ડૅવિડસન, જૉન (જ. 11 એપ્રિલ 1857, ગ્લાસગો નજીક, સ્કૉટલૅન્ડ; અ. 23 માર્ચ 1909, લંડન) : આંગ્લ કવિ. પિતા ઍલેક્ઝાન્ડર ડૅવિડસન સ્કૉટલૅન્ડમાં ખ્રિસ્તી ઇવૅન્જેલિકલ સંપ્રદાયના પાદરી હતા. તેમનું જીવન ખૂબ જ સંઘર્ષપૂર્ણ અને અકિંચન હતું. માત્ર તેર વર્ષની વયથી આજીવિકા માટેનો સંઘર્ષ કરતાં કરતાં ભણવાના પ્રયત્નો કરવા માંડ્યા. છેવટે એક વરસ પૂરતી ઍડિનબરો યુનિવર્સિટીમાં અભ્યાસની તક મળી. ગ્લાસગોની શાળામાં વિદ્યાર્થી-શિક્ષકની કામગીરી કર્યા પછી શિક્ષણનો વ્યવસાય છોડીને સ્કૉટલૅન્ડથી લંડન આવીને ફ્લીટ સ્ટ્રીટમાં પત્રકારત્વમાં પ્રવેશ્યા.
લંડનમાં તે ‘રાઇમર્સ ક્લબ’માં જતા હતા અને ત્યાં તેમને યીટ્સ, બીરબૉમ અને બીજા સર્જકોનો પરિચય થયો. તેમણે ‘ધ યલો બુક’માં પણ લખવા માંડ્યું. 1890ના દશકા દરમિયાન ઘણી નવલકથાઓ તથા સંખ્યાબંધ કાવ્યો લખ્યાં. 1893માં ‘ફ્લીટ સ્ટ્રીટ ઍક્લૉગ્ઝ’ પ્રગટ થયા પછી ‘બૅલડ્ઝ ઍન્ડ સૉંગ્ઝ’(1894)નું પ્રકાશન થયું. 1896માં ‘એ સેકન્ડ સિરીઝ ઑવ્ ફ્લીટ સ્ટ્રીટ ઍક્લોગ્ઝ’, 1897માં ‘ન્યૂ બૅલડ્ઝ’ અને 1899માં ‘ધ લાસ્ટ બૅલડ’ પ્રગટ થયાં.
જીવનના છેલ્લા દશકમાં બ્લૅન્ક વર્સ ‘ટેસ્ટામેન્ટ્સ’ અને પદ્યનાટકનું વિપુલ સર્જન કરવા તરફ તે વળ્યા જણાય છે. આ બધી રચનાઓમાં ‘ટેસ્ટામેન્ટ્સ’ અત્યંત મહત્વની લેખાય છે. તેમાંની કેટલીક તો છ પેનીના ચોપાનિયા રૂપે પ્રગટ થઈને બહોળો પ્રચાર પામી હતી. ‘ધ ટેસ્ટામેન્ટ ઑવ્ અ વિવિસેક્ટર’ (1901), ‘ધ ટેસ્ટામેન્ટ ઑવ્ અ મૅન ફરબિડ’ (1901), ‘ધ ટેસ્ટામેન્ટ ઑવ્ અ એમ્પાયર બિલ્ડર’, (1902), ‘ધ ટેસ્ટામેન્ટ ઑવ્ અ પ્રાઇમ મિનિસ્ટર’ (1904) તથા ‘ધ ટેસ્ટામેન્ટ ઑવ્ જૉન ડૅવિડસન’ (1908) ઉલ્લેખનીય છે. ટૂંકી વાર્તાઓ, ફ્રેન્ચ સાહિત્યનાં રૂપાંતરો, પત્રકારત્વના લેખો અને ગદ્યમાં લખાયેલાં રેખાચિત્રો એમ તેમની કલમમાંથી સર્જનપ્રવાહ વહેતો જ રહ્યો.
‘બૅલડ’ના કાવ્યપ્રકાર પ્રત્યે તેમને વિશેષ લગાવ હતો. સમકાલીન વૈજ્ઞાનિક કાલ્પનિક કથાઓ, ખ્રિસ્તી ધર્મના ઈશ્વર સામેની તેમની બળવાખોરી અને નિત્શેની વિચારસરણી વગેરેના આધારે ઘડાયેલું તેમનું જીવનદર્શન અનેકને માટે મૂંઝવણરૂપ બન્યું હતું અને સાવ થોડી વ્યક્તિઓએ તેનો સ્વીકાર કર્યો હતો.
તેમનું પ્રસિદ્ધ કાવ્ય-પુસ્તક તેમના આપઘાતના એક વરસ પહેલાં જ પ્રગટ થયેલું તે ‘ધ ટેસ્ટામેન્ટ ઑવ્ જૉન ડૅવિડસન’. તેમાં તે કહે છે : ‘જીવન ઉપરનું પ્રભુત્વ તમે ત્યારે જ મેળવી શકો જ્યારે તમે પોતે તમારું ખુદનું જીવન પણ હણી શકો અને એ રીતે, નિત્શેના તત્વજ્ઞાન પ્રમાણે, તમે મહામાનવ બની શકો ! જે પોતાને મારે છે તે રાજાઓના રાજવી, મૃત્યુને જીતે છે.’ આવી માનસિક રુગ્ણતા અને સંઘર્ષથી કંટાળી તે એક દિવસ ઘેરથી નીકળી ગયા. જીવનના પડકારોથી હતાશ બનેલા ડૅવિડસને કૉર્નિશના દરિયાકાંઠે ડૂબીને આત્મહત્યા કરી. છ મહિને એક શબ માછીમારોના હાથમાં આવ્યું તે તેમનું હતું તેમ ઓળખાયું !
રજનીકાન્ત પંચોલી