ટૉની, રિચર્ડ હેન્રી (જ. 30 નવેમ્બર 1880, કૉલકાતા; અ. 16 જાન્યુઆરી 1962) : અર્થશાસ્ત્રના ઇતિહાસના મીમાંસક. પિતા કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજના આચાર્ય તથા સંસ્કૃતના પંડિત હતા. ઑક્સફર્ડ (ઇંગ્લૅન્ડ) ખાતે શિક્ષણ પૂરું કર્યા પછી ‘વર્કર્સ એજ્યુકેશન ઍસોસિયેશન’ના સક્રિય સભાસદ બન્યા અને 1928થી 1944 દરમિયાન તે સંસ્થાના પ્રમુખ રહ્યા. દરમિયાન ઑક્સફર્ડ ખાતે કામદારો માટે પ્રશિક્ષણ વર્ગોનું સંચાલન કર્યું. 1913માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના ઉપક્રમે ગરીબીના અધ્યયન અને સંશોધન માટે ખાસ શરૂ કરવામાં આવેલા ‘રતન ટાટા ફાઉન્ડેશન’ના સંચાલક બન્યા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914થી 1918) દરમિયાન લશ્કરમાં જોડાયા. 1916માં સરહદ પરની સેવાઓ દરમિયાન ગંભીર રીતે ઘવાયા. યુદ્ધની સમાપ્તિ બાદ 1918માં બીલિયલ કૉલેજમાં ફેલો નિમાયા, 1919માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં આર્થિક ઇતિહાસના રીડર નિમાયા (1919–31). 1931માં તે જ સંસ્થામાં આર્થિક ઇતિહાસના પ્રોફેસરના પદ પર બઢતી મેળવી (1931–49). 1949માં પ્રોફેસર એમેરિટસ નિમાયા.
લંડન સ્કૂલમાં રીડર હતા તે દરમિયાન સાત વર્ષ સુધી ‘ઇકૉનૉમિક હિસ્ટરી રિવ્યૂ’ નામના સામયિકના સહતંત્રી તરીકે સેવાઓ આપી. 1931થી 1932 દરમિયાન ચીનની અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરવા માટે તે દેશનો પ્રવાસ ખેડ્યો, જેના પરિપાક રૂપે ‘લૅન્ડ ઍન્ડ લેબર ઇન ચાયના’ નામક ગ્રંથ પ્રકાશિત કર્યો.
આર્થિક ઇતિહાસના અધ્યાપક તરીકેની તેમની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન ઇંગ્લૅન્ડની સરકારના આર્થિક સલાહકાર તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.
સામાજિક સુધારણાના તેઓ હિમાયતી હતા. કામદારોના કલ્યાણ માટે, તેમના શિક્ષણ-પ્રશિક્ષણ માટે તેમણે ચલાવેલી ઝુંબેશ તથા તે અંગે સરકાર સમક્ષ વખતોવખત કરેલાં સૂચનો વિશે ઇંગ્લૅન્ડની સરકારનો હકારાત્મક પ્રતિસાદ તેમને સાંપડ્યો હતો.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘ધ અગ્રેરિયન પ્રૉબ્લેમ ઇન ધ સિક્સટિન્થ સેંચ્યુરી’ (1912), ‘ધ ઍક્વિઝિટિવ સોસાયટી’ (1920), ‘ટ્યૂડર ઇકૉનૉમિક ડૉક્યુમેન્ટ્સ’ (ત્રણ ખંડો) (આયલિન પાઉલર સાથે સંપાદન) (1924), ‘રીલિજન ઍન્ડ ધ રાઇઝ ઑવ્ કૅપિટાલિઝમ’ (1926), ‘લૅન્ડ ઍન્ડ લેબર ઇન ચાયના’ (1932), ‘ધ અટૅક ઍન્ડ અધર પેપર્સ’ (યુદ્ધવિષયક) (1953) તથા ‘લૉયોનેલ કૅનફિલ્ડ : બિઝનેસ ઍન્ડ પૉલિટિક્સ અન્ડર જેમ્સ ફર્સ્ટ’ (ચરિત્રવૃત્તાંત) (1958)નો સમાવેશ થાય છે. 1912માં પ્રકાશિત તેમનો ગ્રંથ તે પછીના આર્થિક ઇતિહાસક્ષેત્રમાં થયેલાં સંશોધનો માટે પાયારૂપ ગણાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે