ટ્રૅમ્પ (પરિવહન) : બંદરનો માલ મળે તેનું પરિવહન કરનારું કરારબદ્ધ (chartered) માલવાહક જહાજ. આવું માલવાહક જહાજ સમુદ્ર-યાત્રા કરાર(voyage charter)પદ્ધતિ અથવા સમય કરાર(time charter)પદ્ધતિથી ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરારપદ્ધતિમાં નિશ્ચિત સ્થળની નિશ્ચિત સફર માટે આખું જહાજ અથવા જહાજની આંશિક જગ્યા ભાડે આપવામાં આવે છે. નક્કી કરેલા બંદર ઉપર ઠરાવેલા દિવસે દરિયાઈ મુસાફરીને લાયક સુસજ્જ જહાજ આવી પહોંચશે તેવી ખાતરી જહાજમાલિક આપે છે અને સામે પક્ષે ઠરાવેલી સંખ્યાના દિવસમાં માલજહાજમાં એક બંદરેથી ચડાવવામાં તથા બીજા બંદરે ઉતારવામાં અને તેમાં કસૂર થાય તો વિલંબ-શુલ્ક (demurrage) ભરવામાં આવશે તેવી કબૂલાત જહાજ ભાડે રાખનાર આપે છે. સમય કરારપદ્ધતિમાં નિર્દિષ્ટ સમય માટે જહાજ ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરાર કરતાં સમય કરાર પદ્ધતિ વધારે પ્રચલિત છે અને તેલવાહક જહાજ (tanker) અને અતિકાય તેલવાહક જહાજ (very large crude carriers – VLCC)ની બાબતમાં તો તે સર્વસામાન્ય છે. ટ્રૅમ્પને ભાડે મેળવી આપવાનું કામ જહાજી આડતિયા કે દલાલ કરતા હોય છે.
ટ્રૅમ્પથી વિરુદ્ધ પ્રકારના જહાજને નિયમિત સેવા-જહાજ (liner) કહે છે. તે વર્ગીકૃત (scheduled) સમુદ્રમાર્ગ ઉપર આવતું–જતું હોય છે. સ્થાપિત થયેલા દરેક માર્ગ ઉપર ઘણી કંપનીઓનાં નિયમિત સેવા-જહાજ ફરતાં હોય છે અને તેમની વચ્ચે નૂર-યુદ્ધ (freight war) ન થાય તે હેતુથી જહાજમાલિકોની પરિષદ આવા દરેક સ્થાપિત માર્ગ ઉપરના પરિવહનનું નૂર નક્કી કરતી હોય છે.
કપાસ, ઘઉં અને ખાંડ જેવા ઋતુ અનુસાર તૈયાર થતા કૃષિપાકોના વિપુલ જથ્થાને આખા વર્ષમાંથી ફક્ત ચોક્કસ સમયે પરિવહન કરવાના તથા ઇંગ્લૅન્ડ જેવા કેટલાક દેશોમાંથી ખનિજકોલસાને મોટા પાયા ઉપર દક્ષિણ અમેરિકા જેવા ખંડમાં પરિવહન કરવાના પ્રસંગ ઊભા થાય છે ત્યારે આવા અતિ વિશાળ કાર્યને નિયમિત સેવા-જહાજ પહોંચી વળી શકતાં નથી. તે સમયે ટ્રૅમ્પ પૂરક સેવા પૂરી પાડે છે. વિશ્વ વ્યાપારમાં ટ્રૅમ્પની જરૂરિયાત બહુ-આયામી (multi-dimensional) પ્રકારની હોવાથી નિયમિત સેવા-જહાજની આવકની સરખામણીમાં ટ્રૅમ્પની આવક તીવ્ર ચઢાવ-ઉતારવાળી હોય છે. તાજેતરમાં ટ્રૅમ્પની સંખ્યામાં ઘટાડો થયો છે, કારણ કે વધુ અને વધુ બહુરાષ્ટ્રીય ઔદ્યોગિક ગૃહોએ પોતાની જરૂરિયાતને અનુરૂપ વિશિષ્ટ રચનામાં પોતાની માલિકીનાં જહાજનો ઉપયોગ કરવાનું વલણ લેવા માંડ્યું છે.
રજનીકાન્ત વ્યાસ