ટ્રિબ્યૂન : ભારતનું અંગ્રેજી દૈનિક. આરંભમાં સાપ્તાહિક. સ્થાપના 1881માં. સ્થાપક : સરદાર દયાલસિંઘ મજીઠિયા. આરંભમાં તંત્રીપદે ઢાકા(હાલ બાંગ્લાદેશ)ના શીતલકાન્ત ચેટરજી હતા. 1906માં તે દૈનિકપત્ર બન્યું. પ્રારંભિક વર્ષોમાં જે કેટલાક વિખ્યાત બંગાળી પત્રકારો તેના તંત્રી બન્યા તેમાં કાલિનાથ રાયનો પણ સમાવેશ થાય છે. 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ અંગે પંજાબ સરકાર તથા જનરલ ડાયરની કડક ટીકા કરતા તંત્રીલેખ માટે કાલિનાથ રાયની ધરપકડ કરાઈ હતી અને પછી બે વર્ષની કેદની સજા પણ થઈ હતી. તે પાછળથી ઘટાડી ત્રણ માસની કરાઈ હતી. સ્વતંત્રતા પછી પણ આ અખબારે પોતાની નિર્ભીક અને તટસ્થ નીતિ જારી રાખી છે. દેશના ભાગલા પૂર્વે લાહોરમાં ફાટી નીકળેલાં રમખાણોમાં હિંસક ટોળાએ ‘ટ્રિબ્યૂન’ પર હુમલો કરી તેની સાધનસામગ્રીને નુકસાન પહોંચાડ્યું હતું. અથડામણમાં સ્ટાફના બે જણ મૃત્યુ પામ્યા હતા. પશ્ચિમ પંજાબની સરકારે ‘ટ્રિબ્યૂન’ની કેટલીક સાધનસામગ્રી ‘પાકિસ્તાન ટાઇમ્સ’ને આપી દીધી. આ અખબારને રૂપિયા 27 લાખનું નુકસાન થયાની ફરિયાદ તે વખતના કેન્દ્રીય ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને કરવામાં આવી હતી. ‘ટ્રિબ્યૂને’ લાહોરમાંથી પ્રકાશન ચાલુ રાખ્યું. પરંતુ પછી તેને સિમલા (ભારતમાં) ખસેડવું પડ્યું. 1948ના મેમાં તેને અંબાલા અને પછી 1969માં ચંડીગઢ, ખાતે ખસેડાયું. 1975માં કટોકટી દરમિયાન સરકારે તેને કાળી યાદીમાં મૂક્યું હતું. સરકારી વિજ્ઞાપનો આપવાનું બંધ કરી દીધું હતું. 1978માં પંજાબી અને હિંદી ભાષામાં આવૃત્તિઓ શરૂ કરાઈ. પ્રેમ ભાટિયાએ એના એડિટર ઇન ચીફ તરીકે વર્ષો સુધી જવાબદારી સંભાળી હતી. 1995ના મે માસમાં પ્રેમ ભાટિયાના દેહાંત પછી પણ તે ચાલુ છે.
મહેશ ઠાકર