ડુક્કરકંદ (વારાહીકંદ) : એકદળી વર્ગના ટેક્સેસી કુળમાં આવેલી વનસ્પતિ. (વૈજ્ઞાનિક નામ Tacca aspera, Roxb. ગુ. ડુક્કરકંદ, વારાહી કંદ). પ્રાય: મોટા પર્વતોના પાણીવાળા પ્રદેશમાં કે બાગમાં વેલા રૂપે થાય છે. તેની ઊંચાઈ 45થી 60 સેમી. હોય છે. તેનાં પર્ણો ઉપવલયી-અંડાકાર (elliptical-ovate) અને 20થી 40 સેમી. લાંબાં હોય છે. પુષ્પો લીલાશ પડતાં જાંબલી છત્રક (umbel) સ્વરૂપે ગોઠવાયેલાં અને મજબૂત મરૂન-બદામી પુષ્પદંડ(scape)માં ઢંકાયેલો હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનાં રસાળ અને 4.0 સે.મી. વ્યાસ ધરાવે છે. તેનો કંદ લંબગોળ હોય છે. આ કંદ સૂવર(ડુક્કર)ને ખૂબ પ્રિય હોઈ, તેમજ સૂવરના અંગ પર જેવા વાળ હોય છે, તેવા એના ઉપર પણ વાળ હોઈ તેને ‘ડુક્કરકંદ’ કહે છે. આ કંદનો આકાર પુરુષના વૃષણ જેવો હોય છે. તે જમીનમાં એક હાથ ઊંડે થાય છે.
આ કંદ આયુર્વેદની ટૉનિક ગણાતી ઔષધિમાંની એક પ્રશસ્ત ઔષધિ છે. તે સ્વાદે તીખો, કડવો, મધુર; ગુણમાં ગરમ, પિત્તકર્તા, બળપ્રદ, રસાયન, જઠરાગ્નિદીપક, વર્ણકર, સ્વર્ય, આયુષ્યવર્ધક, વીર્યવર્ધક, અને કામશક્તિવર્ધક છે. તે કૃશતા, નબળાઈ, હરસ, કોઢ, પ્રમેહ, ત્રિદોષ, કફ, વાયુ, કૃમિ, મૂત્રકૃચ્છ્ર, તરિયો તાવ જેવાં અનેક દર્દો મટાડે છે. આયુર્વેદની વીર્ય અને કામશક્તિવર્ધક અનેક ઔષધિઓમાં વૈદ્યો તેને ખાસ વાપરે છે. તેના ગુણો અશ્વગંધાને કંઈક મળતા આવે છે.
બળદેવપ્રસાદ પનારા