ડાલ્ટન યોજના : 8થી 12 વર્ષની વયનાં બાળકોના શિક્ષણ માટેની એક યોજના. અમેરિકામાં 1920માં કુમાર હેલન પાર્કહર્સ્ટે મૅસેચૂસેટ્સ રાજ્યના ડાલ્ટન ગામમાં બાલવિદ્યાપીઠની પાઠશાળામાં આ યોજનાનો પ્રથમ પ્રયોગ કરેલો. ડાલ્ટન ગામને કારણે આ યોજના ડાલ્ટન પ્રયોગશાળા યોજના નામે જાણીતી થઈ હતી.
આ સમય પહેલાં શાળાઓમાં ગોખણપટ્ટી અને સોટી દ્વારા શિક્ષણ અપાતું અને તેથી વર્ગનું વાતાવરણ બિલકુલ નીરસ રહેતું. પાર્કહર્સ્ટે તેમાં ફેરફાર લાવવા પ્રયત્ન કર્યો. તેમણે 1915થી 1918 વચ્ચે કૅલિફૉર્નિયામાં મૅડમ મૉન્ટેસોરીની પદ્ધતિનો પ્રયોગ કરી જોયો હતો. એટલે કેટલાક લોકો ડાલ્ટન યોજનાને મૉન્ટેસોરી યોજનાની નીપજ માને છે.
ડાલ્ટન યોજનાના બે મુખ્ય સિદ્ધાંત છે: (1) ઘંટ વગાડી પિરિયડ શરૂ કરવાના અને પૂરા કરવાના કૃત્રિમ વાતાવરણને બદલે વિદ્યાર્થી તેમાં સ્વતંત્રપણે કામ કરી શકે છે. (2) બાળકને જ્યાં સુધી રસ પડે ત્યાં સુધી તે વિષયનું અધ્યયન કરવાની તેને છૂટ હોય છે.
ડાલ્ટન યોજનામાં બાળકો વિવિધ વિષયોને માસિક કાર્યક્રમના રૂપમાં વહેંચી કાઢી શિક્ષક સાથે અમુક સમયમાં અમુક વિષય શીખવાનો કરાર કરે છે. કરારના સમય દરમિયાન વિદ્યાર્થીને શિક્ષકો ભણાવતા નથી, પરંતુ વિદ્યાર્થીઓ પોતાની જાતે તે શીખે છે અને જરૂર પડે ત્યાં તેઓ પ્રયોગશાળામાં વિવિધ પુસ્તકોના સંદર્ભ વાંચી તથા શિક્ષકો કે અન્ય નિષ્ણાતો સાથે મસલત કરી સ્વયંશિક્ષણ લે છે. વિદ્યાર્થીઓ વિષયવસ્તુને સમસ્યા(problem)ના સ્વરૂપમાં નાના નાના એકમોમાં વહેંચીને શીખી લે છે. અંતે અગાઉ નક્કી કરેલા સમયમાં નક્કી કરેલો વિષયાંશ પૂરો કરે છે. એક રીતે આ પદ્ધતિ સમસ્યાપદ્ધતિ કે એકમપદ્ધતિનું સ્વરૂપ જ છે.
એક મહિનાનો કરાર પૂરો થયે વિદ્યાર્થીઓએ બીજા મહિનાનો કરાર કરવો પડે છે. આ યોજનામાં વર્ગનું બંધન નથી. પણ વર્ગને સ્થાને પ્રયોગશાળા આવે છે.
શિક્ષકનું કામ આ પ્રમાણે હોય છે : (1) તેણે પોતાની પ્રયોગશાળામાં બેસી વિવિધ વિષયોના ભાગ પાડી વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમો તૈયાર કરવાના હોય છે, જે પ્રમાણે વિદ્યાર્થીઓ કરારબદ્ધ થાય છે. (2) વિદ્યાર્થી કરારના સમય દરમિયાન જે કંઈ પૂછવા આવે તે માટે તેણે તૈયારી રાખી વિદ્યાર્થીને માર્ગદર્શન પૂરું પાડવું પડે છે. સાથે સાથે વિદ્યાર્થીઓ એકબીજામાંથી નકલ ન કરે કે સમય ન બગાડે, તેની તેણે તકેદારી રાખવાની હોય છે. (3) વિવિધ વિષયના શિક્ષકોએ પરસ્પર મસલત કરીને માસિક કરારો એવી રીતે તૈયાર કરવાના હોય છે કે જેથી વિષયવસ્તુનું પુનરાવર્તન ન થાય અને પાઠ્યક્રમ પૂરો થાય.
ઉદાહરણ તરીકે, સમ્રાટ અશોક વિશે ઇતિહાસના શિક્ષક કરાર તૈયાર કરે તો તેણે ભૂગોળના શિક્ષક અને ભાષાના શિક્ષક સાથે પણ મસલત કરવી પડે, જેથી તેઓ પણ પોતાના વિષયની વિગતોનું આયોજન તૈયાર કરી આપે.
વિદ્યાર્થી જે કાર્યયોજનાનો કરાર તૈયાર કરે છે તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે :
(1) પ્રસ્તાવના : કરારના સમયમાં પૂરા કરવાના પાઠ્યક્રમનો ટૂંકો પરિચય.
(2) વિષયવિભાજન : જે વિષયવસ્તુ તૈયાર કરવામાં આવે તેમાં વ્યાકરણ, નિબંધ, કવિતા, નાટક વગેરે પરત્વે કેટલું વિષયવસ્તુ આવરી લેવું.
(3) સમસ્યાઓ : ખાસ કરીને ભૂગોળ, વિજ્ઞાન, ગણિત વગેરેના વિષયવસ્તુને સમસ્યાઓના સ્વરૂપમાં વહેંચીને વિદ્યાર્થીઓએ તેના ઉકેલ માટે સંદર્ભ સાહિત્ય જોઈ, પ્રયોગો કરી, નિષ્ણાતો સાથે મસલત કરીને શીખવું પડે.
(4) લેખનકાર્ય : જે કંઈ લખીને તૈયાર કરવાનું હોય તે બધું સમયસર તૈયાર કરી શિક્ષકને સોંપી દેવું પડે.
(5) મોઢે કરવાનું કાર્ય : કવિતા, કોષ્ટકો વગેરે જે કંઈ કંઠસ્થ કરવાનું હોય તે પણ સમયસર પૂરું કરવું પડે.
(6) સંમેલન (conference) : કાર્યયોજના બનાવતી વખતે બધા વિદ્યાર્થીઓએ ભેગા થઈને ચર્ચાવિચારણા કરવાની હોય તેની તારીખ નક્કી કરી લેવી પડે.
(7) સંદર્ભપુસ્તકો : પુસ્તકોમાંથી જે જે વસ્તુ શીખવાની હોય તેની નોંધ શિક્ષકે તૈયાર કરીને રાખવી પડે.
(8) પ્રગતિનો હેવાલ : વિદ્યાર્થી જે કંઈ શીખે તેમાં તેણે કેટલી સિદ્ધિ મેળવી છે તેનો ખ્યાલ શિક્ષકે તેને આપતા રહેવો પડે, જેથી તેનો આત્મવિશ્વાસ ટકી રહે.
(9) પ્રદર્શન બૉર્ડ : કાળાં પાટિયાં કે ચિત્રો, ચાર્ટ વગેરે પ્રદર્શિત કરવાનાં બૉર્ડ તૈયાર કરીને વિદ્યાર્થી તેમાંથી જે શીખવાનું હોય તે શીખે તે માટે આયોજન કરવું પડે.
(10) કાર્યવિભાજન : વિવિધ વિષયોના શિક્ષકોએ પોતપોતાના હિસ્સા અંગે સ્પષ્ટતા કરીને કાર્યવિભાજન પહેલેથી કરી લેવું પડે.
ડાલ્ટન પદ્ધતિ એ વિનેટ્કા યોજના, એકમ (યુનિટ) યોજના વગેરે ઘણી શિક્ષણયોજનાની પુરોગામી હતી. ડાલ્ટન યોજના પોતે તો બહુ જૂજ પ્રમાણમાં અમલમાં મુકાઈ છે.
ગુજરાતમાં સૂરતમાં જીવનભારતી વિદ્યાલયમાં ચન્દ્રવદન શાહે થોડાં વર્ષ ડાલ્ટન યોજના અજમાવી જોઈ હતી.
કૃષ્ણકાંત ગો. દેસાઈ