ડાયનોસૉરનું વિલોપન : પ્રથમ જીવયુગના અંતિમ ચરણ પર્મિયનકાળ વખતે ઉત્ક્રાંતિ પામતાં ગયેલાં ડાયનોસૉર પ્રાણીઓ મધ્યજીવયુગ પૂરો થયો ત્યાં સુધી (એટલે કે આજથી આશરે 20 કરોડ વર્ષ પૂર્વેથી માંડીને 6.5 કરોડ વર્ષ પૂર્વે સુધીના કાળગાળા દરમિયાન) ઉત્ક્રાંતિની કક્ષામાં વિકસતાં રહીને અતિવિશાળ શારીરિક કદની ચરમસીમાએ પહોંચેલાં. પૃથ્વીના પટ પર તે અનેક પ્રકારોમાં અને ઘણી સંખ્યામાં મુક્તપણે વિચરતાં હતાં. તૃતીય જીવયુગમાં બિલકુલ જોવા ન મળતાં આ વિશાળકાય પ્રાણીઓનું એકાએક વિલોપન કયાં કારણોથી થયું તે માટે જુદાં જુદાં પરિબળોને જવાબદાર ગણવામાં આવેલાં છે, જે નીચે મુજબ છે :
(1) વૈશ્વિક કિરણોની વૃદ્ધિ : એક અટકળ મુજબ ક્રિટેશિયસ કાળ(મધ્યજીવયુગનું અંતિમ ચરણ)ને અંતે અવકાશમાં વિસ્ફોટ થયો. પરિણામે વિનાશકારી વૈશ્ર્વિક કિરણો સારા પ્રમાણમાં પૃથ્વી પર પ્રસર્યાં. આ કિરણોનો પ્રતિકાર ન કરી શકવાથી આ પ્રાણીઓ નાશ પામ્યાં.
(2) લઘુગ્રહોની અથડામણ અને આબોહવાનું પરિવર્તન : આબોહવાના પરિવર્તન અંગે એક પુરાવો એ મળે છે કે મધ્યજીવયુગના અંત સમયે સમુદ્રસપાટીમાં અને તાપમાનમાં ઘટાડો થયો હતો. 1980ના દસકામાં લુઈસ અને વૉલ્ટર આલ્વારેઝ નામના બે ભૌતિક-વિજ્ઞાનીઓએ ડાયનોસૉરના વિલોપન અંગે એક વિવાદાસ્પદ સિદ્ધાંત રજૂ કરેલો. તેમણે શોધી કાઢ્યું કે મધ્યજીવયુગ અને તૃતીય જીવયુગના સંક્રાંતિકાળના જળકૃત ખડકસ્તરોના નમૂનાઓમાં ઇરિડિયમનું પ્રમાણ સામાન્ય કરતાં ઘણું વધારે હતું. આ ઉપરથી તેમણે અનુમાન કર્યું કે આ ઇરિડિયમ અવકાશમાંથી આવ્યું હોવું જોઈએ, જેને માટે મોટેભાગે 6.5 કરોડ વર્ષ અગાઉના ક્રિટેશિયસની સમાપ્તિના સમયગાળામાં પૃથ્વી સાથે લઘુગ્રહો(asteroids)ની અથડામણ કારણભૂત હોઈ શકે. આ અથડામણને કારણે પૃથ્વીના વાતાવરણમાં લાંબા સમય સુધી ધૂળના રજકણોનાં પ્રચંડ વાદળ છવાઈ ગયાં હશે. રજકણોના ઘટ્ટ આચ્છાદનને લીધે સૂર્યપ્રકાશ ન મળવાથી પ્રકાશસંશ્લેષણ અટકી જતાં વનસ્પતિ-વિકાસ રૂંધાઈ ગયો, ઠંડીનું પ્રમાણ વધી ગયું, પરિસ્થિતિની સમતુલામાં વિક્ષેપ પડ્યો અને આ રીતે પૃથ્વી પરની મોટાભાગની વનસ્પતિ નાશ પામી હશે. પરિણામે ડાયનોસૉરનો ખોરાક ખૂટી જવાથી તેમનો નાશ થયો હશે. અમેરિકન વિજ્ઞાનીઓ મૅક ધી, લુઈસ આલ્વારેઝ અને વૉલ્ટર આલ્વારેઝની આ સંકલ્પના ગળે ઊતરે એવી છે. અન્ય બે અમેરિકન વિજ્ઞાનીઓ જ્હૉન ડી. ઓ’કીફ અને થૉમસ જે. ઍહે્રન્સ (ઑગસ્ટ 1988) જણાવે છે કે તે વખતે અથડાયેલા લઘુગ્રહ(અથવા ધૂમકેતુ)ની આઘાતપ્રક્રિયા એટલી તો પ્રચંડ હતી કે પૃથ્વી પર તે પછીના માત્ર દસ જ દિવસમાં 20° સે. જેટલું તાપમાન વધી ગયેલું અને જીવન અસ્તવ્યસ્ત થઈ ગયેલું. અથડામણના સ્થાનમાં કાર્બન-સમૃદ્ધ ખડક-સ્તરો હતા તેમાંથી CO2નું વિપુલ પ્રમાણ ઉદભવ્યું અને વાતાવરણના નીચલા સ્તરમાં પ્રસરી રહ્યું. તે એમ પણ જણાવે છે કે આ તાપમાનની અસર તે પછીનાં 10,000 વર્ષ સુધી રહેલી. આ CO2ની અસર ગ્રીનહાઉસ પર થઈ. ગરમ હવા ઉપર જતી અટકી ગઈ અને ખોરાકની અછત થઈ. ખોરાક મળવો બંધ થવાથી ડાયનોસૉર વિલુપ્ત થઈ ગયાં. ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓ ઇરિડિયમના પુરાવાને અન્ય રીતે મૂલવે છે. તેઓ કહે છે કે ઘણા લાંબા કાળ સુધી આ જ સમય દરમિયાન થયેલાં જ્વાળામુખી-પ્રસ્ફુટનોને લીધે પણ ઇરિડિયમનું પ્રમાણ વધ્યું હોય અને સાથે સાથે આબોહવામાં થયેલ પરિવર્તનોએ તેમનો નાશ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોય.
(3) લાવા–પ્રસ્ફુટનો અને આબોહવા : ક્રિટેશિયસના અંતસમય સુધી દક્ષિણ ગોળાર્ધમાં આજે છૂટા છૂટા જોવા મળતા બધા ખંડો ‘ગોંડવાના ભૂમિસમૂહ’ રૂપે ભેગા હતા. આ કાળગાળામાં ત્યાં ઘણાં સ્થળોએ ફાટો પડવાથી લાવાનાં પ્રસ્ફુટનો ચાલુ થયાં, જે તૃતીય જીવનયુગના ઇયોસીન કાળ સુધી આંતરે આંતરે ચાલુ રહેલાં. આશરે ત્રણ કરોડ વર્ષ સુધી વિપુલ પ્રમાણમાં થતી રહેલી આ પ્રકારની આગ્નેય પ્રક્રિયાથી પૃથ્વી પરના તાપમાનમાં વૃદ્ધિ થતી ગઈ. ઠંડા લોહીવાળાં ગણાતાં આ પ્રાણીઓ ચોક્કસ પ્રકારની આબોહવામાં જીવવા ટેવાયેલાં હોવાથી આ તાપમાન સહન કરી શક્યાં નહિ, તેમના વધુ પડતા મોટા શારીરિક કદને કારણે ઝડપી સ્થળાંતર પણ કરી શક્યાં નહિ. પરિણામે ક્રમે ક્રમે નાશ પામતાં ગયાં. કેટલાક નિષ્ણાતોનું માનવું એવું પણ છે કે બેસુમાર લાવાપ્રસ્ફુટનો દરમિયાન કિરણોત્સારી ઉત્સર્જન થતું ગયું. આ પ્રાણીઓ વિકિરણની અસરને સહન કરી શક્યાં ન હોય અને આમ આખાને આખા પ્રાણીસમૂહો નાશ પામ્યા હોય. લાવા-પ્રસ્ફુટનોથી થતી જતી તાપમાનની વૃદ્ધિને કારણે નજીકના સમુદ્ર-મહાસાગરોમાંથી ભૂમિ પર ભેજનું પ્રમાણ વધ્યું હોય, વનસ્પતિની વૃદ્ધિ થઈ હોય, ઘણાં ગીચ જંગલો ઊગી નીકળ્યાં હોય. પરિણામે તેમનું સ્થળાંતર મર્યાદિત બની ગયું હોય. સાથે સાથે ભેજવાળી આબોહવા અને વનસ્પતિવૃદ્ધિને કારણે કીટકો-જંતુઓની સંખ્યા વધી ગઈ હોય અને કીટકોની ઝેરી અસરથી વનસ્પતિમાં રોગચાળો ફેલાયો હોય. તૃણભક્ષી ડાયનોસૉર આવી વનસ્પતિનું ભક્ષણ કરવાથી મૃત્યુ પામતાં ગયાં હોય. તૃણભક્ષી પ્રાણીઓ પર નભનારાં માંસભક્ષી ડાયનોસૉર પણ ખોરાકના અભાવે ખલાસ થતાં ગયાં હોય.
(4) રાસાયણિક પરિબળો : સ્વેઇનના મંતવ્ય પ્રમાણે ડાયનોસૉરનું વિલોપન રાસાયણિક પરિબળોની અસરથી થયું હોય. પ્રથમ જીવયુગમાં થયેલી વનસ્પતિની ઉત્ક્રાંતિ વખતે જે પ્રારંભિક વનસ્પતિ વિકસતી ચાલુ રહી તે આલ્કેલૉઇડ્ઝથી મુક્ત હતી અને ડાયનોસૉર પ્રાણીઓને નુકસાનકર્તા ન હતી; પરંતુ પછીથી સપુષ્પ વનસ્પતિનો વિકાસ થયો, જેમાં ઍરોમેટિક પ્રકારના આલ્કેલૉઇડ્ઝ હતા. આ વનસ્પતિ ડાયનોસૉર માટે ધીમા ઝેર સમાન નીવડી હશે. ઉપર જણાવ્યા મુજબ તૃણભક્ષીઓનો નાશ થવાથી, તેમના પર નભતાં માંસભક્ષીઓ પણ ભૂખમરાને લીધે નાશ પામ્યાં હશે.
(5) શારીરિક પરિબળો : વર્તમાન મગર ડાયનોસૉરની સમકક્ષ ગણાય છે. મગરોની લિંગનિર્ણાયકતા, તે જ્યાં ઈંડાં મૂકે તે જમીનના તાપમાન પર આધાર રાખતી હોય છે. ઈંડાં મૂક્યા પછીના બીજા–ત્રીજા સપ્તાહમાં તેમના સેવનમાં યોગ્ય તાપમાન જરૂરી બની રહે છે. ઈંડાંને જો 30° સે. અથવા તેથી નીચેનું તાપમાન મળે તો તેમાંથી માત્ર માદા બચ્ચાં જ ઊછરી શકે છે. એ જ રીતે જો તાપમાન 34.5° સે. કે વધુ મળે તો માત્ર નરબચ્ચાં જ તૈયાર થાય છે. ડાયનોસૉરને જો આ બાબત સ્પર્શી હોય તો એક જ પ્રકારનાં સમલિંગી ડાયનોસૉર જ ઊછર્યાં હોય, જેને પરિણામે વંશવૃદ્ધિ અટકી ગઈ હોય અને તેમનો મોટા પાયા પર નાશ થતો ગયો હોય. પૃથ્વી પર ક્રિટેશિયસ કાળના ખડકસ્તરોમાંથી તેમનાં અખંડિત ઈંડાંના જીવાવશેષો મળેલા છે, તે સંભવત: આ બાબતની સાક્ષી પૂરે છે. અહીં ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત ‘અસ્તિત્વ માટે સંઘર્ષ’(struggle for existence)ને પણ આગળ ધરી શકાય, જે વિલોપ થવા માટે બંધબેસતો આવે છે. ક્રિટેશિયસના અંત વખતે જ ડાયનોસૉર કરતાં વધુ સક્ષમ, વધુ ચતુર અને ચપળ સસ્તન પ્રાણીઓ ઉત્ક્રાંતિની કક્ષામાં વિકસી ચૂકેલાં. તેમણે ડાયનોસૉરનાં ઈંડાંનું શોધી શોધીને ભક્ષણ કર્યા ર્ક્યું હોય અને તેથી વંશવૃદ્ધિમાં ક્રમશ: ઘટાડો થતો જઈ છેવટે ડાયનોસૉર વિલોપન પામ્યાં હોય. આ ઉપરાંત અન્ય એક શારીરિક લક્ષણ પણ ધ્યાન દોરે છે કે તેમના વધારે પડતા શારીરિક કદને કારણે તેઓ યોગ્ય રીતે જાતીય સમાગમ કરી શક્યાં ન હોય, જેથી વંશવૃદ્ધિમાં ઘટાડો થતો ગયો હોય અને કાળક્રમે વિલુપ્ત થઈ ગયાં હોય. વળી, મોટા કદનાં આ પ્રાણીઓ વચ્ચે ટકી રહેવાની સ્પર્ધામાં, તેમની સંખ્યા ઘટતી ગઈ હોય.
ક્રિટિશેયસ કાળના અંત વખતે ગોંડવાના ભૂમિસમૂહમાં ભંગાણ પડવાની શરૂઆત થયેલી, જેને પરિણામે તૂટેલા વિભાગો અલગ અલગ ખંડો તરીકે ખસતા ગયેલા. ખંડીય પ્રવહન(continental drift)ની આ ક્રિયા હજી આજે પણ ચાલુ જ છે. ખંડોના વિતરણને કારણે અને તેમનાં ભૂપૃષ્ઠ (પશ્ચાત્ ક્રિટેશિયસ ગિરિનિર્માણ ક્રિયા) અને આબોહવા (તૃતીય જીવયુગના મધ્યકાળથી હિમીભવનની ધીમી શરૂઆત) જેવાં ભૌગોલિક પરિબળોમાં પરિવર્તનો આવવાથી પણ ક્રમશ: આ પ્રાણીઓ ટકી શક્યાં ન હોય. આ બાબતને પણ નકારી શકાય નહિ.
ક્રિટેશિયસના અંતિમ કાળગાળા દરમિયાન જુદાં જુદાં પરિબળોનો ઉદભવ થતો ગયો. એક કે બીજા અથવા બધાં જ પરિબળોની સંયુક્ત અસરને કારણે તેમનું વિલોપન થયું અને તે પછીના તૃતીય જીવયુગમાં તેમનું અસ્તિત્વ રહ્યું નહિ.
ગિરીશભાઈ પંડ્યા