ટોલ્યાટી પાલ્મીરો (જ. 26 માર્ચ 1893, જિનોઆ; અ. 21 ઑગસ્ટ 1964, યાલ્ટા) : અગ્રણી ઇટાલિયન સામ્યવાદી રાજકારણી. તેમણે 40 વર્ષ સુધી ઇટાલીના સામ્યવાદી પક્ષને નેતૃત્વ પૂરું પાડ્યું હતું અને પશ્ચિમ યુરોપમાં ઇટાલિયન સામ્યવાદી પક્ષને સૌથી મોટા સામ્યવાદી પક્ષ તરીકે વિકસાવ્યો હતો.
મધ્યમ વર્ગમાં જન્મેલ ટોલ્યાટીએ તુરિન યુનિવર્સિટી ખાતે કાયદાનો અભ્યાસ કર્યો, લશ્કરી અધિકારી તરીકે સેવાઓ આપી અને પ્રથમ વિશ્વયુદ્ધમાં ઘવાયા પછી તુરિન ખાતે ટ્યૂટર તરીકે કાર્ય કર્યું. કૉલેજકાળ દરમિયાન માર્કસવાદ પ્રત્યે આકર્ષાયા હતા. 1919માં ‘લોદીન ન્યુવો’ નામનું ડાબેરી સાપ્તાહિક શરૂ કરવામાં મદદ કરી. 1921માં સમાજવાદી પક્ષથી અલગ થયેલ સામ્યવાદી શાખાના સભ્યો માટે આ સાપ્તાહિક એક વૈચારિક એકતા માટેનું કેન્દ્ર બની રહ્યું. 1924માં સામ્યવાદી પક્ષની મધ્યસ્થ સમિતિના સભ્ય બન્યા. જ્યારે તેઓ મૉસ્કો ખાતે 1926માં કૉમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલ-(Commintern)ની બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે મુસોલિનીએ ઇટાલિયન સામ્યવાદી પક્ષ પર પ્રતિબંધ ફરમાવ્યો અને ટોલ્યાટી સિવાયના તમામ નેતાઓની ધરપકડ કરી. તેઓ દેશનિકાલ પામ્યા. તે દરમિયાન તેમણે લયોન અને કોલોનમાં ઇટાલિયન સામ્યવાદી પક્ષની ગુપ્ત બેઠકો યોજી. 1935માં એરકોલીના નામ નીચે કૉમિન્ટર્નના સચિવાલયના તે સભ્ય બન્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે તેમણે અવારનવાર ઇટાલીને પ્રતિકાર માટેના સંદેશાઓ પાઠવ્યા તથા ફાસિસ્ટ કાર્યકરોને ઉદાર અને ડાબેરી બળો સાથે હાથ મિલાવવા અનુરોધ કર્યો.
ઇટાલી પાછા ફરીને ટોલ્યાટી એપ્રિલ, 1944માં માર્શલ બાદોગ્લિઓની સરકારમાં ખાતા વિનાના પ્રધાન તરીકે જોડાયા તથા આલચીદ ગાસપેરીના હાથ નીચે નાયબ વડાપ્રધાન તરીકે સેવાઓ આપી. 1948માં રાજકીય પક્ષો સાથે જોડાણ સાધવાની યુક્તિને લીધે પક્ષને સારો એવો લાભ કરી આપ્યો. 1948ની ચૂંટણીમાં તેમના 135 સામ્યવાદી પ્રતિનિધિઓ ચૂંટાઈ આવ્યા. 1948માં એક યુવાન ફાસિસ્ટના હાથે તેઓ ગંભીર રીતે ઘવાયા અને સારવાર માટે સોવિયેત યુનિયન ગયા, જ્યાં તેઓ સ્ટાલિન સાથે ઘર્ષણમાં આવ્યા. 1956માં મૉસ્કો ખાતે સામ્યવાદી પક્ષની કૉંગ્રેસમાં ભાગ લીધા પછી મૉસ્કો મંજૂર રાખે તેના કરતાં વધારે પ્રમાણમાં ટોલ્યાટીએ સ્ટાલિનવાદનું અવમૂલ્યન કરતા ટીટોવાદના ધોરણે વિકેન્દ્રીકરણની હિમાયત કરી. 1956માં ઇટાલિયન સામ્યવાદી પક્ષની કૉંગ્રેસ માટે મંચ તૈયાર કરતાં તેમણે ઇટાલિયન ઢબના સમાજવાદની હાકલ કરી તથા વિદેશીઓ દ્વારા લાદવામાં આવતી ક્રાંતિઓની હાંસી ઉડાવી. આવા મતભેદો હોવા છતાં ટોલ્યાટીએ હંગેરિયન ક્રાંતિને કચડી નાખતા રશિયન પગલાને ટેકો જાહેર કર્યો હતો. 21 ઑગસ્ટ, 1964માં રજાઓ ગાળવા યાલ્ટા ગયેલ ટોલ્યાટી મૃત્યુને ભેટ્યા. તેમના મૃત્યુ પછી પ્રસિદ્ધ કરવામાં આવેલ એક લેખમાં ટોલ્યાટીએ ચીની સામ્યવાદીઓ પ્રત્યેના સોવિયેત યુનિયનના વલણ અને વર્તનની ટીકા કરી હતી અને સ્વતંત્ર સામ્યવાદી પક્ષોને ટેકો આપેલો. તેમની રાજકીય વિચારધારાએ સામ્યવાદી દેશોનાં ઉદારમતવાદી વલણોને મજબૂત કર્યાં.
નવનીત દવે