ડાયન્થસ : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા કૅરિયોફાયલેસી કુળની નાની શાકીય જાતિઓ ધરાવતી પ્રજાતિ. તે ઉત્તર સમશીતોષ્ણ કટિબંધની – ખાસ કરીને ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશની – મૂલનિવાસી છે. તેની ઘણી જાતિઓ સુંદર પુષ્પો માટે મૂલ્યવાન ગણાય છે. ભારતમાં થતી બાગમાં ઉગાડાતી વિવિધ જાતિઓ ઉપરાંત તેની 9 જેટલી વન્ય જાતિઓ પણ થાય છે. Dianthus caryophyllus, Linn. (કાર્નેશન, ક્લોવ પિંક); D. chinensis, Linn. (રેઇનબો પિંક); D. barbatus, Linn. (સ્વીટ વિલિયમ) વગેરે સુંદર પુષ્પો  આપતી જાતિઓ છે. D. caryophyllus ટટ્ટાર, 45થી 60 સેમી. ઊંચી, બહુવર્ષાયુ, સાંધામય પ્રકાંડ ધરાવતી જાતિ છે. તેનું પ્રકાંડ શાખિત અને નીચેથી કાષ્ઠમય હોય છે.

પર્ણો જાડાં, રેખીય અને સમ્મુખ હોય છે, પુષ્પનિર્માણ શિયાળામાં થાય છે. પુષ્પો અગ્રસ્થ, લાંબા પુષ્પદંડ ધરાવતાં, ગુલાબી, જાંબલી કે સફેદ રંગનાં હોય છે અને લવિંગની યાદ આપતી સુગંધ ધરાવે છે. તેની પાંખડીઓ સિંગલ કે ડબલ અને કાકરવાળી હોય છે. પુષ્પવિક્રેતાઓ દ્વારા કદ, રંગ અને પુષ્પ પર રહેલી રંગીન નિશાનીઓને આધારે 2000 જાતો (varieties) દર્શાવવામાં આવી છે.

ઑક્ટોબર માસ દરમિયાન બીજ દ્વારા તેને પૂરતું પાણી ધરાવતા તાવડા જેવા પાત્રમાં ઉગાડવામાં આવે છે. તેના તરુણ રોપ 5થી 6 સેમી. ઊંચા થાય ત્યારે જમીનમાં 15થી 25 સેમી. અંતરે રોપવામાં આવે છે અથવા કૂંડામાં પણ ઉગાડી શકાય છે. છોડ 15 સેમી. ઊંચો થાય ત્યારે તેની ટોચ કાપવામાં આવે છે, જેથી તેની પાર્શ્ર્વવૃદ્ધિ ઝડપી થતાં તે ભરાવદાર બને છે. વનસ્પતિની કૅલ્શિયમની જરૂરિયાત વધારે હોય છે અને વસંત ઋતુની શરૂઆતમાં જમીનને ચૂનો આપવામાં આવે છે.

કલમ (cutting) પ્રસર્જનની સૌથી સામાન્ય રીત છે. પુષ્પ ધરાવતા પ્રકાંડના મધ્ય ભાગ દ્વારા સૌથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે. 5થી 10 સેમી. લાંબા કટકા સ્વચ્છ ભીની રેતીમાં સહેલાઈથી મૂળ નાખે છે અને 4થી 5 અઠવાડિયાંમાં કૂંડામાં ઉગાડી શકાય છે.

ફ્રાન્સ, હોલૅન્ડ, ઇટાલી અને જર્મનીમાં પુષ્પો માટે તેનું મોટા પાયા પર વાવેતર થાય છે. ફ્રાન્સ અને હોલૅન્ડના કેટલાક ભાગોમાં પુષ્પોનો ઉપયોગ અત્તરના નિષ્કર્ષણ માટે થાય છે. આ હેતુ માટે માત્ર આછા રંગનાં પુષ્પો જ ઉપયોગી છે. સૂર્યપ્રકાશમાં થોડાક કલાક ખુલ્લાં રહ્યાં પછી તેમની લણણી કરવામાં આવે છે. આ સમયે તેઓ મહત્તમ બાષ્પશીલ તેલ ધરાવે છે.

દ્રાવક નિષ્કર્ષણ પદ્ધતિ દ્વારા અત્તર પ્રાપ્ત કરવામાં આવે છે. પેટ્રોલિયમ ઈથરની મદદથી ઘનનિષ્કર્ષ (0.23-0.29 %) મેળવવામાં આવે છે. ઘનનિષ્કર્ષ(કૉંક્રીટ)માં મીણનું પ્રમાણ વધારે હોય છે. કૉંક્રીટમાંથી ગંધવિહીન દ્રવ્ય દૂર કરવા આલ્કોહૉલનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે પ્રાપ્ત થયેલ શુદ્ધ નિષ્કર્ષ(કૉંક્રીટનો 9-12 %)નું બાષ્પનિસ્યંદન કરી બાષ્પશીલ તેલ મેળવવામાં આવે છે. તેનો અત્તરો બનાવવામાં ઉપયોગ થાય છે.

પુષ્પો હૃદ્-પુષ્ટિકારક (cardiotonic), પ્રસ્વેદક અને વિષહર (alexeteric) હોય છે. ચીનમાં સમગ્ર વનસ્પતિનો ઉપયોગ કૃમિનાશક (vermifuge) તરીકે થાય છે.

D. chinensis Linn. 15થી 75 સેમી. ઊંચી, અગ્રભાગે જ માત્ર શાખિત અને સુંદર પુષ્પો ધરાવતી જાતિ છે. તેની લેસિનેટસ અને હેડવિગી જાતો ભારતમાં જાપાનથી લાવવામાં આવે છે. તેનાં પુષ્પો રંગબેરંગી સિંગલ કે ડબલ પાંખડીઓ ધરાવે છે અને સુગંધીરહિત હોય છે. પુષ્પો બીજી મોસમી જાત કરતાં થોડા લાંબા સમય આવે છે. સૂકાં પુષ્પ સમયસર તોડી લેવામાં આવે તો પુષ્પનિર્માણનો સમય પણ વધારે લંબાય છે. D. anatilocus Boiss. પશ્ચિમ હિમાલય અને કાશ્મીરમાં મળી આવે છે. તેનો કાલિક જ્વરરોધી (antiperiodic) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

મ. ઝ. શાહ