ડાર્વિન, ચાર્લ્સ રૉબર્ટ (જ. 12 ફેબ્રુઆરી 1809, શુ્રસબરી, ઇંગ્લૅન્ડ; અ. 19 એપ્રિલ 1882, ડાઉન હાઉસ, યુ.કે.) : જૈવિક ઉત્ક્રાંતિવાદ(biological evolution)ના પ્રખર પ્રણેતા. પિતા પૈસાપાત્ર સફળ તબીબ હતા. આથી બાળકોના ઉછેરમાં કંઈ જ ઊણપ ન હતી. નાનાપણમાં ગુમાવેલી માતા સિવાય ડાર્વિનને કશાની ખોટ ન હતી. ડાર્વિનના દાદા ખ્યાતનામ તબીબ, પ્રકૃતિવિદ અને લેખક હતા. તેમની જીવંત કલ્પનાશીલતા તત્કાલીન શાળાકીય તંત્રમાં બંધબેસતી ન હતી. પિતાની ઇચ્છા હતી કે ડાર્વિન ધંધાકીય ઉજ્જ્વળ કારકિર્દી માટે તૈયાર થાય પણ તે તો અવલોકનની કળાને વિકસાવવામાં તલ્લીન હતા. આ રીતે, તે અન્ય સામાન્ય માણસો કરતાં કંઈ અલગ વ્યક્તિત્વ ધરાવતા હતા. ડાર્વિનની અવલોકન-કળાની તબીબ પિતાએ ભારે કદર કરી અને પોતાના દવાખાનામાં દર્દીઓને તપાસવાની છૂટ આપી. ડાર્વિન તપાસ અને અવલોકન બાદ જે તે સૂચન કરે તે પ્રમાણે પિતા દર્દીઓને દવા આપતા.
ડાર્વિનને પોતાના ભાઈ સાથે એડિનબરો યુનિવર્સિટીમાં તબીબી અભ્યાસ માટે મોકલવામાં આવ્યા. તબીબી અભ્યાસમાં રસ ન પડ્યો તે છતાં જીવોની ઉત્પત્તિ વિશે વધુ ને વધુ રસ કેળવાતો ગયો. આ સાથે 22 વર્ષની ઉંમરે ધર્મમીમાંસા(theology)ની ઉપાધિ મેળવી, પણ કશું જ કર્યું નહિ. આ સમયે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વનસ્પતિવિજ્ઞાનના યુવાન વ્યાખ્યાતા જ્હૉન હેન્સ્લોનો તેમને ભેટો થયો. જ્હૉન એચ. એમ. એસ. બીગલ નામના જહાજના કપ્તાન ફિઝરોય સાથે ડાર્વિનને મુલાકાત કરાવી આપી. દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠાનું સર્વેક્ષણ કરવા માટે બીગલનો કાર્યક્રમ નક્કી થયો તેમાં પ્રકૃતિવિદ તરીકે જોડાવા માટે ડાર્વિનને આમંત્રણ મળ્યું. તે અનુસાર પાંચ વર્ષ સુધી ડાર્વિને પ્રકૃતિનો અભ્યાસ કર્યો.
આતુરતા સાથે અવલોકન કરવાં, ચીવટપૂર્વક હેવાલ તૈયાર કરવો અને થાક્યા વિના વિવિધ નમૂનાઓનો સંગ્રહ કરવો એ ડાર્વિનનો નિત્યક્રમ હતો. સફર દરમિયાન ધીરજ અને ખંતપૂર્વક છોડવા, ખડકો, જીવ-જંતુઓ, પ્રાણીઓ અને અશ્મિઓ(fossils)નો તેમણે સંગ્રહ કર્યો. ભય અને સાહસવાળી આ સફર હતી. ત્રણેક વેરાન ટાપુઓની મુલાકાત લીધી. ત્યારબાદ બીગલ જહાજ દક્ષિણ અમેરિકાથી 800 કિમી. દક્ષિણે આવેલા ગલાપેગોસ ટાપુ ઉપર લાંગર્યું. આ ટાપુ ડાર્વિન માટે મોટી ખુલ્લી પ્રયોગશાળા હતી. ડાર્વિનના પુસ્તક ‘ઓરિજિન ઑવ્ સ્પીશિઝ’નો અહીં પાયો નંખાયો. વિવિધ પ્રાણીઓના આદ્ય અને અસામાન્ય ગુણધર્મોને આધારે પ્રાણીઓમાં થતા ફેરફારને લગતા સિદ્ધાંતની અહીં કડી મળી. ડાર્વિને જોયું કે જુદા જુદા ટાપુઓ ઉપર પક્ષીઓ, પ્રાણીઓ, સરીસૃપ(reptiles)નું જીવન ભિન્ન છે પણ તેમનામાં અમુક સામ્ય હતું. તેમના સમય પહેલાં એવું માનવામાં આવતું કે દરેક જીવનું સર્જન ખાસ અલગ રીતે થાય છે. હજારો વર્ષ પહેલાં દેવના હુકમથી માણસસહિત અન્ય જીવોનો એકાએક પ્રભવ થયો. આ જીવોમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. જીવોની ઉત્પત્તિને લગતા આ સિદ્ધાંતને ‘ખાસ સર્જન’(special creation)નો સિદ્ધાંત કહે છે. જોકે આ સિદ્ધાંતને કોઈ પાયો કે પ્રમાણ નથી. ‘ખાસ સર્જન’ના સિદ્ધાંત મુજબ પ્રાણીઓ એકસાથે પેદા થયાં હોય તો તેમની વચ્ચે તફાવત ન હોય. અશ્મિઓ અને તેમને મળતાં આવતાં અત્યારનાં જીવંત પ્રાણીઓના અભ્યાસ ઉપરથી જણાયું કે કેટલીક જાતિઓ (species) તેમને મળતી આવતી જાતિઓમાંથી ઊતરી આવી હોવી જોઈએ. આ રીતે ઉત્ક્રાંતિવાદનો વિચાર ડાર્વિનના મગજમાં સ્ફુર્યો. ત્યારબાદ જાતિઓમાં થતા ફેરફારોની ક્રિયાવિધિ (meachanism) સમજવાનું શરૂ કર્યું.
1838માં ડાર્વિને ટૉમસ માલ્થસનો ‘Population’ નિબંધ વાંચ્યો. જાતિફેરફારોને લગતો સંકેત તેમાંથી મળ્યો. આ નિબંધમાં જણાવાયું છે કે વસ્તીનો વધારો ઝડપથી થઈ રહ્યો છે તે માટે જરૂરી ખાદ્ય અનાજ એટલી ઝડપથી પેદા થતું નથી. આથી અનાજની તંગી ઊભી થાય ત્યારે સંઘર્ષ થાય. આ સંઘર્ષમાં બધી રીતે સક્ષમ હોય તે ટકી રહે છે અને નિર્બળનો નાશ થાય છે. પરિણામે યોગ્યતમની ઉત્તરજીવિતા(survival of fittest)નો ખ્યાલ પેદા થયો. આ ખ્યાલને આધારે ડાર્વિને પ્રતિપાદિત કર્યું કે ‘‘સાનુકૂળ ફેરફારો થતા રહે છે જ્યારે પ્રતિકૂળ ફેરફારો અટકી જાય છે. તેને પરિણામે નવી જાતિની રચના થવા લાગી છે.’’ આ સિદ્ધાંતને પૂર્તિ મળે તે માટે ડાર્વિને 20 વર્ષ સુધી પુરાવા એકઠા કર્યા. તે દરમિયાન 1855માં આલ્ફ્રેડ વાલેસનો ‘ઑન ધ લૉ વિચ હેઝ રેગ્યુલેટેડ ધ ઇન્ટ્રોડક્શન ઑવ્ ન્યૂ સ્પીશિઝ’ લેખ વાંચવા મળ્યો. આ લેખના વિચારો અને ડાર્વિનના વિચારો બરાબર મળતા હતા. લંડનની લિનિયન સોસાયટી સમક્ષ 1 જુલાઈ, 1858ના રોજ વાલેસ અને ડાર્વિનના સિદ્ધાંતોની રૂપરેખા અલગ અલગ આવી. આ પછી એક વર્ષ બાદ ડાર્વિનનું ‘ઓરિજિન ઑવ્ સ્પીશિઝ’ પુસ્તક પ્રગટ થયું. આખા પુસ્તકમાં ઉત્ક્રાંતિવાદને સમજાવતી દલીલો જોવા મળે છે. 1860માં ડાર્વિનના સિદ્ધાંત સામે ભારે વંટોળ ઊઠ્યો, કેટલાક માટે તે ચર્ચાસ્પદ તો બીજા કેટલાક માટે અસ્વીકાર્ય હતો. દેવળના બિશપો ‘ખાસ સર્જન’ની માન્યતા ધરાવતા હતા. તે છતાં હક્સલી અને અન્ય વિજ્ઞાનીઓનો આ સિદ્ધાંતને ટેકો હતો. જાહેર મંચ ઉપરથી બિશપે હક્સલીને સવાલ કરેલો કે તમારાં માબાપ વાંદરાં છે ? તેના જવાબમાં હક્સલીએ જણાવ્યું કે પોતે બિશપ કરતાં વાંદરાના વંશ જ હોવાનું વધુ પસંદ કરશે.
ઉત્ક્રાંતિવાદની ઉત્પત્તિ બાદ 40 વર્ષ સુધી તેનો વિવાદ ચાલુ જ રહ્યો. ડાર્વિનનો સિદ્ધાંત વિવાદાસ્પદ રહ્યો પણ તે પોતે તો નરમ અને સૌમ્ય સજ્જન હતા. બીગલની દરિયાઈ સફર બાદ માથાના સતત દુખાવા અને વમનેચ્છા(nausea)નો ભોગ બન્યા. ત્યારબાદ મૃત્યુ પર્યંત બીજી કોઈ સફર શક્ય ન બની.
પિત્રાઈ એમા વેજવુડ સાથે લગ્ન કર્યું. કૅન્ટમાં આવેલા એક નાનકડા ગામમાં આ કુટુંબ સુખચેનથી રહેતું હતું. તેમને આર્થિક ચિંતા ન હતી. કારણ કે તેમની પાસે પૂરતી સંપત્તિ હતી. આથી વૈજ્ઞાનિક સંશોધન કરવા માટે સાનુકૂળ પરિસ્થિતિ હતી. પરિણામે, ઉત્ક્રાંતિના સિદ્ધાંતને લગતા પુરાવા એકઠા કરવામાં જ સમય પસાર થતો હતો.
‘ફૉર્મેશન ઑવ્ વેજિટેબલ મોલ્ડ થ્રૂ ધ ઍક્શન ઑવ્ વર્મ’ નામના બીજા પુસ્તકમાં ડાર્વિન જણાવે છે કે ભૌતિક અને જીવંત જગતના ઇતિહાસમાં જીવ-જંતુઓ મહત્વનું સ્થાન ધરાવે છે. આ પુસ્તકે ‘ઓરિજિન ઑવ્ સ્પીશિઝ’ જેટલી સનસનાટી મચાવી નહિ. કુદરતે પ્રાણીઓની રચના કરી છે અને તેમના દ્વારા ખાસ કાર્યો કરાવે છે. આ હકીકતનો પ્રભાવ ડાર્વિન ઉપર થયો અને કુદરતનો વધુ ને વધુ અભ્યાસ કરવાની તેમને પ્રેરણા મળી. બીગલ ઉપર પ્રકૃતિવિદ તરીકે વર્ષો સુધી રહી પ્રકૃતિના વિવિધ ઘટકોનો વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો. અને જણાવ્યું કે ઉત્ક્રાંતિવાદની જેમ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પણ ઉત્ક્રાંત થતા જાય છે.
છેલ્લે ડાર્વિને ‘ડિસેન્ટ ઑવ્ મૅન’ પુસ્તક લખ્યું. તેમાં પ્રતિપાદિત કર્યું છે કે અન્ય પ્રાણીઓની જેમ માણસ પણ પૂર્વવર્તી (pre-existing) જીવોમાંથી ઉત્ક્રાંત થયો છે.
જીવસર્જનના પદાનુક્રમ(hierarchy)માં ડાર્વિનના વિચારો અને કાર્યનું સ્થાન મહત્વનું છે. કાળજીપૂર્વક અને જહેમતભર્યા સંશોધન બાદ ડાર્વિને જીવની ઉત્ક્રાંતિનો સિદ્ધાંત તૈયાર કર્યો. આ સિદ્ધાંત પ્રમાણે દરેક જીવ બીજા વધુ સાદા જીવમાંથી પેદા થાય છે.
નયન કે. જૈન