ટેલર, જૉસેફ હૂટન (જુનિયર) [Taylor, Joseph Hooton (Jr.)] (જ. 29 માર્ચ 1941, ફિલાડેલ્ફિયા, યુ. એસ. એ.) : એક નવા પ્રકારના પલ્સારની શોધ કે જેને કારણે ગુરુત્વાકર્ષણના અભ્યાસની નવી શક્યતાઓનાં દ્વાર ખૂલ્યાં – તે માટે 1993નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે જૉસેફ ટેલર તથા રસેલ હલ્સને પ્રાપ્ત થયો હતો.
જૉસેફ ટેલર અમેરિકન ખગોળશાસ્ત્રી છે. તેમણે શાળાકીય શિક્ષણ ન્યૂજર્સીની શાળામાંથી મેળવ્યું, જ્યાં તેમની ગણિતની પ્રતિભા બહાર આવી. તે પછી 1963માં હેવરફર્ડ કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવ્યા બાદ 1968માં હાર્વડ યુનિવર્સિટીમાંથી ખગોળવિજ્ઞાનમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ફાઇવ કૉલેજ રેડિયો એસ્ટ્રોનૉમી ઑબ્ઝર્વેટરીના સહ-નિયામક બન્યા.
પલ્સાર એક પ્રકારનો તારો છે, જે વીજચુંબકીય તરંગો ઉત્સર્જિત કરે છે. પ્રથમ રેડિયો પલ્સાર 1968માં જોસેલિન બેલ દ્વારા કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડમાં શોધાયો હતો. જૉસેફ ટેલર વેસ્ટ વર્જિનિયાની રેડિયો એસ્ટ્રોનૉમી વેધશાળામાં જોડાયા, જ્યાં તેમણે પલ્સારની શોધમાં અગત્યનો ભાગ ભજવ્યો. 1974માં ટેલર અને હલ્સે યુગ્મ તારાઓમાં પ્રથમ વખત પલ્સારની શોધ કરી. ગુરુત્વાકર્ષણ વિકિરણના ઉત્સર્જનને કારણે યુગ્મ તારાઓ ક્રમશઃ સંકોચાતા હોય છે. આઇન્સ્ટાઇનના વ્યાપક સાપેક્ષવાદના સિદ્ધાંતથી સંકોચનના દરનું અનુમાન અથવા ગણતરી કરી શકાય છે, જેને કારણે ગુરુત્વાકર્ષણ વિકિરણના અસ્તિત્વને સમર્થન મળ્યું. 1980માં જૉસેફ ટેલરે પ્રિન્સટન યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક અને તે પછી અધ્યક્ષનું પદ પ્રાપ્ત કર્યું. 2006માં તેઓ નિવૃત્ત થયા.
1980માં તેમને અમેરિકન ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટી દ્વારા હાઈનમૅન હેન્રી ડ્રેપર ચંદ્રક તથા 1991માં આલ્બર્ટ આઇન્સ્ટાઇન ચંદ્રક પ્રાપ્ત થયા. 1992માં વુલ્ફ ઇનામ તથા 1995માં ગોલ્ડન પ્લેટ પુરસ્કારથી બહુમાન થયું.
2006માં જૉસેફ ટેલરની નિવૃત્તિ સમયે, તેમના નામ પરથી એક સૂક્ષ્મ ગ્રહ (એસ્ટરોઇડ) – ‘જૉટેલર’નું નામકરણ થયું.
પૂરવી ઝવેરી