ટ્રાયકોમાઇસેટીસ : ફૂગના ઍમેસ્ટીગોમાયકોટિના વિભાગનો એક વર્ગ. આ ફૂગ મુખ્યત્વે જીવતા કીટકો, સહસ્રપાદ અને સ્તરકવચીઓ સાથે સંકળાયેલી હોય છે. જોકે એક જાતિને બાદ કરતાં બધી જ જાતિઓ જલીય યજમાનોના પાચનતંત્રમાં થાય છે. આ ફૂગ સ્થાપનાંગ (hold fast) નામની વિશિષ્ટ રચના દ્વારા કાઇટીનયુક્ત પશ્ચાંત્ર(hind gut)માં ચોંટીને રહે છે. આ ફૂગનું મિસિતંતુ (mycelium) યજમાનની પેશીઓમાં કદી પણ પ્રવેશતું નથી. મિસિતંતુ પાચનમાર્ગના પોલાણમાં રહેલાં દ્રવ્યોમાંથી પોષક તત્વો મેળવે છે. તેથી તે અવિકલ્પી સહજીવી કે સહભોજી (obligate symbionts or commensal) છે. એક મત પ્રમાણે સંધિપાદ યજમાનોને પણ આ ફૂગની હાજરીથી લાભ થાય છે. આવા કિસ્સામાં તે સહોપકારી સહજીવી (mutualistic symbiont) છે. આ વર્ગમાં 30 પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેનું મિસિતંતુ પ્રમાણમાં ખૂબ મર્યાદિત હોય છે અને જાતિ પ્રમાણે તે શાખિત કે અશાખિત હોય છે. કેટલીક જાતિઓમાં નિયમિતપણે પટીકરણ (septation) થયેલું હોય છે, તો અન્ય જાતિઓ પ્રજનન કોષોના તલ સિવાય અપટીય (nonseptate) હોય છે. તેના પટ છિદ્રિષ્ઠ હોય છે. છિદ્ર વીજાણુ અપારદર્શી(electron-opaque) પટલરહિત દ્વિ-છત્રાકાર (biumbonate) ડાટો ધરાવે છે.
આ ફૂગમાં અલિંગી પ્રજનન અમીબીય કોષો, સંધિબીજાણુઓ (arthrospores), બીજાણુધાનીય બીજાણુઓ (sporangiospores) અને તંતુ બીજાણુઓ (trichospores) દ્વારા થાય છે.
જોકે કોઈપણ ટ્રાયકોમાઇસેટીમાં લિંગી પ્રજનન વિશે કોઈ સીધો પુરાવો પ્રાપ્ત થયો નથી, છતાં દ્વિશંકુ આકારની યુગ્મબીજાણુ (zygospore) તરીકે જાણીતી રચનાઓનું અવલોકન થયું છે. તે જે કવકતંતુ (hypha) પર ઉદભવે છે તેને યુગ્મબીજાણુવૃન્ત (zygosporophore) કહે છે, જે બે પૈકીમાંના એક સંયુગ્મન પામેલા કોષોમાંથી ઉત્પન્ન થાય છે.
સંધિપાદમાં થતી નિર્મોચનની ક્રિયા દરમિયાન તેનું બાહ્ય કંકાલ અને પાચનતંત્રનું કાઇટીનયુક્ત સ્તર સમયાંતરે ઊતરી જાય છે અને યજમાન સંધિપાદનું શરીર વધતેઓછે અંશે સતત ફૂગના બીજાણુઓના સંપર્કમાં રહે છે.
સુકાયની બાહ્યાકારવિદ્યા અને અલિંગી પ્રજનન-અંગોની રચના પરથી આ વર્ગને ચાર ગોત્રો – હાર્પેલેલ્સ, અમીબીડિયેલ્સ, એસેલ્લેરિયેલ્સ અને એક્કાઇનેલ્સમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હાર્પૅલેલ્સ ગોત્રમાં તંતુ બીજાણુઓ અને યુગ્મબીજાણુઓ ઉદભવે છે (દા.ત., હાર્પેલા). અમી-બીડિયેલ્સ સૌથી નાનું ગોત્ર છે. તેમાં અમીબીય કોષો અને ધાની બીજાણુઓ ઉત્પન્ન થાય છે (દા. ત., અમીબીડિયમ). એસેલ્લેરિયેએલ્સ પણ ત્રણ પ્રજાતિઓનું બનેલું નાનું ગોત્ર છે, જે શાખિત પટયુક્ત કવકજાલ ધરાવે છે અને સંધિબીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે. એક્કાઇનેલ્સ ગોત્ર સૌથી મોટું છે. તે યજમાન અને નિવાસની બાબતમાં વૈવિધ્ય દર્શાવે છે. તેના સભ્યો અશાખિત અને અપટીય કવકજાલ ધરાવે છે અને અલિંગી પ્રજનન ધાનીબીજાણુઓ દ્વારા કરે છે.
હાર્પેલા સ્મિશિયમ, એન્ટેરોબ્રાયસ, એસેલ્લેરિયા, અમીબીડિયમ, જેનિસ્ટેલા, જેનિસ્ટેલોસ્પોરા આ વર્ગની મુખ્ય પ્રજાતિઓ છે.
કેટલાક ફૂગશાસ્ત્રીઓ તેને ઝાયગોમાયસેટીસ વર્ગ સાથે જોડે છે. ખાસ કરીને હાર્પેલેલ્સ અને એસેલ્લેરિયેલ્સ ઝાયગોમાયસેટીસના ગોત્ર કીક્સેલેલ્સ સાથે ગાઢ રીતે સંબંધિત છે.
અર્ચના માંકડ