ડગલી, વાડીલાલ જેચંદ (જ. 20 નવેમ્બર 1926, રોજિદ, તા. ધંધૂકા; અ. 6 ડિસેમ્બર 1985, મુંબઈ) : ગુજરાતી પત્રકાર તથા નિબંધકાર. ‘ધ રેશિયલ ટ્રાયૅંન્ગલ ઇન મલાયા’ પર મહાનિબંધ લખીને તેમણે આંતરરાષ્ટ્રીય રાજકારણ તથા વેપારના વિષય સાથે બર્કલી યુનિવર્સિટી(કૅલિફૉર્નિયા)માંથી એમ.એ.ની ઉપાધિ મેળવી. ત્યારપછી એમની પ્રવૃત્તિ બહુધા અર્થકારણ ને પત્રકારત્વના ક્ષેત્રે લેખન-સંપાદન-પ્રબંધનની રહી.
પી.ટી.આઈ. સાથે થોડોક વખત રહી, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકના ફાઇનૅન્શિયલ એડિટરની કામગીરી બજાવી, કાળક્રમે તે અંગ્રેજી સાપ્તાહિક ‘કૉમર્સ’ના મૅનેજિંગ તંત્રી બન્યા. ‘વૉટર ટ્રસ્ટ ઑફ્ ઇન્ડિયા’ના સ્થાપક મૅનેજિંગ ટ્રસ્ટી હતા. આ પત્રનાં અર્થકારણી લખાણો ઉપરાંત એમની કલમે લખાતી ‘એડિટર્સ નોટબુક’ વ્યક્તિઓ ને ઘટનાઓવિષયક સ્વાદુ નુક્તેચીનીથી ધ્યાનાર્હ બની રહેતી. ઉપરાંત, ‘ગ્રોથ ફૉર હુમ’, ‘ઇન્ફ્લેશન – એ વે આઉટ’, ‘વૉટ એઇલ્સ ઇન્ડિયન ઇકૉનૉમી’ જેવાં પ્રકાશનો તેમ ‘ફાઉન્ડેશન્સ ઑવ્ ઇન્ડિયન ઍગ્રિકલ્ચર’, ‘ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ધ પબ્લિક સેક્ટર : એ સરવે’, ‘એ પ્રોફાઇલ ઑવ્ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી’, ‘સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજી ઇન ઇન્ડિયા’ આદિ બારેક સંપાદનો એમણે કરેલાં છે. ગુજરાતીમાં એમણે લખેલી અર્થશાસ્ત્રને લગતી પરિચયપુસ્તિકાઓ તેમજ ‘રંકનું આયોજન’ પુસ્તક એમની અર્થશાસ્ત્રીય સજ્જતા, સરેરાશ સુશિક્ષિત નાગરિકસહજ નિરૂપણ અને ઊંડી માનવીય નિસબતને કારણે આ પ્રકારનાં ગુજરાતી લખાણોમાં જુદાં તરી આવે છે.
નિબંધસંગ્રહ ‘શિયાળાની સવારનો તડકો’, કાવ્યસંગ્રહ ‘સહજ’, સાહિત્યનિબંધો ‘કવિતા ભણી’ અને ચરિત્રનિબંધો ‘થોડા નોખા જીવ’ને સંભારવા સાથે અહીં એમણે 1958થી ગુજરાતીમાં શરૂ કરેલી પરિચય-પુસ્તિકા પ્રવૃત્તિનો પણ સવિશેષ ઉલ્લેખ કરવો જોઈએ. યશવન્ત દોશીના સહયોગમાં પાંગરેલી આ પુસ્તિકાશ્રેણીનો આશય બને એટલી સરળ ભાષામાં જગતમાં વિવિધ ક્ષેત્રે બનતા બનાવો, સધાતી પ્રગતિ, મનુષ્યના એકંદર જ્ઞાનમાં થતો ઉમેરો, પ્રજાના પ્રશ્નો અને વિશિષ્ટ વ્યક્તિ – એ બધાંની માહિતી સામાન્ય ભણેલા વાચકને માટે હાથવગી બનાવવાનો છે. વાડીલાલ ડગલીએ ‘પરિચય-પુસ્તિકા’ના સંપાદક તરીકે અનેક વિષય નિષ્ણાત પાસે પરિચય-પુસ્તિકાઓ લખાવી હતી. એમણે પણ ‘લડાઈનું અર્થશાસ્ત્ર’, ‘ગાંધીજીનું આર્થિક ચિંતન’, ‘વિકાસ કોના માટે ?’, ‘સોબ્ઝે નિત્સન’, ‘પોતાની ભૂમિ પર નિરાશ્રિત’, ‘પંડિત સુખલાલજી’, ‘ઑરવેલ અને નાઇન્ટીન એઇટી-ફોર’, ‘કાળું નાણું’, ‘વિશ્વની મંદી’, ‘ઇન્દિરા ગાંધી’ ઇત્યાદિ પુસ્તિકાઓ લખી હતી.
પ્રકાશ ન. શાહ