ડૅઇઝી : દ્વિદળી વર્ગમાં આવેલ એસ્ટરેસી કુળની ઉદ્યાનોમાં ઉગાડાતી કેટલીક જાતિઓ. તેના મુંડક પ્રકારના પુષ્પવિન્યાસના બિંબની મધ્યમાં નલિકાકાર અને સામાન્યત: પીળાં બિંબપુષ્પકો અને તેની ફરતે રંગીન આકર્ષક કિરણપુષ્પકો આવેલાં હોય છે. તેના પ્રકાંડના તલપ્રદેશમાંથી શાખાઓ ફૂટીને વનસ્પતિઓ ઝૂમખાંદાર બને છે. ઑક્સ-આઇ ડૅઇઝી અમેરિકામાં થતું પ્રાકૃતિક ડૅઇઝી છે. તેનું વૈજ્ઞાનિક નામ Chrysanthamum leucanthemum છે. યુરોપમાંથી પ્રવેશ પામેલી આ જાતિ પૂર્વમાં મુશ્કેલરૂપ અપતૃણ બની ગયું છે. તે 60 સેમી. ઊંચી બહુવર્ષાયુ વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં અને છેદન પામેલાં હોય છે. તેનો અગ્રસ્થ મુંડક 2થી 5 સેમી. વ્યાસ ધરાવે છે. C. maximum ઑક્સ-આઇ ડૅઇઝી સાથે મળતી આવતી જાતિ છે. પરંતુ તેનો મુંડક 5થી 10 સેમી. વ્યાસ ધરાવે છે.
ઇંગ્લિશ ડૅઇઝી, Bellis perennis જૂની દુનિયાની મૂળ નિવાસી છે. તે 15 સેમી. ઊંચી બહુવર્ષાયુ શાકીય જાતિ છે. તે તલપ્રદેશે પર્ણોનું ગુચ્છ ધરાવે છે. તેનો મુંડક સફેદ કે ગુલાબી રંગનો હોય છે અને 5.0 સેમી. વ્યાસ ધરાવે છે. તે લાંબા દંડ પર આવેલો હોય છે. તેની કેટલીક જાતો ડબલ પુષ્પો ધરાવે છે.; બીજી કેટલીક જાત ગુલાબી કે લાલ હોય છે. ઉદ્યાનમાં તેની ક્યારીઓ રોપવામાં આવે છે.
આફ્રિકન ડેઇઝી, Arctotis stoechadifolia 75 સેમી ઊંચી એકવર્ષાયુ જાતિ છે. તેની પર્ણકિનારી દાંતા ધરાવે છે. તેનાં પુષ્પીય મુંડક વિવિધરંગી હોય છે. Dimorphotheca aurantiaca આફ્રિકન ઑરેન્જ ડેઇઝી તરીકે જાણીતી જાતિ છે.
Aster પ્રજાતિને મિચેલ્માસ ડૅઇઝી કહે છે. તે 40થી 50 સેમી. જેટલી ઊંચી થાય છે. તેને નાનાં સફેદ તારાકાર પુષ્પ સારી સંખ્યામાં આવે છે. તેની ઠંડા પ્રદેશમાં થતી જાત ઊંચી હોય છે અને ઘણા રંગનાં પુષ્પો આવે છે. શાખાઓને છૂટી કરી રોપવાથી વંશવૃદ્ધિ થાય છે.
Solidago પ્રજાતિને પીળી ડેઇઝી કે ગોલ્ડન રૉડ કહે છે. 60થી 70 સેમી. ઊંચી થતી આ જાતિને સીધા લાંબા દંડ પર નાનાં, અસંખ્ય પીળા રંગનાં પુષ્પો આવે છે અને તે પ્રમાણમાં લાંબા સમય સુધી ટકે છે.
મિચેલ્માસ ડેઇઝીની જેમ બ્લૂ ડૅઇઝી થોડાં નીચાં થાય છે. તેમનાં પુષ્પ થોડાં મોટાં થાય છે.
મ. ઝ. શાહ