ડાયબેક : ફળના પાકોમાં થતો એક રોગ. આ રોગનું બીજું નામ ડિક્લાઇન છે. ફૂગ, વિષાણુ, કૃમિ વગેરેથી અને જીવાતોના ઉપદ્રવથી આ રોગ પેદા થાય છે. ઝાડની ટોચની ડાળીઓ અને પાન પર વારંવાર તેનું આક્રમણ થવાથી અથવા તો એક વાર ટોચની ડાળી પર વ્યાધિજન(pathogen)નું આક્રમણ થવાથી, ડાળી ટોચથી સુકાવાની શરૂ થાય છે. આ સુકાવાની પ્રક્રિયા નીચેની તરફ ધીમે ધીમે આગળ વધતી રહે છે. વધુ આક્રમણ થતાં ડાળી પરનાં પાન પીળાં પડે છે અને નવી કૂંપળો નીકળે તો તેનાં પાનની સંખ્યા અને કદમાં સતત ઘટાડો થાય છે. એવા ઝાડ ઉપર સુકાતી ડાળીની સંખ્યામાં વધારો થતો રહે છે. પરિણામે ઝાડ નબળું, રોગિષ્ઠ લાગે છે અને છોડની વૃદ્ધિ થવાને બદલે કદમાં ઘટાડો થાય છે. લીંબુને આ રોગ થતાં ઝાડ પર અસંખ્ય નાનાં લીંબુ બેસે છે. આવા ઝાડનાં મૂળ ખવાઈ ગયેલાં જોવા મળે છે, જ્યારે આંબાના ઝાડ પર મોર આવવા છતાં કેરી બેસતી નથી. કેરી બેસે તોપણ તેની વૃદ્ધિ ધીમી થાય છે અને કેરી ખૂબ જ નાની રહે છે. ઝાડ પર પાન ખૂબ જ ઓછાં જોવા મળે છે અને અસંખ્ય ડાળીઓ ટોચથી સુકાઈ જાય છે. જર્જરિત સુકાયેલી ડાળીવાળું પાણી-ખાતર વગરનું ઝાડ હોય એવું દેખાય છે. આવાં ઝાડ 7થી 8 વર્ષમાં સંપૂર્ણપણે સુકાઈ જતાં હોય છે.
ઝાડની ખાતર–પાણી અને પાક-સંરક્ષણની દેખભાળ ન લેવાથી, જમીનમાં પાણીની સપાટી ઉપર આવવાથી, જમીનમાં અમ્લતા અને આલ્કલાઇન(pH)નું પ્રમાણ ન જળવાતાં અને જમીનમાં ઝેરી તત્ત્વોનો સંગ્રહ થવાથી આ રોગ પેદા થાય છે. તેથી ઉપર્યુક્ત પૈકીનાં કારણોનું નિદાન કરી તેને કાબૂમાં લેવાના ઉપાયો શરૂઆતથી જ સમયસર લેવાથી આ રોગને કાબૂમાં લઈ શકાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ