ડંખાંગ (nematocyst) : કોષ્ઠાંત્રી સમુદાયનાં પ્રાણીઓમાં જોવા મળતો એક વિશિષ્ટ પ્રકારનો કોષ. તે પ્રાણીની આક્રમક અને રક્ષણાત્મક અંગિકા તરીકે કાર્ય કરે છે અને પ્રચલનમાં પણ મદદ કરે છે. તે પ્રાણીના શરીરના અન્ય ભાગ કરતાં સૂત્રાંગો પર વધુ પ્રમાણમાં હોય છે પરંતુ પ્રાણીના તલસ્થ છેડે હોતા નથી. તે 10થી 15ના સમૂહમાં આવેલા હોય છે. ડંખકોષો ગોળ કે લંબગોળ આકારના હોય છે. તેના કોષરસમાં કોષકેન્દ્ર એક બાજુએ હોય છે. બહારની બાજુએ ડંખિકા (cnidocil) નામનો એક સંવેદી કંટક આવેલો હોય છે જે ઉત્તેજના પ્રાપ્ત કરે છે. ડંખકોષોની અંદરની બાજુએ ડંખાંગિકા (cnidoblast) નામની એક કોથળી (nematocyst capsule) ઉત્પન્ન કરે છે. ડંખાંગિકા એ ડંખકોષમાં કાઈટીનની બનેલી પોલી કોથળી રૂપે આવેલી હોય છે. ડંખાંગિકાની આસપાસ કાઇટીનનું બેવડું આવરણ આવેલું હોય છે, જેને પ્રાવર કહે છે. પ્રાવરના બહારના છેડે એક ઢાંકણ હોય છે. પ્રાવરનો ઢાંકણ તરફનો છેડો એક લાંબો પોલો તંતુ બનાવે છે, જે ગૂંચળું વળેલી સ્થિતિમાં રહે છે. આ તંતુનો તલસ્થ છેડો પહોળો હોય છે અને કેટલાકમાં તે અંદરની સપાટીએ સૂક્ષ્મ કંટકોની ત્રણ હરોળ ધરાવે છે. ડંખાંગિકાની કોથળીમાં હિપ્નોટૉક્સિન નામનું ઝેરી પ્રવાહી હોય છે, જેનાથી તે શિકાર બનેલ પ્રાણીને બેભાન બનાવે છે. કેટલાક ડંખકોષમાં તેના કોષરસમાં રહેલ આકુંચક તંતુકો ડંખાંગિકા સાથે સંબંધ ધરાવે છે તેમજ કેટલાકમાં કોષરસમાં કુંતલાકારે વળેલો એક પ્રતિરોધક તંતુ (lasso) હોય છે, જે ડંખકોષના તલસ્થ ભાગ સાથે જોડાય છે અને ડંખિકાને ડંખકોષમાંથી બહાર ફેંકાઈ જતી અટકાવે છે.
ડંખાંગિકા સંવેદનશીલ સ્પર્શગ્રાહી અંગ છે. વસ્તુના સ્પર્શ રૂપે ઉત્તેજના મળવાથી ડંખાંગિકાનું સ્ફોટન થાય છે. સ્ફોટન ડંખકોષમાં દાબ વધવાથી થાય છે. પાણીના પ્રવેશથી ડંખાંગિકામાંના પ્રવાહી પર દબાણ વધે છે તથા તેની દીવાલ સાથે જોડાયેલ આકુંચક તંતુઓનું ઝડપથી સંકોચન થાય છે. આ બંને ક્રિયાઓને કારણે ડંખાંગિકામાંના પ્રવાહી પર દબાણ વધે છે જેથી ડંખાંગિકાનું પોલું સૂત્ર ઊલટું થઈને બહાર ફેંકાય છે. ઝડપથી ફેંકાયેલ આ સૂત્ર સંપર્કમાં આવેલ પ્રાણીના શરીરમાં ભોંકાય છે અને હિપ્નોટૉક્સિનની અસરથી શિકારને બેભાન બનાવે છે. સ્ફોટન થયેલ ડંખાંગિકા ખરી પડે છે અને તેની જગ્યાએ નવી ડંખાંગિકા સર્જાય છે. ડંખાંગિકાનું કાર્ય ચેતાતંત્રના કાબૂ હેઠળ નથી. તે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે.
ડંખાંગિકાના ચાર પ્રકાર છે : (1) વેધક (penetrant), (2) પરિવર્તક (volvent), (3) લઘુઆશ્લેષક (small glutitant) અને (4) ગુરુ આશ્લેષક (glutitant Large).
વેધક : આ પ્રકારની ડંખાંગિકાઓ પ્રાણીની આક્રમક તેમજ રક્ષણાત્મક અંગિકાઓ તરીકે કાર્ય કરે છે. તે મોટી અને ગોળ હોય છે. તેમના તંતુના પહોળા તલસ્થ છેડે કંટકોની ત્રણ કુંતલાકાર હારો આવેલી હોય છે. દરેક હારમાંનો પ્રથમ કંટક મોટો હોય છે. તંતુના પોલાણમાં પણ સૂક્ષ્મ કંટકોની હારો હોય છે. તેનો દૂરસ્થ છેડો ખુલ્લો હોય છે.
પરિવર્તક : આ પ્રકારની ડંખાંગિકાઓનો તંતુ સ્ફોટન બાદ શિકારની ફરતે વીંટળાઈ જાય છે અને તેને પ્રાણીના સકંજામાંથી છટકી જતાં અટકાવે છે. આ ડંખાંગિકાઓ નાની અને અંડાકાર હોય છે. તેમના તંતુ પર કંટકો હોતા નથી અને તંતુનો છેડો બંધ હોય છે.
લઘુ આશ્લેષક : આ ડંખાંગિકાઓ લાંબી હોય છે. તેમના તંતુ ખુલ્લા છેડાવાળા અને કંટકવિહીન હોય છે. સૂત્રાંગો દ્વારા થતા પ્રચલન વખતે ચીકણા પદાર્થનો સ્રાવ કરી સૂત્રાંગોને આધારતલ સાથે ચોંટાડવામાં તે મદદરૂપ બને છે.
ગુરુ આશ્લેષક : ડંખાંગિકા એક ચીકણા પદાર્થનો સ્રાવ કરે છે અને સૂત્રાંગોને શિકારની સપાટી પર ચોંટાડી રાખે છે. તે અંડાકાર હોય છે. તેનો તંતુ લાંબો ખુલ્લા છેડાવાળો અને સૂક્ષ્મ કંટકોવાળો હોય છે.
જયંતભાઈ ઠાકોરલાલ વ્યાસ