ટ્રુડો, પિયર એલિયટ (જ. 18 ઑક્ટોબર 1919, મૉન્ટ્રિયલ, કૅનેડા; અ. 28 સપ્ટેમ્બર, 2000) : કૅનેડાના વિખ્યાત મુત્સદ્દી તથા વડાપ્રધાન. ફ્રેન્ચ તથા સ્કૉટિશ કુળના પિતા ચાર્લ્સ-એમિલી ટ્રુડો તથા માતા ગ્રેસ એલિયટના આ પુત્રનો ઉછેર સમૃદ્ધ કુટુંબમાં, ફ્રેન્ચ અને અંગ્રેજી દ્વિભાષી તથા દ્વિસાંસ્કૃતિક વાતાવરણમાં થયો હતો. કૅનેડાની મૉન્ટ્રિયલ યુનિવર્સિટીમાંથી 1943માં કાયદાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક પદવી અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી 1945માં પોલિટિકલ ઇકૉનૉમીમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. 1945–49 દરમિયાન વિદેશ-પ્રવાસ ખેડ્યો અને ત્યારબાદ 1949માં કૅનેડાના ક્વિબેક વિસ્તારમાં વકીલાત શરૂ કરી તથા ત્યાંનાં મજૂરમંડળોના સલાહકાર બન્યા. થોડા સમય માટે દેશની સરકારના મુખ્ય સચિવાલયમાં સેવાઓ આપી. દરમિયાન મૉન્ટ્રિયલ યુનિવર્સિટીમાં કાયદાના સહ-પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યું. ક્વિબેક પ્રાંતમાં ડાબેરી વિચારસરણી ધરાવતાં જૂથોને સંગઠિત કરવા 1956માં આંદોલનની પહેલ કરી; પરંતુ સમય જતાં આ આંદોલને અલગતાવાદી સ્વરૂપ ધારણ કર્યું ત્યારે પોતાની રાજકીય કારકિર્દી જોખમાવીને તેઓ આંદોલનમાંથી અલગ થયા અને ત્યારપછી પોતે કૅનેડાની એકતા, અખંડિતતા તથા સમવાયતંત્રી માળખાના ચુસ્ત સમર્થક બન્યા. કામદારો તથા નીચલા વર્ગના ઉત્કર્ષ માટે પણ તેમણે ઘણી પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો હતો. ‘ક્વિબેક વ્યૂ’ સામયિકના સ્થાપક સંપાદકોમાંના તેઓ એક હતા.
1965માં તેઓ પ્રથમ વાર દેશની સંસદના નીચલા ગૃહમાં ચૂંટાયા અને 1984 સુધી તે ગૃહના સભ્ય રહ્યા. 1966 –67માં દેશના તે વખતના વડાપ્રધાન લેસ્ટર પિયરસનના સંસદીય સચિવ તરીકે અને ત્યારપછી ન્યાયખાતાના પ્રધાન તથા ઍટર્ની-જનરલ તરીકે રહ્યા. પિયરસનના રાજીનામા બાદ 1968માં તેઓ લિબરલ પાર્ટીના નેતા બનતાં દેશના વડાપ્રધાન બન્યા (1968–79). 1979–80 દરમિયાન સત્તા પરથી બાકાત રહ્યા પછી 1980માં તેમનો પક્ષ ફરી સત્તા પર આવતાં બીજી વાર દેશના વડાપ્રધાન બન્યા (1980–84). 1984માં તેમણે આ પદ પરથી સ્વેચ્છાથી રાજીનામું આપ્યું.
તેમણે ‘નાટો’ લશ્કરી સંગઠનમાં કૅનેડાના લશ્કરના સંખ્યાબળમાં ઘટાડો કર્યો, ચીન સાથે દેશના રાજદ્વારી સંબંધો પ્રસ્થાપિત કર્યા, અંગ્રેજીભાષી અને ફ્રેન્ચભાષી નાગરિકો વચ્ચે વણસેલા સંબંધોમાં સુધારો કર્યો, ક્વિબેકમાં પ્રસરેલા અલગતાવાદી આંદોલનને ખાળવામાં સફળતા મેળવી, કેન્દ્રસરકારનાં કાર્યાલયો અને ન્યાયાલયોમાં ફ્રેન્ચને સત્તાવાર ભાષાનો દરજ્જો આપ્યો તથા કૅનેડા પરની બ્રિટિશ સંસદની સર્વોપરીતાનો અંત લાવી દેશ માટે નવું બંધારણ ઘડ્યું.
રૂઢિચુસ્ત ધર્મગુરુઓની સમાજ પરની પકડ ઢીલી કરવા તેઓ સતત મથતા રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સપાટી પર નિ:શસ્ત્રીકરણની વાટાઘાટો વ્યાપક બનાવવામાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. કૅનેડામાં ન્યૂક્લિયર શસ્ત્રો દાખલ કરવા સામે તેમણે સખત વિરોધ કર્યો હતો.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘ધ ઍસ્બેસ્ટૉસ સ્ટ્રાઇક’ (1956), ‘ટુ ઇનોસન્ટ્સ ઇન ચાઇના’ (1960) તથા ‘ફેડરાલિઝમ ઍન્ડ ધ ફ્રેન્ચ કૅનેડિયન્સ’ (1967) નોંધપાત્ર ગણાય છે.
અમિત ધોળકિયા