ડાયઍટમ સ્યંદન : ડાયઍટમના કવચથી બનેલા સિલિકાયુક્ત નરમ નિક્ષેપ. રેડિયોલેરિયાનાં કવચથી પણ આવાં જ સ્યંદન બનતાં હોય છે. સ્વચ્છ જળ કે દરિયાઈ જળમાં ઊગતી એકકોષીય સૂક્ષ્મ વનસ્પતિ ડાયઍટમ કહેવાય છે. આ ડાયઍટમ વનસ્પતિ સિલિકાથી બનેલાં ભિન્ન ભિન્ન સ્વરૂપોમાં દ્વિપુટ-કવચનો સ્રાવ કર્યા કરે છે, જે અગણિત સંખ્યામાં ત્યાં જમા થતા નિક્ષેપમાં એકત્રિત થાય છે. તેનાથી રચાતો નિક્ષેપ માટી જેવો ચૂર્ણશીલ હોવાથી ડાયઍટમયુક્ત મૃદ તરીકે ઓળખાય છે. આ પ્રકારની મૃદ સામાન્યપણે સફેદ કે ક્રીમ રંગની હોય છે. ડાયઍટમનું સિલિકાદ્રવ્ય જ્યારે સુકાઈને સખત બને ત્યારે સૂક્ષ્મ ચૂર્ણસ્વરૂપ ડાયઍટમાઇટ તરીકે ઓળખાય છે. ડાયઍટમાઇટ એ ડાયઍટમયુક્ત મૃદનું જ સખત બનેલું સમકક્ષ દ્રવ્ય છે, જેનાં છિદ્રો અંશત: કે પૂર્ણપણે સિલિકાથી ભરાયેલાં હોય છે. તેનો ઉપયોગ ડાયનેમાઇટની બનાવટમાં તેમ જ માટીમાંથી બનતી ચીજવસ્તુઓને ચમક આપવામાં કરવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા