ટ્રેસી, સ્પેન્સર (જ. 5 એપ્રિલ 1900, મિલવૉકી, યુ.એસ.; અ. 10 જૂન 1967, બેવરલી હિલ) : અમેરિકી ચલચિત્ર અભિનેતા. પિતા ટ્રક સેલ્સમૅન હતા. પુત્રને તેમણે પાદરી બનાવવા ધાર્મિક શાળામાં મૂક્યો. 1917માં તે શાળા છોડીને નૌસેનામાં જોડાયો. પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી નૉર્થવેસ્ટર્ન મિલિટરી અકાદમીમાં પ્રવેશ મેળવી તેણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો. 1921માં રિપન કૉલેજમાં જોડાયો. નાટકમાં ભાગ લેતાં અભિનયનું આકર્ષણ થવાથી 1922માં ન્યૂયૉર્કની અમેરિકન અકાદમી ઑવ્ ડ્રામૅટિક આર્ટમાં જોડાયો. પણ સ્નાતક થયા પછી અભિનેતા તરીકે કામ મેળવવાનું બહુ જ કઠિન નીવડ્યું. આજીવિકા માટે લિફ્ટમૅન, સેલ્સમૅન વગેરે પરચૂરણ કામ કરવાં પડ્યાં. અંતે તેને શૅરબજારમાં સ્થાયી નોકરી મળી. જોકે અભિનયક્ષેત્રમાં ખેંચાણ ચાલુ રહ્યું. તખ્તા ઉપર નાનીમોટી ભૂમિકાઓ બાદ ‘ધ લાસ્ટ માઈલ’ નાટકમાં તેને પ્રમુખ ભૂમિકા મળી. નાટક ખૂબ સફળ થયું. તેમાં તેની ભૂમિકા જોઈને ફિલ્મસર્જક જ્હૉન ફૉર્ડે ટ્રેસીને તેની મારફાડ ફિલ્મ ‘અપ ધ રિવર’માં કામ આપ્યું. 1930માં ટ્વેન્ટીએથ સેન્ચ્યુરી ફૉક્સે સ્પેન્સર ટ્રેસીને કરારબદ્ધ કર્યો. પ્રારંભમાં ટ્રેસીને કડક પ્રકૃતિના જવાંમર્દ નાયકની ભૂમિકા મળતી રહી. થોડાં વર્ષોમાં તેની ગણના હૉલિવૂડના ટોચના અભિનેતાઓમાં થવા લાગી. લૉરેન્સ ઓલિવિયરે કહ્યું કે ટ્રેસીના અભિનયમાંથી તેને પણ પ્રેરણા મળી હતી. 1935માં ટ્રેસીની કારકિર્દીનો સૂર્ય તપવા લાગ્યો. તેણે મેટ્રો ગોલ્ડવીન મેયર સાથે કરાર કર્યો. ‘કૅપ્ટન કરેજિયસ’ (1937) અને ‘બૉય્ઝ ટાઉન’ (1938) ફિલ્મો માટે – એમ સતત બે વર્ષ સુધી ટ્રેસીને શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કાર પુરસ્કાર મળ્યો. બે વર્ષ સળંગ ઑસ્કાર મેળવનાર તે પ્રથમ અભિનેતા હતો. આ ઉપરાંત ‘સાન ફ્રાન્સિસ્કો’ (1936), ‘ફાધર ઑવ્ ધ બ્રાઇડ’ (1950), ‘બૅડ ડે ઍટ બ્લૅક રૉક’ (1955), ‘ધ ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ (1958), ‘ઇનહેરિટ ધ વિન્ડ’ (1960), ‘જજમેન્ટ ઍટ ન્યૂરેમ્બર્ગ (1961) અને ‘ગૅસ હુ ઇઝ કમિંગ ટુ ડિનર’ (1967) : આ ફિલ્મો માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે ઑસ્કાર માટે તેના નામની એકંદરે નવ વાર ભલામણ થઈ.
સમયના પ્રવાહની સાથે ઉંમર પ્રમાણે તેણે વડીલની ભૂમિકાઓ પણ સ્વીકારી. 1923માં સ્પેન્સર ટ્રેસીએ મંચની અભિનેત્રી લુઈ ટ્રીડવેલ સાથે લગ્ન કર્યાં; પરંતુ ત્રીસીના દાયકાની શરૂઆતમાં લોરેટા યંગ નામની અભિનેત્રી સાથે તેના રોમાન્સની અફવાઓ ફેલાતાં લગ્નજીવનનો અંત આવ્યો. પોતે ચુસ્ત કૅથલિક હોવાના કારણે તેણે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધા નહિ. તેઓ બંને વર્ષો સુધી જુદાં રહ્યાં. 1942માં તેની સાથે કામ કરતી અભિનેત્રી કૅથેરિન હેપબર્ન સાથે તેના સંબંધો ઘનિષ્ઠ બન્યા. બંનેએ નવ ફિલ્મોમાં સાથે કામ કર્યું. સાઠના દાયકામાં ટ્રેસી જ્યારે આંતરડાંની બીમારીનો ભોગ બન્યો ત્યારે કારકિર્દીના ભોગે કૅથેરિન હેપબર્ને બીમાર ટ્રેસીની સેવા કરી. ટ્રેસીની અંતિમ ફિલ્મ ‘ગેસ હુ ઇઝ કમિંગ ટુ ડિનર’માં તેઓ બંને સાથે હતાં. આ ફિલ્મની સમાપ્તિ પછી થોડા દિવસોમાં ટ્રેસીનું અવસાન થયું.
પીયૂષ વ્યાસ