ટ્રાન્ઝિટ ઉપગ્રહો : અમેરિકાની નૌનયન (navigation) ઉપગ્રહ નામની શ્રેણીનો ઉપગ્રહ. પ્રથમ ટ્રાન્ઝિટ ઉપગ્રહ 13 એપ્રિલ, 1960ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો. ત્યારપછી બીજા ઘણા ટ્રાન્ઝિટ ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મૂકવામાં આવ્યા. આ શ્રેણીના બધા ઉપગ્રહ લગભગ 1100 કિમી.ની ઊંચાઈએ ધ્રુવીય વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હતા. દરેક ટ્રાન્ઝિટ ઉપગ્રહ દ્વારા દર બે મિનિટના ગાળે પ્રસારિત થતા 150 અને 400 મેગાહર્ટ્ઝ આવૃત્તિના રેડિયોતરંગોમાં થતું ડોપ્લર-પરિવર્તન તથા તે સમયે, જે તે ઉપગ્રહનું અંતરિક્ષમાં સ્થાન જાણીને, પૃથ્વી પરના કોઈ પણ બિંદુનું ભૌગોલિક સ્થાન (અક્ષાંશ, રેખાંશ તથા ઊંચાઈ) ચોકસાઈથી નક્કી કરી શકાતું હતું. કુલ 21 ઉપગ્રહોનું આ પ્રકારનું સાર્વજનિક ઉપગ્રહ-નૌનયન-તંત્ર (global positioning system) હવે ઉપયોગમાં લેવાય છે.
પરંતપ પાઠક