ટૂ ટૂ, ડેઝમંડ (જ. 7 ઑક્ટોબર 1931, ક્લર્ક્સડ્રૉપ, દ. આફ્રિકા) : દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિના પ્રખર વિરોધી તથા તેના શાંતિમય ઉકેલના હિમાયતી પાદરી નેતા. 1984ના શાંતિના નોબેલ પુરસ્કાર વિજેતા. તેમના પિતા શિક્ષક હતા. પોતે પણ થોડાક સમય માટે શિક્ષક થયા પણ એે નોકરી છોડી. તે પછી તેમણે બૉટ્સ્વાના, સ્વિટ્ઝર્લૅન્ડ અને રોમમાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું હતું. હિંસા અને અરાજકતાભરી પરિસ્થિતિમાં રહીને પણ શાંતિમય વિકલ્પની શક્યતા તરફ દોરી જવાના પ્રયાસની પહેલ તેમણે કરી હતી. સત્ય, ન્યાય અને સમજાવટનો આશરો લઈને તેમણે રંગભેદવિરોધી આંદોલન ચલાવ્યું. માત્ર ત્યાંની સ્થાનિક પ્રજા પૂરતા જ નહિ પણ ગોરા લોકો માટે તેમજ વિશ્વના તમામ સંસ્કૃત સમાજ માટે કોઈ પણ સમસ્યાનો શાંતિમય વિકલ્પ હોઈ શકે તે તેમણે સિદ્ધ કર્યું. તેમનું સમગ્ર જીવન ન્યાય અને સ્વાતંત્ર્ય માટેની મથામણભર્યું રહ્યું છે. જોહાનિસબર્ગમાં જે શાળામાં તે શિક્ષક હતા તેમાં સરકારે સ્થાનિક બાન્ટુ પ્રજા માટે રંગભેદયુક્ત હલકા દરજ્જાની શિક્ષણપ્રથા અમલમાં મૂકી તેના વિરોધમાં તેમણે શાળાની નોકરી છોડી. પોતે પાદરી બની શકે તો દેશબાંધવોની વધુ સેવા કરી શકશે એવા આશયથી તેમણે દક્ષિણ આફ્રિકા અને પછી લંડનની કિંગ્ઝ કૉલેજમાં અભ્યાસ કરીને થિયૉલૉજીમાં ઉચ્ચ પદવી લીધી અને પછી ખ્રિસ્તી ધર્મગુરુ તરીકે પંથની સેવામાં જોડાયા.
દક્ષિણ આફ્રિકાની કાઉન્સિલ ઑવ્ ચર્ચીઝ(ધર્મગુરુ-સમિતિ)ના એ પ્રથમ સ્થાનિક અશ્વેત નિર્દેશક નિમાયા. આ સ્થાન પરથી તેમણે રંગભેદનો વિરોધ કરનારી મહત્વની ભૂમિકા બજાવી. દક્ષિણ આફ્રિકામાં તે સમયે પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે ચર્ચ મૂક રહી શકે નહિ અને ચર્ચ દ્વારા રાજકીય મોરચે અસરકારક ભૂમિકા નિભાવવી જ રહી એેમ તેમણે ભારપૂર્વક કહ્યું. જોકે તે પક્ષીય રાજનીતિ ન હોઈ શકે. તેમણે તેને નૈતિક મૂલ્યોની રાજનીતિ કહી. કેવળ મકાઈના ભૂસા પર બેઘર, બેહાલ જીવનની દશા ભોગવતા દક્ષિણ આફ્રિકાના ત્રણ કરોડ લોકોને ન્યાય અને લોકશાહીની મંજિલ તરફ લઈ જવાની રાજનીતિ એ જ તેમનું મુખ્ય ધ્યેય હતું. દક્ષિણ આફ્રિકાની પ્રજાને પોતાના જ વતનમાં ગોરા શાસકોની નીતિએ નક્કી કરી આપેલ અલાયદી વસાહતોમાં તમામ સુવિધાઓથી વંચિત જીવન જીવવા મજબૂર કરવામાં આવી હતી. પરિણામે ત્યાંની અશ્વેત પ્રજા રોગ અને કુપોષણના વિષચક્રમાં રિબાવા લાગી. એ અશાંતિ અને હિંસાભરી અરાજકતા તથા અસલામત હાલતનો ભોગ બની ચૂકી હતી. આવા સંજોગોમાં દેશમાં શાંતિ કે સ્થિરતા અસંભવ હતી. ન્યાય વડે જ શાંતિ શક્ય છે. દક્ષિણ આફ્રિકામાં જ નહિ, પરંતુ જગતભરમાં શાંતિ માટેની આ પૂર્વશરત છે. દક્ષિણ આફ્રિકાની રાજનીતિ બદલવા માટે સરકાર તરફ ખાસ કરીને આર્થિક મોરચે વિશ્વમતનું દબાણ વધે તો જ તે રાષ્ટ્રીય આગેવાનો સાથે શાંતિવાર્તા કરવા મજબૂર બને તેમ છે, એ વાત ડેઝમંડ ટૂ ટૂએ જગત સમક્ષ બુલંદ સ્વરે કરી. રંગભેદ સામેની લડતમાં અહિંસા વડે શાંતિમય માર્ગે ડેઝમંડ ટૂટૂએ આપેલ નેતૃત્વનો ફાળો નોંધપાત્ર ગણાયો.
જોહાનિસબર્ગ ચર્ચના ડીન (1975) તરીકે, બિશપ ઑવ્ લેસોટો (1976) તથા બિશપ ઑવ્ જોહાનિસબર્ગ (1984) તરીકે તેમણે કાર્ય સંભાળ્યું હતું. 1986માં તેઓ કેપટાઉનના આર્ચબિશપ નિમાયા. આ પદ ધરાવનાર તેઓ પ્રથમ અશ્વેત છે. આ પદની રૂએ તેઓ દક્ષિણ આફ્રિકા, નામિબિયા, મોઝામ્બિક, સ્વાઝીલૅન્ડ તથા લેસોટો ખાતેના અગ્લિકન ચર્ચના વડા ગણાતા. જૂન, 1996માં તેઓ આ પદ પરથી નિવૃત્ત થયા છે. યુરોપ અને અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓ અને ટોચની સંસ્થાઓ તરફથી તેમને માનાર્હ ડૉક્ટરેટની પદવીઓ અને બહુમાનદર્શક સભ્યપદ એનાયત થયાં. તેમનાં પ્રકાશનોમાં ‘ક્રાઇંગ ઇન ધ વિલ્ડરનેસ’ (1982), ‘હોપ ઑવ્ સફરિંગ’ (1993) તથા કેટલાક લેખો અને અવલોકનો છે.
રંગભેદવિરોધી ચળવળના નેતૃત્વ માટે તેમને 1984નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
સાધના ચિતરંજન વોરા