ઠાકર, જયકૃષ્ણ ઇન્દ્રજી (જ. 1849, લખપત; અ. 1929) : ગુજરાતના સર્વપ્રથમ અને પ્રખર વનસ્પતિશાસ્ત્રી. જન્મ કચ્છના લખપત ગામે ગિરનારા બ્રાહ્મણ કુટુંબમાં. ગરીબાઈને કારણે તેઓ ઉદાર સખી ગૃહસ્થોની મદદથી માંડ અંગ્રેજીના ચાર ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. 14 વર્ષની વયે અભ્યાસ તજી આજીવિકા મેળવવા દલાલી, ગ્રંથવિક્રય તથા રસોઇયા તરીકેનું કામ કરતાં કરતાં સંસ્કૃત તથા ફારસી ભાષા અને સંગીતકલાનો અભ્યાસ ચાલુ રાખ્યો; પરંતુ આ સ્વાશ્રયી અને કર્મવીર પુરુષે નામના તો પ્રખર વનસ્પતિશાસ્ત્રી તરીકે મેળવી. આધુનિક વિજ્ઞાનની ર્દષ્ટિએ તેમણે કચ્છ-ગુજરાતની હજારો વનસ્પતિઓનો તલસ્પર્શી અભ્યાસ કરીને, અથાગ પરિશ્રમથી અને ખર્ચ સારુ પત્નીનાં ઘરેણાં વેચીને પણ ‘વનસ્પતિશાસ્ત્ર’ નામનું પુસ્તક પ્રગટ કર્યું. તે પછી ‘બરડાની વનસ્પતિ’ તથા ‘કચ્છની જડીબુટ્ટી’ નામનાં બે વધુ પુસ્તકો તેમણે લખ્યાં. તેમના આ ભગીરથ કાર્યને કારણે કચ્છ-ગુજરાતની અનેક વનસ્પતિઓ વિશ્વના વનસ્પતિશાસ્ત્રમાં સામેલ થઈ શકી. તેમણે અનેક સંદિગ્ધ વનસ્પતિઓની સ્પષ્ટતા કરી અને વનસ્પતિ માત્રને ઓળખવાની ગુરુચાવી બતાવી છે. વનસ્પતિ પરનાં આ ત્રણેય પુસ્તકો આજે પણ વૈદ્યો અને વનસ્પતિશાસ્ત્રના અભ્યાસીને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડે છે.
કચ્છમાં આગળ વધતા રણને રોકવા, જમીનને રણમાં ફેરવાતી અટકાવવા, સતત ઊડતી રેતીની સમસ્યા નિવારવા તેમણે ખાસ વનસ્પતિઓ શોધીને તેનું રણમાં વાવેતર કરાવ્યું. નાશ પામતી એવી અનેક વનસ્પતિઓ શોધીને તેનું વાવેતર કરાવ્યું. વૃક્ષોની ખોટ પૂરવા તેમણે કચ્છમાં અનેક સ્થળે જંગલો બનાવડાવ્યાં. દરરોજ અમુક નવાં વૃક્ષો વાવ્યાં પછી જ જમવાનો તેમણે નિયમ રાખેલ. તેમની આ રાષ્ટ્રસેવા જોઈ ગાંધીજીએ તેમને ‘ગુજરાતનું ભૂષણ’ બિરુદ આપેલું. ગુજરાતના વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી બાપાલાલ વૈદ્ય જયકૃષ્ણજીના શિષ્ય અને પ્રશંસક હતા. કચ્છના ગોકુલદાસ બાંબડાઈએ પણ જયકૃષ્ણજીના કાર્યમાં ખૂબ સહાય કરેલી. વનસ્પતિ વિશેના તેમના લેખો ‘વૈદ્ય-કલ્પતરુ’, ‘આયુર્વેદ વિજ્ઞાન’ તથા ત્યારનાં અંગ્રેજી દૈનિક પત્રોમાં પ્રગટ થયેલા.
તેઓ વ્યવસાયે વૈદ્ય ન હોવા છતાં તેમણે જીવનનાં 70 વર્ષ સુધી વનસ્પતિઓના ઊંડા અભ્યાસ અને પ્રકાશન દ્વારા આયુર્વેદ-જગતનું પાયાનું કલ્યાણકાર્ય કરીને ભારે સન્માન અને યશ મેળવેલ છે.
તેમના શિષ્ય બાપાલાલ વૈદ્યે ‘વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી’ નામથી તેમનું જીવનચરિત્ર લખેલું, જે 1931માં પ્રગટ થયેલું. વૈદ્ય બાપાલાલે પોતે રચેલ ‘નિઘંટુ આદર્શ’ નામના વનસ્પતિઓેના બે સુંદર ગ્રંથો પોતાના આ ગુરુને અર્પણ કરેલા.
ગોવિંદપ્રસાદ વૈદ્ય
બળદેવપ્રસાદ પનારા