્કી કરે છે. સહાનીના મત પ્રમાણે આંતરટ્રૅપસ્તરના વનસ્પતિ-અવશેષ લંડન મૃદરચના (London clay)ના વનસ્પતિ-અવશેષ સાથે તદ્દન સ્પષ્ટ સામ્ય ધરાવે છે. ફોરામિનિફરના રોટાલીડી, લેગેનીડી અને મિલિયોલીડી વર્ગો, માર્લ ખડકોમાંથી મળી આવેલા ચારોફાઇટ જીવાવશેષ તેમજ રાજમહેન્દ્રી ટ્રૅપ ખડકોના નાના વિવૃત ભાગમાં રહેલા આંતરટ્રૅપ ચૂનાખડકના એસિક્યુલેરિયા અને અન્ય લીલ અંગેનાં એલ. આર. રાવ તેમજ બીજાઓનાં આધુનિક સંશોધનો આ નિર્ણયને સમર્થન આપે છે. ટ્રૅપનિમ્ન સ્થાનવાળી લેમેટા શ્રેણીમાંથી મળી આવેલા માછલી–જીવાવશેષની વય અંગેનો સર એ. વુડવર્ડનો નિર્ણય સ્વીકારવામાં આવે તો ટ્રૅપરચનાનો તળભાગ ચોક્કસ રીતે ઇયોસીન વયનો છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના આંતરટ્રૅપ સ્તરોમાંથી મળી આવેલાં માછલીનાં કેટલાંક ભીંગડાંના અવશેષના અભ્યાસ પરથી પણ ઇયોસીન વયને સમર્થન મળે છે. કેટલીક સ્વચ્છજળની માછલી સહિત ઉપાસ્થિવાળી જાતિ મુસ્પેરિયા અને ક્લુપિયા જાતિની અનેક ઉપજાતિઓનું પ્રતિનિધિત્વ આ ભીંગડાં દ્વારા દર્શાવાતું હોવાનું ડૉ. એસ. એલ. હોરા જણાવે છે. આ બધા જીવાવશેષ ઉપરથી તેનું વય ઇયોસીન સુધીનું  હોઈ શકે. હાલની પરિસ્થિતિ મુજબનો ઉપસંહાર એ છે કે બાહ્ય  પુરાવા ઉપરથી ડેક્કન ટ્રૅપરચના ક્રિટેશિયસના  સૌથી ઉપરના ભાગની ડાનિયન કક્ષા કરતાં જૂના વયની હોઈ શકે નહિ; જ્યારે માછલી તાડ અને ફોરામિનિફર વગેરે જીવાવશેષના આંતરિક  પુરાવા ઉપરથી ડેક્કન ટ્રૅપરચનાના ખડકો ઇયોસીન કરતાં વધુ નવા વયના નથી.

કિરણોત્સારી પદ્ધતિ પરથી ડેક્કન ટ્રૅપરચનાનું વય નક્કી કરવા માટે આ રચનાના કેટલાક વિસ્તારોના લાવાપ્રવાહોનું વયનિર્ધારણ કરવામાં આવ્યું છે, જે પૈકી મુંબઈ અને વડોદરા પાસેની પાવાગઢની ટેકરીઓનો ઉલ્લેખ કરી શકાય. મુંબઈ વિસ્તારના ડેક્કન ટ્રૅપ લાવાપ્રવાહોનું વય 5.5થી 6 કરોડ વર્ષ અને પાવાગઢના લાવાપ્રવાહોનું વય 4 થી 4.5 કરોડ વર્ષ હોવાની ગણતરી કરવામાં આવેલી છે. આ ગણતરીઓ પરથી ડેક્કન ટ્રૅપરચનાનું વય 4થી 6 કરોડ વર્ષના ગાળાનું હોવાનું અંદાજી શકાય.

નીચેનો કોઠો ડેક્કન ટ્રૅપરચનાનું વર્ગીકરણ અને સ્તરવિદ્યાત્મક સ્થાન દર્શાવે છે :

સૂરત અને ભરૂચના ન્યુમુલાઇટ ખડકો; કચ્છના

ઇયોસીન ખડકો; લેટરાઇટ

અસંગતિ

ઊર્ધ્વ ટ્રૅપ ખડકો

450 મીટર

 

 

 

મધ્ય ટ્રૅપ ખડકો

1200 મીટર

 

 

નિમ્ન ટ્રૅપ ખડકો

150 મીટર

 

:

 

 

 

:

 

 

 

:

 

મુંબઈ અને સૌરાષ્ટ્રના; અસંખ્ય ભસ્મસ્તર સાથેના

લાવાપ્રવાહો; અસંખ્ય પૃષ્ઠવંશી જીવાવશેષ અને

મોલુસ્કના કવચ સાથેના મુંબઈના જળકૃત

આંતરટ્રૅપ સ્તરો.

 

 

માળવા અને મધ્યપ્રદેશનો. આ શ્રેણીનો વધુ

જાડાઈવાળો ભાગ લાવાપ્રવાહો અને ભસ્મસ્તરોથી

બનેલો છે. જીવાવશેષવાળા આંતરટ્રૅપ સ્તરો અહીં

મળતા નથી.

મધ્યપ્રદેશ, નર્મદા, વરાડ વગેરે. થોડા ભસ્મસ્તર

સાથેના લાવાપ્રવાહો જીવાવશેષવાળા અસંખ્ય

આંતરટ્રૅપ સ્તરો આ પેટાવિભાગમાં મળી આવે છે.

ગૌણ અસંગતિ : લેમેટા અથવા ટ્રૅપનિમ્ન શ્રેણી; બાઘ સ્તરો;

જબલપુર સ્તરો તેમજ જૂના ખડકો.

આર્થિક મહત્વ : ભારતમાં મળતી જુદા જુદા ભૂસ્તરીય કાળની ખડકરચનાઓમાં રહેલા ખડકો કે ખનિજો કેટલીક વખતે આર્થિક મહત્વનાં બની રહે છે. ડેક્કન ટ્રૅપરચના ખનિજસંપત્તિની ર્દષ્ટિએ વધુ મહત્વની રચના ગણાતી નથી. ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના આંબાડુંગર વિસ્તારમાં મળી આવતું ફ્લોરસ્પાર ખનિજ એકમાત્ર અગત્યનું છે. આ ખનિજ કાર્બોનેટાઇટ  ખડકમાં મળે છે. કાર્બોનેટાઇટ ખડક એ આ વિસ્તારના નેફેલીન-એજીરીનવાળા ખડકોના આલ્કલીયુક્ત વલયસંકુલ(ring complex)ના ભાગ રૂપે મળી આવે છે. આ આલ્કલી વલયસંકુલ ક્રિટેશિયસ સમયના બાઘ સ્તરોના ચૂનાખડકોને ભેદીને ડેક્કન ટ્રૅપરચનાના ઉપરના ભાગના લાવાપ્રવાહોમાં ઘુમ્મટ સ્વરૂપે મળે છે.

આ રચનાના બેસાલ્ટ ખડકો બાંધકામ દ્રવ્ય-કપચી-તરીકે મોટા પાયા પર ઉપયોગમાં લેવાય છે. સ્થાનિક ખાનગી મકાનો માટે બાંધકામ ખડક થોડા પ્રમાણમાં વપરાય છે. મુંબઈ પાસે આવેલા મલાડના બફ રંગના ટ્રેકાઇટ ખડકો જેવી આછા રંગવાળી જાતો સિવાય આ રચનાના ખડકોનો તેમના ઘેરા રંગને કારણે બાંધકામમાં  ખાસ ઉપયોગ થતો નથી.

બદામાકાર જમાવટ રૂપે મળી આવતી કૅલ્સિડોનીના ગર્ભમાંથી કેટલીક વખતે સુંદર અકીક, કાર્નેલિયન વગેરે મળી રહે છે, જેનો અલંકાર માટે ઉપયોગ થાય છે. આ જાતના ઉપયોગ માટે એક સમયે ખંભાત ખાતે તેનું સારું એવું ઔદ્યોગિક બજાર હતું. ટ્રૅપ ખડકોના ખવાણને કારણે છૂટા પડેલા કૅલ્સિડોનીના લઘુગોળાશ્મથી બનેલા ટર્શિયરી સમયના કૉંગ્લોમરેટ ખડકમાંથી અકીક જેવાં અર્ધકીમતી ખનિજો હજી પણ મેળવવામાં આવે છે. કેટલીક નદીઓની તેમજ સમુદ્રકંઠારની રેતી મૅગ્નેટાઇટયુક્ત હોય છે અને તેને પૂરતા પ્રમાણમાં સંકેન્દ્રિત કર્યા પછી લોહ માટે તેની ગાળણક્રિયા કરવામાં આવે છે. ડેક્કન ટ્રૅપ વિસ્તારોના ભૂગર્ભજળસંચય માટે તેમજ પુરવઠા માટેના  સંજોગો પણ રસપ્રદ છે. સ્તરવાળા લાવાપ્રવાહોના કોટરયુક્ત ભાગ અનુકૂળ જળસંચય માટેના સ્તર બની રહે છે, જેમાંથી ભૂગર્ભજળનો નોંધપાત્ર પુરવઠો મળી રહે છે. કોટરયુક્ત ભાગો તેમજ અસંખ્ય સાંધા અને ફાટ આ ખડકો માટેનાં જળસંચયસ્થાનો છે અને તે સિવાય આખી રચના અછિદ્રાળુ અને જથ્થામય છે. જોકે તેમાં થોડા છિદ્રાળુ ભાગો રહેલા હોય છે. બેસાલ્ટ ખડકના વિઘટનને કારણે અસ્તિત્વમાં આવતી જમીન ખૂબ જ ઉપજાઉ નીવડે છે. કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ કાર્બોનેટ, પોટાશ, ફૉસ્ફેટ વગેરે દ્રવ્યોવાળી અને ઘેરા રંગની મૃણ્મય ગોરાડુ જમીન તેની જ પેદાશ છે. કાળી જમીન અથવા રેગર તરીકે જાણીતી મોટા ભાગની કપાસની જમીન બેસાલ્ટના પોતાના જ સ્થાનમાં થતા સપાટીજન્ય ખવાણની પેદાશ છે જે પછીના સમયમાં લોહ તેમજ જીવજન્ય દ્રવ્ય સાથે થતા મિશ્રણને કારણે બને છે અને ફળદ્રુપ ગણાય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે