ટ્વેન્ટીસેવન ડાઉન (1973) : હિંદી ભાષાનાં ઉત્તમ ચલચિત્રોમાંનું એક. નિર્માણસંસ્થા : અવતાર કૌલ પ્રોડક્શન્સ; નિર્માતા–દિગ્દર્શક : અવતાર કૃષ્ણ કૌલ; પટકથા : અવતાર કૃષ્ણ કૌલ; કથા : રમેશ બક્ષી; છબીકલા : એ.કે.બિર; સંકલન : રવિ પટનાયક; મુખ્ય કલાકારો : રાખી, એમ.કે. રૈના, રેખા સબનીસ, માધવી, મંજુલા, ઓમ શિવપુરી, રોચક પંડિત. શ્વેત અને શ્યામ; અવધિ : 115 મિનિટ.
ફિલ્મની કથા અવારનવાર ફ્લૅશબૅકમાં ચાલે છે. કલાના ક્ષેત્રમાં નામના મેળવવા ઇચ્છતો યુવાન નાયક સંજય. અપંગ એંજિન-ડ્રાઇવર પિતાના આગ્રહને વશ થઈને રેલવેમાં નોકરી સ્વીકારે છે. શાલિની નામની યુવતીને ચાહવા છતાં પિતાની ઇચ્છા અનુસાર તેને બીજે લગ્ન કરવાં પડે છે. નિરાશ અને નિરુત્સાહી જીવન વચ્ચે તે ઝોલાં ખાય છે. ચિત્રનું નામ નાયકની ગાડીનો આંક છે, જેનો દિગ્દર્શકે પ્રતીકાત્મક ઉપયોગ કર્યો છે. ફિલ્મસર્જક અવતાર કૃષ્ણ કૌલની આ પહેલી અને છેલ્લી ફિલ્મ છે. ફિલ્મ પૂરી થયાના થોડા જ દિવસોમાં કોઈ ડૂબતાને બચાવવા જતાં તેઓ મૃત્યુ પામ્યા.
1973માં શ્રેષ્ઠ ચિત્રનો તથા શ્રેષ્ઠ છબીકલાનો – એમ બે રાષ્ટ્રીય પુરસ્કાર આ ચિત્રે મેળવ્યા. 1974માં લૉકાર્નો ફિલ્મોત્સવમાં એક્યુમેનિકલ પુરસ્કાર તથા મેનહાઇમ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ડલ્કેટ પુરસ્કાર મેળવ્યા.
પીયૂષ વ્યાસ