ડાઇડો : પ્રાચીન ફિનિશિયન પૌરાણિક પાત્ર. ટાયરના ફિનિશિયન રાજાની પુત્રી. એનું અસલ નામ એલિસા હતું. એના પતિ સિચીઅસની હત્યા કર્યા પછી એનો ભાઈ પિગ્મેલિયન એની પણ હત્યા કરે તે પૂર્વે કેટલાક વિશ્ર્વાસુ સાથીઓ સાથે એણે લિબિયા પ્રતિ સમુદ્રપ્રયાણ કર્યું હતું અને મહાનગર કાર્થેજનું નિર્માણ કર્યું હતું અને ત્યાં શાસન કર્યું હતું. સ્થાનિક પુરાણકથા પ્રમાણે એને સ્થાનિક રાજા ઈઆરબાસ સાથે લગ્ન કરવું ન હતું. એથી એ દુર્ઘટનામાંથી બચવા માટે એણે ચિતા રચીને અગ્નિસ્નાન કર્યું હતું. રોમન પૌરાણિક કથા પ્રમાણે અને વર્જિલના મહાકાવ્ય ‘ઇનીડ’ પ્રમાણે એ નાયક ઇનીઅસના પ્રેમમાં હતી અને ઇનીઅસે જ્યારે એનો ત્યાગ કર્યો ત્યારે એણે ચિતા રચીને અગ્નિસ્નાન કર્યું હતું. ‘ઇનીડ’માં ડાઇડોને એકમાત્ર મહત્વના માનુષી સ્ત્રીપાત્ર અને નાયિકા તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું છે. યુરોપના સાહિત્ય અને કળાના ઇતિહાસમાં ડાઇડો એક લોકપ્રિય પાત્ર છે. ડાઇડોના વસ્તુવિષય પર ચૉસર અને માર્લોએ કાવ્ય-નાટક તથા પુર્સેલ અને બર્લિઓઝે ઑપેરા રચ્યાં છે.
નિરંજન ભગત