ટ્રેડ માર્ક : વસ્તુની ઓળખ કરાવવા માટે તથા પ્રચાર દ્વારા તેનું વેચાણ વધારવા માટે તેના ઉત્પાદકે વસ્તુ અથવા સેવા અંગે કાયદા હેઠળ નોંધાવેલી નિશાની કે સંજ્ઞા. આધુનિક યુગમાં ઉત્પાદક પોતાની વસ્તુ કે સેવાના મહત્તમ વેચાણ માટે તેના ઉપર ખાસ પસંદ કરેલ નિશાની (brand) કે સંજ્ઞાનો ઉપયોગ કરે છે. આવી નિશાનીની જ્યારે સત્તાવાર નોંધણી કરાવવામાં આવે ત્યારે તે, તે ઉત્પાદકનું વિશિષ્ટ વ્યાપારચિહન બને છે.
કોઈ મૂળાક્ષર, અંક, સંજ્ઞા, ચિહન, પ્રતીક, ચિત્રાત્મક ભાત, શબ્દ, શબ્દસમૂહ, ખાસ ઉચ્ચારવાળો નવો જોડીને બનાવેલ શબ્દસમૂહ કે આ બધાંમાંથી કેટલાકનો ઉપયોગ કરીને ખાસ બનાવેલ સંદેશો પણ ટ્રેડ માર્ક તરીકે વાપરવામાં આવે છે. જે નિશાની ઉચ્ચારી શકાય તેવી હોય તે નિશાનીને માર્કાનું નામ (brand name) કહેવાય છે, પરંતુ માત્ર સંજ્ઞા(symbol)થી વ્યક્ત થતી નિશાની માર્કાના ચિહન (brand mark) તરીકે ઓળખાય છે.
‘ટ્રેડ માર્ક’ કાનૂની શબ્દ છે. કોઈ પણ નિશાનીનો ટ્રેડ માર્ક તરીકે ઉપયોગ કરવા માટે ખાસ કાયદા હેઠળ તેની નોંધણી કરાવવી જરૂરી હોય છે. ભારતમાં ટ્રેડ ઍન્ડ મર્કન્ડાઇઝ ઍક્ટ ઍન્ડ રૂલ્સ, 1958 હેઠળ ટ્રેડ માર્કની નોંધણી કરવામાં આવે છે. ફક્ત સત્તાવાર નોંધણી કરાવેલ, કાયદાકીય રક્ષણને પાત્ર ઠરેલ નિશાની જ ટ્રેડ માર્ક તરીકે માન્ય કરવામાં આવે છે.
જ્યારે નિશાનીની નોંધણી કરવામાં આવે છે ત્યારે વસ્તુ અને તેના પૅકિંગ ઉપર માર્કાના નામ પાછળ ® અને ટ્રેડ માર્ક માટે TM અક્ષરો નાના કદમાં લખવામાં આવે છે. આમ કરવાથી વસ્તુની નકલ કે ગેરઉપયોગ શક્ય બનતો નથી. સાથોસાથ ટ્રેડ માર્ક ધરાવનાર ઉત્પાદક વસ્તુની ગુણવત્તા જાળવવા માટે અંગત રીતે જવાબદાર બને છે.
ટ્રેડ માર્કવાળી વસ્તુ કે સેવા બીજાથી અલગ પડે છે. ટ્રેડ માર્ક એક વિશિષ્ટ હક છે જેનો અન્ય કોઈ ઉત્પાદક ઉપયોગ કરી શકતો નથી. જો આ અંગેના નિયમનો ભંગ થાય તો તે ગુનો બને છે.
નકલ દ્વારા ઉપભોક્તાને છેતરી વેચાણ વધારવાની પ્રવૃત્તિને ટ્રેડ માર્કના ઉપયોગ દ્વારા રોકી શકાય છે.
આઝાદી પહેલાં ભારતમાં વ્યાપારચિહનને સ્પર્શતા ત્રણ જુદા જુદા કાયદાઓ અમલમાં હતા : (1) ધ મર્કન્ડાઇઝ માર્કસ ઍક્ટ, 1889, (2) ધ ટ્રેડ માર્કસ ઍક્ટ, 1940 અને (3) વ્યાપારચિહનને લગતા કાયદાઓનું ઉલ્લંઘન કરનારની સામે ફોજદારી કાર્યવહી કરવાના હેતુથી ભારતીય દંડ સંહિતા (Indian Penal Code), 1860માં ઉલ્લેખિત જોગવાઈઓ. આ ત્રણે કાયદાઓમાં જરૂરી સુધારા દાખલ કરવાની જરૂરિયાત લાંબા સમયથી વરતાતી હતી, પરંતુ તેમ કરવાને બદલે તે ત્રણેયનું સંકલન કરી એક સર્વગ્રાહી કાયદો ઘડવામાં આવે તો તે વધુ ઇષ્ટ ગણાશે એવો મત આઝાદી પછી પ્રબળ બન્યો અને તેના પરિણામ રૂપે ‘ધ ટ્રેડ ઍન્ડ મર્કન્ડાઇઝ માર્કસ ઍક્ટ, 1958’ પસાર કરવામાં આવ્યો; જે 25 નવેમ્બર, 1959થી સમગ્ર ભારતમાં અમલમાં મૂકવામાં આવ્યો. સાથોસાથ તે પૂર્વેના 1889 અને 1940ના ઉપર નિર્દેશિત કાયદાઓ રદબાતલ જાહેર કરવામાં આવ્યા તથા ‘ભારતીય દંડ સંહિતા, 1860’, ‘ધ સ્પેસિફિક રિલીફ ઍક્ટ, 1877’, ‘ધ સી કસ્ટમ્સ ઍક્ટ, 1878’ અને ‘ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1898’ – આ ચારે કાયદાઓમાં વ્યાપારચિહનને સ્પર્શતા જરૂરી ફેરફારો અને સુધારા-વધારા કરવામાં આવ્યા.
કોઈ પણ વ્યાપારીએ અગાઉથી કોઈ વ્યાપારચિહન મેળવી લીધું હોય તો માત્ર તે જ વ્યાપારચિહન નહિ પરંતુ તેને મળતું આવતું અથવા તેની સાથે છેતરે તેટલું સામ્ય ધરાવતું વ્યાપારચિહન અન્ય કોઈ વ્યાપારી મેળવી શકશે નહિ એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી.
હોમાય રાજપાલ યાદવ