ડેકા, હિતેશ (જ. 1928, કામરૂપ જિલ્લો, અસમ) : અસમિયા ભાષાના લેખક. પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં અને પછી માધ્યમિક શિક્ષણ નલબારીની શાળામાં લીધું. અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હોવાથી એમને છાત્રવૃત્તિ મળતી તેમાંથી ભણતરનો ખર્ચ નીકળતો. એમણે મૅટ્રિકની પરીક્ષા આપી ને કૉલેજમાં જોડાયા. ત્યાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું. એટલે કૉલેજ છોડી જંગમાં ઝંપલાવ્યું. એમણે બે વાર જેલ ભોગવી, પછી નલબારી કૉલેજમાં જોડાયા. બી.એ.ની પરીક્ષા પાસ કરી નિશાળમાં શિક્ષકની નોકરી લીધી અને તે દરમિયાન વાર્તાલેખન શરૂ કર્યું. 1949માં એમનો પ્રથમ નવલિકાસંગ્રહ ‘પ્રાયશ્ચિત્ત’ પ્રગટ થયો, જેનાથી તેમને વાર્તાલેખક તરીકે પ્રતિષ્ઠા મળી. એમનો બીજો વાર્તાસંગ્રહ ‘ગટ્ટ ખાલિયા’ 1954માં પ્રગટ થયો. એમણે નવ નવલકથાઓ લખી છે. એમની 1952માં પ્રગટ થયેલી ‘આજિર માનુષ’ કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી એ વર્ષની શ્રેષ્ઠ અસમિયા રચના માટેના પુરસ્કાર માટે પસંદ કરાઈ હતી. અસમ સરકાર તરફથી પણ એ પુરસ્કૃત થઈ હતી. એમાં કૃષિજીવનની અને ગ્રામાંચલની સમસ્યાઓનું ચિત્તાકર્ષક નિરૂપણ કરવામાં આવ્યું છે. એમની અન્ય નવલકથાઓ છે : ‘નતૂન પથ’ (1954); ‘માટિકાર’ (1956); ‘ભાડાઘર’ (1958); ‘એઇ તો જીવન’ (1960); ‘સીતેર કથા’ (1962); ‘અસલ માનુષ’ (1964); ‘વૈધમાનુષ’ (1965); ‘જીવનસંઘાત’ (1969). એમની આ કથાઓમાં મોટેભાગે આધુનિક માનવજીવનની અનેકવિધ સમસ્યાઓ રજૂ થઈ છે. એમણે નાટકના ક્ષેત્રમાં પણ સફળતાપૂર્વક ખેડાણ કર્યું છે. 1970માં પ્રગટ થયેલ ‘મંત્રીર હૂકૂમ’માં સરકારના મંત્રીઓ પ્રત્યે વેધક કટાક્ષ કરવામાં આવ્યો છે. ‘આસામીર પ્રાણાર કથા’ (1971)માં અસામાજિક તત્વોના જીવનની ઝાંખી કરાવી છે. એમનાં નાટકો અનેકવાર રંગમંચ પર ભજવાયાં છે. હિતેશ ડેકા અસમિયા ગદ્યસ્વામીઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે.
ચન્દ્રકાન્ત મહેતા