ઠાકર, જશવંત (જ. 5 મે 1915, મહેળાવ, જિ. ખેડા; અ. 25 ડિસેમ્બર 1990, અમદાવાદ) : ગુજરાતના સુપ્રસિદ્ધ નટ, દિગ્દર્શક, નાટ્યકાર અને નાટ્યવિદ. તે દયાશંકર ઠાકરના પુત્ર. નાટ્યક્ષેત્રે નાનપણથી જ એમનામાં રાષ્ટ્રભાવનાનું બીજ રોપાયેલું, વ્યાયામશાળાની પ્રવૃત્તિએ તેને વિકસાવ્યું. પંદરમા વર્ષથી જ સ્વાતંત્ર્યલડતમાં જોડાઈને તેમણે ‘અભેદ્યમંડળ’ની સ્થાપના કરી. ખાદીની ટોપી પહેરવા બદલ જામનગરમાં તેમણે સાત ફટકાની સજા વહોરી લીધેલી. ભણવામાં તેજસ્વી હોવાથી બી. જે. મેડિકલ સ્કૂલ, અમદાવાદમાં પ્રવેશ મળ્યો. પરંતુ દેશદાઝથી પ્રેરાઈને તેમણે અભ્યાસને ગૌણ ગણી રાષ્ટ્રીય લડતમાં ઝુકાવ્યું.
1931માં ‘સિતમની ચક્કીમાં’ નામની નવલકથા લખી. સરકારની આંખ લાલ થઈ અને નવલકથા જપ્ત થઈ. તેને અંગે સરકારના હદપારીના હુકમને કે વૉરંટને એમણે ગણકાર્યું નહિ અને ભૂગર્ભવાસ સ્વીકારી લઈ રાષ્ટ્રીય લડત ચાલુ રાખી. એમણે બીલીમોરા, સૂરત, નવસારી, કલોલ, અમદાવાદ, મુંબઈ વગેરે અનેક સ્થળોએ સત્યાગ્રહ, સભાબંધીભંગ ઇત્યાદિ કાર્યો અવિરતપણે ચાલુ રાખ્યાં અને જેલવાસ પણ વેઠ્યો. તેમણે 1934થી 1936 દરમિયાન અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યો. ત્યાં શ્રી અરવિંદના સીધા સંપર્કમાં રહ્યા હતા. 1936માં સૂરતની એમ.ટી.બી. કૉલેજના આર્ટ્સ વિભાગમાં દાખલ થયા. 1939માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. થયા. ત્યાં સૂરત પ્રેસ કામદાર સંઘ, જિલ્લા કિસાન સભા વગેરેમાં સક્રિય ભાગ લઈ રાષ્ટ્રીય લડતની પ્રવૃત્તિ ચાલુ રાખી. આને કારણે ધરપકડ થતાં જેલવાસ વેઠ્યો. પરિણામે, અભ્યાસ ખોરંભાયો. તે દરમિયાન યુદ્ધવિરોધી ઘોષણાની પત્રિકાઓ પ્રગટ કરતાં તથા યુવકોની યુદ્ધવિરોધી પરિષદો ભરતાં ડિફેન્સ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ અન્વયે તેમની ધરપકડ થઈ. યરવડા, નાસિક ઇત્યાદિ જેલોની તેમને યાત્રા કરવી પડી.
ત્રણ વર્ષ બાદ 1942માં જેલમુક્તિ થઈ. તેજસ્વી વિદ્યાકીય કારકિર્દીના ભોગે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડતમાં તેમણે સક્રિયપણે ભાગ ભજવ્યો. જેલવાસ દરમિયાન એમણે નાટ્યસાહિત્યનો અભ્યાસ કર્યો. 1943માં જેલમુક્તિ પછી બંગાળ દુષ્કાળરાહત કાર્યક્રમમાં બિનય રૉય, શાંતિવર્ધન, દીના ગાંધી, મામા વરેરકર, ઉદયશંકર, બલરાજ સહાની, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, શંભુ મિત્ર, સી. સી. મહેતા, અદી મર્ઝબાન, જયશંકર ‘સુંદરી’, કે. એ. અબ્બાસ જેવા અનેકોના પરિચયમાં આવતાં નાટ્યક્ષેત્રે તે વિશેષ પ્રવૃત્ત થવા માંડ્યા. ભારતીય લોકનાટ્ય સંઘ (Indian People’s Theatre Association), નટમંડળ, નાટ્યવિદ્યા મંદિર, ગુજરાત ‘ઇસ્કસ’ (Indo-Soviet Cultural Society) પરિષદ, ગુજરાત રાજ્ય નાટ્યસંઘ, ભરત નાટ્યપીઠ, એચ. કે. આટર્સ કૉલેજનો નાટ્યવિભાગ, સંગીત-નાટ્ય એકૅડેમી વગેરે અનેક સંસ્થાઓમાં અગ્રસ્થાને રહી તેમણે ગુજરાતી રંગભૂમિ અને નાટ્યવિદ્યાના વિકાસમાં અતિ મહત્વનો ફાળો આપ્યો. 1949–50માં રાજકારણની પ્રવૃત્તિ સંકેલી લઈને તેમણે નાટ્યક્ષેત્રને કાયમના જીવનકાર્ય તરીકે અપનાવ્યું. એમણે વડોદરા યુનિવર્સિટીના નાટ્યવિભાગના અધ્યક્ષ (1955–60) તેમજ હ. કા. આર્ટ્સ કૉલેજ (1960) અને ગુજરાત કૉલેજ(1970)માં નાટ્યવિભાગના અધ્યાપક અને વડા તરીકે સેવા આપી. તેમણે ‘ભગતની સમાધિ’, ‘જીવનનો જય’, ‘સાબદા થાઓ’, ‘વિરાટ જાગે છે’, ‘માટીમાંથી સોનું’ (1965), ‘રઝિયા સુલતાના’ (1943), ‘યુ.એચ.એચ.’, ‘ગંગા પર એક રાત’ (1944) જેવાં મૌલિક નાટકો લખ્યાં. આ ઉપરાંત ‘કલ્યાણી’ (1951), ‘ઊંડાં અંધારેથી’, ‘સ્વપ્નદ્રષ્ટા’, ‘છેડે આવ્યું છીડું’, ‘રામદેવ’, ‘સુપ્રિયા’, ‘ચેરીની વાડી’, ‘વનમાલીનું મોત’, ‘શ્રુતિપતિ’, ‘માજીનું મંદિર’, ‘મૅકબેથ’, ‘રિચાર્ડ ત્રીજો’, ‘સીગલ’ જેવાં અનેક નાટકોના અનુવાદો અને રૂપાંતરો કર્યાં. નાટકના વિકાસ માટે એ સતત ચિંતનશીલ રહ્યા. રંગભૂમિના વિકાસ અર્થે સેમિનાર, પ્રવચનો, દેશવિદેશનાં થિયેટરોની મુલાકાત વગેરેમાં તેમનું જોમ સતત પ્રગટતું રહ્યું છે. સોવિયેત યુનિયન દ્વારા આલ્મા-આતામાં ભરાયેલી આફ્રો-એશિયન લેખકોની પરિષદમાં ગયા. ત્યાંથી આલ્મા-આતા તથા સમરકંદ, બુખારા, તાશ્કંદ વગેરે સ્થળે ગયા. ત્યાર પછી એક સાંસ્કૃતિક કલાકાર ડેલિગેશનમાં 1968માં પૂર્વ આફ્રિકા અને ગ્રીસનો પ્રવાસ કર્યો, 1975માં સમરકંદ-બુખારા અને મૉસ્કો ગયા. 1976માં પૂર્વ જર્મની ગયેલા. એઝરબેજાનમાં 14 જેટલા સાંસ્કૃતિક પ્રયોગો રજૂ કરી ગુજરાતની રંગભૂમિ અને ભારતનું ગૌરવ વધાર્યું. એમણે નૈરોબી, કમ્પાલા, ઍથેન્સ, ગ્રીસ, પૂર્વ જર્મની વગેરેનાં થિયેટરોની અને કલાકારોની મુલાકાત લઈ, ત્યાં સેમિનારમાં અને વર્કશૉપમાં ભાગ લઈ નાટ્યકલાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. એમણે ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી જેવી અનેક ભાષાઓનાં નવાંજૂનાં – 125થી પણ વધારે ભિન્ન-ભિન્ન પ્રકારનાં – નાટકોનું દિગ્દર્શન કરીને અને ઘણાં નાટકોમાં ભૂમિકા ભજવી પોતાની અનેરી અભિનયશક્તિનાં દર્શન કરાવ્યાં. ‘રાઈનો પર્વત’, ‘રાયગઢ જ્યારે જાગે છે’ (શિવાજીની ભૂમિકા), ‘પરિત્રાણ’ (ભીષ્મની ભૂમિકા), ‘ઑથેલો’, ‘નટસમ્રાટ’ જેવાં નાટકોમાં ભજવેલી ભૂમિકા ચિરસ્મરણીય છે. એમના દિગ્દર્શન હેઠળ ભજવાયેલાં ‘આગગાડી’, ‘અલ્લાબેલી’, ‘મૃચ્છકટિક’, ‘હંસી અને ઢીંગલીઘર’, ‘સીતા’, ‘મોચીની વહુ’, ‘જીવંત પ્રેત’, ‘ઊંડા અંધારેથી’, ‘હૅમ્લેટ’ અને ‘મૅકબેથ’, ‘મુદ્રારાક્ષસ’, ‘ભગવજ્જુકીયમ્’, ‘ધરા ગુર્જરી’, ‘કર્ણભાર’, ‘વેનિસનો વેપારી’, ‘અજગરભરડો’ વગેરે નાટકો તો હજુ પણ નાટ્યરસિકોના સ્મરણમાં હશે. એમાં ‘શર્વિલક’ જેવા નાટકે તો 1968માં ઍક્ટિંગ માટે સંગીત-નાટક અકાદમી, ન્યૂ દિલ્હીનો ઍવૉર્ડ પણ તેમને મેળવી આપ્યો. આ નાટકોના દિગ્દર્શનમાં એમની તખ્તાસૂઝ અને કાર્યદક્ષતાનાં દર્શન થયાં. એમણે ઑલ ઇન્ડિયા રેડિયો, અમદાવાદ સ્ટેશનથી અને દૂરદર્શન – ઇસરો અને અમદાવાદ પરથી 100 કરતાં વધુ નાટકો રજૂ કર્યાં. ઇસરોમાં ડ્રામા તુર્ગ તરીકે સેવા આપેલી. નાટકના વિકાસ માટે એમણે નાટ્યપ્રકાશન યોજના હાથ ધરેલી અને એ રીતે તેમણે અનેક નાટકો પ્રકાશિત કર્યાં છે. ઉપરાંત નાટ્યશિક્ષણને લગતાં ‘નાટ્યશિક્ષણનાં મૂળતત્વો’ (1957), ‘નાટ્યપ્રયોગ-શિલ્પ’ (1959), ‘અભિનયકલા’ (1972), ‘સ્તાનિસ્લાવ્સ્કી’, ‘જયશંકર સુંદરીની દિગ્દર્શનકલા’, ‘નવા નટો માટે કેટલાંક સૂચનો’ (1957), ‘નાટકને માંડવે’(1976), ‘ઝંડા-ઝૂલણનો વેશ’, ‘અછૂતનો વેશ’ જેવાં પુસ્તકો લખ્યાં છે, જે નાટ્યકલાની જાણકારી માટે મહત્વનું ભાતું પૂરું પાડે છે. એમણે ‘ઉર્વશી’ (1959), ‘અંતરપટ’ (1968), ‘આરત’ (1969) જેવા ચારેક ગુજરાતી કાવ્યસંગ્રહ પણ આપ્યા છે. તેઓ ‘નાટક’ નામના પાક્ષિકના તંત્રી (1948) હતા અને ‘જનસત્તા’માં નાટ્ય અંગેની કૉલમ વર્ષો સુધી લખી હતી. 1949માં ‘પ્રજાશક્તિ’ સાપ્તાહિક તથા ‘પદ્મિની’ના તંત્રી પણ હતા. નવલકથાઓમાં ‘સિતમની ચક્કી’ (1931), ‘વલ્કલ’ (1936) અને નવલિકાસંગ્રહ ‘મસ્તાનીનું આલિંગન’ (1973) આપ્યાં છે. એમને ગુજરાત સાહિત્ય સભા તરફથી 1977નો રણજિતરામ સુવર્ણચંદ્રક તથા 1986માં સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ અને 1989માં ગુજરાત રાજ્યના પ્રથમ ઓમકારનાથ ઍવૉર્ડનું સન્માન સાંપડ્યું હતું. તેમને ત્રિવેણી ઍવૉર્ડ અને દધીચિ ઍવૉર્ડ પણ મળેલા છે. જ. ઠા. અભિનવ નાટ્યક્ષેત્રની અડધા સૈકાની પ્રવૃત્તિ પર એવા છાઈ રહ્યા કે અનેકને મન એ નાટ્યવિદ્યાલય જેવા હતા.
હસમુખ બારાડી
પ્રતાપ ઓઝા