ડાયફૅનબેકિયા : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની માંસલ શાકીય જાતિઓની બનેલી પ્રજાતિ. ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની મૂલનિવાસી છે. ભારતમાં તેની કેટલીક જાતિઓ અને ઉપજાતિઓ શોભાની વનસ્પતિ તરીકે ઉગાડાય છે. તે 60થી 90 સેમી. ઊંચી કૂંડાની વનસ્પતિઓ છે અને આકર્ષક સુંદર બહુવર્ણી (variegated) પર્ણોનો મુકુટ ધરાવે છે. તેનાં પર્ણો 30થી 40 સેમી. લાંબાં અને 12થી 20 સેમી.પહોળાં હોય છે. લીલાં પર્ણો સફેદ-પીળી છાંટ, ધાબાં કે પટ્ટીઓને લીધે સુંદર લાગે છે; તેથી તે ઓરડાની તેમજ વનસ્પતિ-ઘર(plant-house)ની શોભા માટે જાણીતી છે.

તે છાંયામાં કે અર્ધ-છાંયામાં સારી રીતે થાય છે. પાણી થોડું વધારે જોઈએ છે. તે કૂંડામાં કે જમીન પર થઈ શકે છે. પુષ્પો ઉત્પન્ન થાય કે તરત તેમને દૂર કરવામાં આવે છે, નહિતર વનસ્પતિની વૃદ્ધિ અટકે છે અને પર્ણોનું કદ ઘટે છે.

તેનો રસ ખૂબ કડવો અને ઝેરી હોય છે. તે જીભ પર પડતાં જીભ સૂજી જાય છે અને જીભને લકવો લાગુ પડે છે જેથી માણસ ઘણા દિવસ સુધી બોલી શકતો નથી. તેથી તેને ‘ડમકેન’ કહે છે.

D. bowmanni, Carr; D. seguine, Schott; D. magnifica, Linden & Rodigas; D. picta, Schott; D. bausei; D. rex; D. gigantea વગેરે ભારતમાં થતી તેની જાણીતી જાતિઓ છે. પ્રસર્જન કટકારોપણ (cuttings) દ્વારા થાય છે. તેના માટે ટોચ પરના કે પાસપાસેની ગાંઠના કટકાનો ઉપયોગ કરવામાં આવે છે.

D. seguineનાં પર્ણોનો મલાયામાં વા અને સોજામાં ઉપયોગ થાય છે. તેનો કાં તો ભૂકો કરી પોટીસ તરીકે લગાડવામાં આવે છે અથવા તેલમાં ઉકાળી મર્દનદ્રવ (embrocation) તરીકે ઉપયોગ થાય છે. તેની ગાંઠામૂળીમાં કૅલ્શિયમ ઑક્સેલેટ હોય છે.

મ. ઝ. શાહ