ડૅકૅથ્લોન : ઑલિમ્પિકમાં રમાતી ખેલાડીની ઝડપ, શક્તિ, ધૈર્ય તથા જ્ઞાનતંત્રસ્નાયુ-સમન્વયશક્તિ(neuro-muscular coordination)ની કસોટી કરતી સ્પર્ધા. ખેલાડીની શારીરિક અને માનસિક શક્તિઓની સર્વાંગી કસોટી થતી હોવાથી આમાં વિજેતા બનનાર ખેલાડીને સંપૂર્ણ ખેલકૂદવીર (complete athlete) ગણવામાં આવે છે. આમાં કુલ 10 જેટલી જુદી જુદી સ્પર્ધાઓનો સમન્વય છે, જેમાં ચાર પ્રકારની દોડ, ત્રણ પ્રકારની ફેંક અને ત્રણ પ્રકારની કૂદનો સમાવેશ થાય છે. તેમાં પ્રથમ દિવસે 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, ઊંચી કૂદ અને 400 મીટર દોડ યોજાય છે અને બીજા દિવસે 110 મીટર વિઘ્નદોડ, ચક્રફેંક, વાંસકૂદ, બરછીફેંક અને 1500 મીટર દોડ થાય છે. આમાં પ્રથમ દિવસની સ્પર્ધાઓ બીજે દિવસે લઈ જઈ શકાતી નથી તેમજ એનો ક્રમ બદલી શકાતો નથી.
દરેક સ્પર્ધામાં ભાગ લેવો અનિવાર્ય હોય છે. બે દિવસ સુધી સતત જુદી જુદી સ્પર્ધામાં ભાગ લેવાનો હોવાથી ખેલાડીની સર્વતોમુખી કસોટી થાય છે. દસે સ્પર્ધામાં મેળવેલ ગુણોનો સરવાળો કરીને વિજેતા ઘોષિત થાય છે. આ સ્પર્ધામાં હૅરોલ્ડ ઑસબોર્ન, જેમ્સ બાશ, ગ્લેન મૉરિસ, બૉબ મેથિયાસ, રાફર જૉન્સન, ડેલી થૉમ્પસન વગેરેએ ઑલિમ્પિક રમતોત્સવમાં વિજેતા બનીને ખ્યાતિ મેળવી છે. ભારતના સી. એમ. મુથૈયા, વિજયસિંહ ચૌહાણ, સુરેશ બાબુ વગેરેએ ડૅકૅથ્લોનમાં રાષ્ટ્રીય નામના મેળવી છે.
પ્રભુદયાલ શર્મા