ટ્રિડિમાઇટ : સિલિકાવર્ગનું ખનિજ. બે સ્વરૂપોમાં ઉપલબ્ધ : આલ્ફા ટ્રિડિમાઇટ અને બીટા ટ્રિડિમાઇટ.
રાસા.બં. : SiO2 ; સ્ફ. વર્ગ : α ટ્રિડિમાઇટ – ઑર્થોરૉમ્બિક; β ટ્રિડિમાઇટ – હેક્ઝાગોનલ.
સ્ફ. સ્વ. : α ટ્રિડિમાઇટ : મેજ આકારના સ્ફટિકો, બીટા સ્વરૂપની પાછળ પરરૂપ હેક્ઝાગોનલ સ્ફટિકો જેવા; પારદર્શક. β ટ્રિડિમાઇટ : સ્ફટિકો ઝીણા, પાતળા કે જાડા મેજ આકાર, (0001) ફલક પર ચપટા. પિરામિડ-સ્વરૂપો સામાન્ય. અનેક સે.મી.ના વ્યાસના મહાસ્ફટિકો. ક્યારેક ગુલાબની પાંખડીઓ જેવા, ક્યારેક ગોળા જેવા, તો ક્યારેક પંખાકાર જૂથમાં. યુગ્મતા ફલક પર સંપર્ક યુગ્મો અને ગૂંથણી યુગ્મો; ફાચર આકારનાં, ભાથા આકારનાં ત્રિ-સ્વરૂપ યુગ્મો (trillings)ફલક પર અસામાન્ય.
સંભેદ : નથી.
ભં. સ. : વલયાકાર. બરડથી ઘણું જ બરડ (આલ્ફા પ્રકાર.).
ચ. : કાચમય, ક્યારેક મૌક્તિક(0001) ફલક પર (બીટા પ્રકાર).
રં. : રંગવિહીનથી સફેદ.
ક. : 7.
વિ.ઘ. : 2.26 (માપેલી) (આલ્ફા પ્રકાર); 2.197 (બીટા પ્રકાર).
પ્રકા. અચ. : આલ્ફા ટ્રિડિમાઇટ : બીટા ટ્રિડિમાઇટ.
α = 1.468 – 1.479 એકાક્ષી + ve.
β = 1.469 – 1.480.
γ = 1.473 – 1.483.
પ્રકા. સંજ્ઞા : 2V = 30° – 76°.
પ્રા.સ્થિ. આલ્ફાટ્રિડિમાઇટ બીટા ટ્રિડિમાઇટમાંથી બને છે. મુખ્યત્વે પોલાણોમાં મળે છે તેમજ ટર્શ્યરી કે તેથી નવા સમયના જ્વાળામુખી ખડકોના સૂક્ષ્મદાણાદાર દ્રવ્યમાં મળે છે. સેનિડિન, ક્વાર્ટ્ઝ, ક્રિસ્ટોબેલાઇટ, ફાયલાઇટ, હેમેટાઇટ, ઑગાઇટ અને હૉર્નબ્લૅન્ડ તેનાં સહયોગી ખનિજો છે. પાષાણ ઉલ્કાઓમાં તે એક ઘટક તરીકે પણ બહુધા મળે છે. 870°થી 1470° સે. ઉષ્ણતામાન વચ્ચે તે બને છે.
પ્રા.સ્થા.: યુ.એસ. મેક્સિકો, સ્કૉટલૅન્ડ, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, રશિયા અને જાપાનમાંથી મળે છે.
ટ્રિડિમાઇટ એ ક્વાટર્ઝ અને ક્રિસ્ટોબેલાઇટ સાથે ત્રિરૂપતા (trimorphism) ધરાવતું એકસરખા SiO2ના રાસાયણિક બંધારણવાળું સિલિકાવર્ગમાં આવતું ખનિજ છે. ઉત્પત્તિ-સ્થિતિ મુજબ જો તે ઊંચા તાપમાને તૈયાર થાય તો હેક્ઝાગોનલ હોલોહેડ્રલ અને નીચા તાપમાને તૈયાર થાય તો ઑર્થોરૉમ્બિક સ્ફટિકવર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. 870° સે. તાપમાનથી ઉપર બનેલો ક્વાટર્ઝ (SiO2) ટ્રિડિમાઇટમાં ફેરવાય છે, જે માત્ર જ્વાળામુખી ખડકોમાં જ જોવા મળે છે. અન્ય પ્રાપ્તિસ્થિતિમાં ટ્રિડિમાઇટની જગાએ ક્વાટર્ઝનાં પરરૂપ સ્વરૂપો મળે છે. 1470° સે. તાપમાને ટ્રિડિમાઇટ ક્રિસ્ટોબેલાઇટમાં પરિવર્તિત થાય છે, જે ક્યૂબિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. તે ટ્રિડિમાઇટ કરતાં પણ સંભવત: વિરલ છે. જોકે આ બંનેના ઉત્પત્તિના સંજોગો લગભગ સમાન હોય છે.
ગિરીશભાઈ પંડ્યા