ઠાકર, ધનંજય નર્મદાશંકર (જ. 30 જૂન 1912, જેતલસર, જિ. રાજકોટ; અ. 17 નવેમ્બર 2009, અમદાવાદ) : ગુજરાતી રંગભૂમિના નટ, દિગ્દર્શક અને નાટ્યશિક્ષક. મૂળ વતન વીરમગામ. પિતા અમદાવાદમાં સ્થાયી થયેલા તેથી અમદાવાદમાં શિક્ષણ લીધેલું. ગુજરાત કૉલેજમાં બી.એસસી. સુધી અભ્યાસ કરીને (1928–1932) 1936માં મુંબઈની એસ.ટી. કૉલેજમાંથી બી.ટી. થયા. ગુજરાત કૉલેજમાં હતા ત્યારે નાટ્યસંગીત મંડળની પ્રવૃત્તિને વેગ આપેલો. તે વખતે ભજવેલાં નાટકો પૈકી તેમણે કનૈયાલાલ મુનશીના ‘કાકાની શશી’માં કાકાની ભૂમિકા સફળ રીતે કરેલી (1932). એ જમાનામાં પુરુષો સ્ત્રી-પાત્ર ભજવતા એટલે તેમના સહાધ્યાયી પુષ્પવદન ઠાકોરે શશીની ભૂમિકા કરેલી. તેમના પ્રયત્નથી કૉલેજમાં સંગીતના વર્ગો પણ શરૂ થયેલા.
બી.એસસી. થયા (1932) તે પછી બે દાયકા સુધી પિતાએ સ્થાપેલ ઠાકર્સ હાઈસ્કૂલમાં આચાર્યપદે રહેલા. પછી આફ્રિકામાં નાનજી કાળિદાસની શાળામાં પાંચ વર્ષ અને ‘અતુલ’ની શાળામાં કેટલાંક વર્ષ આચાર્યપદે રહીને નિવૃત્ત થયેલા. આફ્રિકાથી પાછા ફરતાં લંડનમાં બ્રિટિશ ડ્રામા લીગમાં નાટ્યતાલીમ લીધી હતી. તેને પરિણામે તેઓ દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં અધ્યાપક તરીકે નિયુક્ત થયા હતા. પછી રાજકોટની સંગીત-નાટ્ય અકાદમીમાં નાટ્યવિભાગના વડા તરીકે (1958–59) પણ અધ્યાપનકાર્ય કર્યું હતું.
નવી પાંગરતી ગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષ માટે નાટ્યપ્રયોગની સાથે નાટ્યતાલીમ ઉપર ભાર મૂકનારા અગ્રણીઓમાંના તેઓ એક છે. ગુજરાત યુનિવર્સિટી તરફથી યોજાતી અનેક નાટ્યતાલીમ શિબિરોમાં તેમણે સંચાલક કે અધ્યાપક તરીકે ભાગ લીધો હતો. નવી ગુજરાતી રંગભૂમિમાં ‘નાટ્યમંડળીઓના રચનાકાળના તબક્કા’માં (પાંચમા અને છઠ્ઠા દાયકા દરમિયાન) ‘રંગમંડળ’, ‘રૂપકસંઘ’, ‘નટમંડળ’ જેવી સંસ્થાઓના ઉપક્રમે યોજાતા સંખ્યાબંધ નાટ્યપ્રયોગોમાં અને નાટ્યતાલીમપ્રવૃત્તિમાં તેમણે મહત્વનું પ્રદાન કરેલું. ‘રાઈનો પર્વત’ અને ‘શાહજહાં’માં તેમણે ભજવેલી અનુક્રમે રાઈ અને ઔરંગઝેબની ભૂમિકાઓ યાદગાર બનેલ છે. ચન્દ્રવદન મહેતાના ‘આગગાડી’ નાટકનો પ્રથમ પ્રયોગ કરવાનું માન ધનંજયને જાય છે. મુનશીનાં પૌરાણિક નાટકો ‘તર્પણ’, ‘અવિભક્ત આત્મા’, ‘લોપામુદ્રા’ વગેરેની ઉત્તમ રજૂઆત પણ તેમના દ્વારા થયેલી.
પી.જી. વુડહાઉસની વાર્તા ‘ઇફ આઇ વેર યૂ’નું નાટ્યરૂપાન્તર ‘જો હું તું હોત’ તેમણે કરેલું. તેના પ્રયોગો ખૂબ લોકપ્રિય થયેલા. લગભગ ચાર દાયકાની આ મજલ દરમિયાન તેમણે રંગભૂમિ અને રેડિયોનાં નાટકો દ્વારા નવનાટ્યની વિભાવના સર્જી. ‘નાટ્યલેખન’ અને ‘નાટ્યપ્રયોગના મૂલ્યાંકનના સિદ્ધાંતો’ નામનાં તેમનાં બે પુસ્તકો યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રગટ થયેલાં છે.
તેઓ શાસ્ત્રીય સંગીતના પણ જાણકાર હતા. તેમનાં નાટ્યસર્જનોમાં સંગીતનો રસલક્ષી ઉપયોગ ભાવકોએ માણ્યો છે. તેમનાં પત્ની ભાર્ગવી ઠાકર તખ્તા પર તેમને અભિનયમાં સથવારો આપતાં રહ્યાં હતાં. ગુજરાત સરકાર તરફથી તેમને 1982–83નો નાટ્યક્ષેત્રનો ગૌરવપુરસ્કાર એનાયત થયેલો.
હસમુખ બારાડી