ટૂફા : નદીજળ અને ગરમ ઝરાના જળના બાષ્પીભવનમાંથી અવક્ષેપિત થઈને તૈયાર થતો છિદ્રાળુ, કોટરયુક્ત, વાદળી જેવો (spongy) ચૂનાખડક. તેને ચૂનાયુક્ત સિન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્યપણે અતિસંતૃપ્ત જળમાંથી અવક્ષેપિત થઈને કૅલ્શિયમ કાર્બોનેટ ઝરાઓ અને જળસંચયસ્થાનોની આસપાસ ઊગતા છોડની ડાળીઓ અને પાંદડાં ઉપર જામે છે, પરંતુ છોડની સંરચનાને અમુક પ્રમાણમાં જાળવી પણ રાખે છે. ટૂફા ચૂર્ણશીલ, વિભાજનશીલ હોય છે. તે મર્યાદિત પ્રમાણમાં મળે છે અને નૂતન ભૂસ્તરીય (પ્લાયસ્ટોસીન કે અર્વાચીન) વયના ખડકોમાં જ મળે છે.
ગિરીશભાઈ પંડ્યા