ડી (ડોમ્મારાજુ) ગુકેશ (જ. 29 મે 2006, ચેન્નાઈ, તમિળનાડુ) : સૌથી નાની વયે વિશ્વશતરંજવિજેતા બનનારો ભારતનો યુવા શતરંજખેલાડી. ડી. ગુકેશે ખૂબ નાની વયે આંતરરાષ્ટ્રીય સ્તરે શતરંજમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેને બાળપણથી ચેસ રમવાનો શોખ હતો. માત્ર સાત વર્ષની ઉંમરથી જ તેણે ચેસ રમવાની શરૂઆત કરી હતી. તેના પિતા રજનીકાંત ડૉક્ટર છે, જ્યારે માતા પદ્માકુમારી સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી છે. ગુકેશના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પ્રારંભિક તબક્કે તેના ચેસની રમતનો ઘણો ખર્ચ તેના પિતાના મિત્રો ઉઠાવતા હતા.

ડી (ડોમ્મારાજુ) ગુકેશ
ગુકેશની અદ્વિતીય પ્રતિભાને તેના કોચે શરૂઆતમાં ઓળખી લીધી અને તેમણે ગુકેશને નાની નાની ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવા પ્રોત્સાહન પૂરું પાડ્યું. ગુકેશે ટુર્નામેન્ટ્સ રમવા માટે અલગ અલગ જગ્યાએ પ્રવાસ કરવો પડતો. તેથી 2017માં તેના પિતાએ પોતાનું કામ છોડીને ગુકેશની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. માત્ર થોડાં વર્ષોમાં ગુકેશે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ઉત્તમ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું.
2015માં ગુકેશે અન્ડર-9ના વર્ગમાં એશિયન સ્કૂલ ચેસ ચૅમ્પિયનશિપમાં વિજય મેળવ્યો. 2018માં એશિયન યૂથ ચેસ ચૅમ્પિયનશિપમાં અન્ડર -12ના વર્ગમાં પાંચ સુવર્ણચંદ્રક જીતીને ગુકેશ આશાસ્પદ ચેસખેલાડી તરીકે ઊભર્યો. 15 જાન્યુઆરી, 2019ના દિવસે 12 વર્ષ, 7 મહિના અને 17 દિવસના ગુકેશે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો અને તે સાથે તેણે ભારતના સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરી. તેણે ઑગસ્ટ, 2022માં 44મી ચેસ ઑલિમ્પિયાડમાં વ્યક્તિગત સુવર્ણચંદ્રક મેળવ્યો. સપ્ટેમ્બર, 2022માં ગુકેશ પ્રથમ વખત ‘FIDA’ રેટિંગમાં 2700 પૉઇન્ટ્સના ક્રમને પાર કરીને 2726 સુધી પહોંચ્યો. આમ કરનાર તે વિશ્વનો ત્રીજો સૌથી યુવા ખેલાડી બન્યો. 2023માં તે શ્રેષ્ઠ રેટિંગ ધરાવતો ભારતીય ખેલાડી બન્યો અને ભારતના સર્વશ્રેષ્ઠ ચેસ ખેલાડી આનંદ વિશ્વનાથના 37 વર્ષના વિક્રમને પાર કર્યો.
2024માં 45મી ચેસ ઑલિમ્પિયાડમાં ગુકેશે ટીમ અને વ્યક્તિગત બન્ને સ્તરે સુવર્ણચંદ્રક હાંસલ કર્યાં. 2024નું વર્ષ તેના માટે અનેક સિદ્ધિઓ લઈને આવ્યું. વર્તમાન ચેસ ચૅમ્પિયનને પડકારવા માટેની ક્વૉલિફાય ટૂર્નામેન્ટ ગણાતી ‘કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ’ જીતીને ગુકેશે સૌથી નાની વયે આ ટુર્નામેન્ટ જીતવાનો રેકૉર્ડ બનાવ્યો. બાદમાં ડિસેમ્બર, 2024માં ગુકેશે ચેસ ઇતિહાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં ચીનના વિશ્વ ચૅમ્પિયન ડિંગ લેરીનને હરાવીને વિશ્વ ચેસ ચૅમ્પિયનશિપ જીતી. આ સાથે તે વિશ્વનો સૌથી યુવા ચેસ ચૅમ્પિયન બન્યો. આ સિદ્ધિ મેળવનાર ગુકેશ બીજો ભારતીય ખેલાડી છે. તેના પહેલાં ભારતમાંથી માત્ર વિશ્વનાથ આનંદે વિશ્વચૅમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
ગુકેશની રમવાની શૈલી પ્રતિક્રિયાત્મક છે. ગુકેશની રમત ધીમે ધીમે આગળ વધે છે અને હરીફ પર પકડ જમાવે છે. તેઓ સમયના દબાણ વચ્ચે પણ ઉત્તમ રીતે ગણતરીપૂર્વક રમી શકે છે અને નબળી સ્થિતિમાંથી બચી જાય છે.
હેમલ જાદવ
