ટેફ્રોસીઆ : વનસ્પતિના દ્વિદળી વર્ગના કુળ ફેબેસી(લેગ્યુમિનોઝી)-ના ઉપકુળ પેપિલિયોનેસીની પ્રજાતિ. સમગ્ર વિશ્વમાં તેની 100 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી ભારતમાં 35 જેટલી જાતિઓ નોંધાયેલી છે. તે ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિસ્તરેલી છે.
Tephrosia candida DC. (ધોળો શરપંખો) કુમાઉં-ગઢવાલ હિમાલયમાંથી પ્રાપ્ત થાય છે. તે ક્ષુપ સ્વરૂપની હોય છે. તેનાં પર્ણો સંયુક્ત અને રોમિલ હોય છે. તેનાં પુષ્પો સફેદ હોય છે, અને શિંગ 2.0 સેમી. લાંબી તેમજ તલસ્થભાગેથી વળેલી હોય છે, જેમાં 10થી 15 બીજ આવેલાં હોય છે. તેનાં પ્રકાંડ, પર્ણો, છાલ અને બીજમાં રોટેનોઇડ્ઝ નામનું ઝેરી કીટનાશક રસાયણ હોય છે. પર્ણ, પ્રકાંડ અને મૂળનો નિષ્કર્ષ Brevicoryne brassicae(કોબીજ, ફૂલકોબી પર થતી જીવાત)નો અનુક્રમે 6.62 %, 9.65 % અને 81.25 % નાશ કરે છે.
T. lanceolata, Grah. ex Wight & Arn. નિમ્નક્ષુપ સ્વરૂપીય જાતિ છે. તેનાં મૂળની છાલ લેન્સીઓલેટિન A, B અને C નામનાં સ્ફટિકમય ઝેરી રસાયણ ધરાવે છે, જે કીટનાશક હોય છે.
T. pumila (Lam.) Pers. 75 સેમી. ઊંચી, બહુવર્ષાયુ નિમ્નક્ષુપ જાતિ છે. પર્ણિકાઓ 9થી 13, પુષ્પો ચળકતાં ગુલાબી રંગનાં, શિંગ 2થી 3 સેમી. લાંબી, ચપટાં બીજવાળી. તેના મૂળમાંથી ત્રણ સ્ફટિકમય રાસાયણિક પદાર્થો મેક્સિમા A, મેક્સિમા B અને મેક્સિમા (C23H22O6) મળી આવે છે. ઉપરાંત તેમાં પુરપુરેનીન B (C23H17O7) અને પુરપુરેનીન A (C21H18O7) અલ્પ પ્રમાણમાં હોય છે. તે ઝેરી પદાર્થો છે અને કીટનાશક તરીકે ઉપયોગી છે. શાકભાજીની નાની જીવાતનો તે નાશ કરે છે.
T. purpurea (Linn.) Pers. (જંગલી ગળી, શરપંખો) નિમ્નક્ષુપ જાતિ છે. પર્ણિકાઓ 9થી 13 જોડ, પુષ્પો ચળકતાં ગુલાબી કે જાંબલી રંગનાં, શિંગ 4થી 7 બીજ ધરાવે છે. સમગ્ર વનસ્પતિમાં પ્રોટીન અને પોટૅશિયમનું વધારે પ્રમાણ હોવાથી લીલા ખાતર તરીકે ઉછેરવામાં આવે છે. આ વનસ્પતિ બલ્ય, રેચક, કફઘ્ન, રક્તશોધક અને હૃદયોત્તેજક છે. કફ અને પિત્તજ્વર પર મૂળનો ઉકાળો અકસીર છે. યકૃત અને મૂત્રપિંડના સોજામાં, લોહીવિકારમાં, કૃમિનાશક અને બરોળઉત્તેજક તરીકે ઉપયોગી છે. કુમળાં પર્ણોનો ઉકાળો કમળો મટાડે છે. મૂળની છાલ કડવી હોય છે. જૂનું અજીર્ણ, ઝાડા અને કૃમિથી થતી ચૂંક પર તે અકસીર છે. તે અપચામાં અને પાચનતંત્રના વિકારોમાં ઉપયોગી છે. છાલના ભૂકાનો કાનની બહેરાશ અને દુખાવામાં ઉપયોગ થાય છે. મૂળમાંથી બનાવેલ લિનિમેંટ તેલ હાથીપગામાં ઉપયોગી છે. શૂષ્ક મૂળના ભૂકાનું ધૂમ્રપાન કફ અને પિત્તનાશક છે. બીજમાંથી નીકળતું તેલ ખસ, ખૂજલી, દરાજ અને ખરજવા જેવા ચર્મરોગો પર ઉપયોગી છે.
T. villosa (Linn.) Pers. (રૂંછાળો શરપંખો) નિમ્નક્ષુપ જાતિ છે. તે પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. પર્ણિકાઓ 11થી 19 અને સફેદ રેશમી રોમ વડે ગાઢ રીતે આવરિત હોય છે. પુષ્પો ચળકતાં જાંબલી કે આછા ગુલાબી રંગનાં, શિંગ 6થી 9 બીજવાળી, મૂળમાંથી રોટેનોઇડ નામનું કીટનાશક રસાયણ મળી આવે છે.
T. vogelii Hook. f. (fish poison-bean) આફ્રિકાની મૂલનિવાસી જાતિ છે. આ બહુવર્ષાયુ નિમ્નક્ષુપને ચાના બગીચામાં આવરણ-ફસલ (cover-crop) તરીકે ઉગાડવામાં આવે છે. પર્ણો, ફળ અને બીજમાં નાઇટ્રોજન ભરપૂર હોવાથી લીલા ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પર્ણો અને બીજને છૂંદીને તેનો કીટનાશક તરીકે ઉપયોગ થાય છે. તેની છાલ, શિંગ અને કુમળાં પર્ણોનો ઉકાળો આદિવાસી પ્રજા ગર્ભપાત કરવા પિવડાવે છે.
ગુજરાતમાં T. apollinea, Lamk.; T. collina var. lanuginocarpa, Sharma.; T. hamiltonii, Drumm; T. jamnagarensis, Santa.; T. pauciflora, Grah; T. strigosa (Dalz.) Santa & Mahe.; T. tinctoria (Linn) Pers.; T. uniflora (Pers.) subsp. petrosa (Bhatt & Hallb) Gillett & Ali વગેરે મળી આવે છે.
જૈમિન વિ. જોશી