ટી-વૃષભ તારકવૃંદ (T Tauri stars) : તારાઓના વિકાસક્રમની આરંભિક અવસ્થામાં રહેલા અને જેમાં સંકોચન(contraction)ની પ્રક્રિયા હજુ ચાલુ છે એવા અનિયમિત રૂપવિકાર દાખવતા અત્યંત યુવાન વર્ગના તારા. ‘ટી-વૃષભ તારકવૃંદ’ પ્રકારના આ તારકોનું નામ આ તારક વર્ગની વિશિષ્ટતા ધરાવતા સૌથી પ્રથમ વૃષભ તારા-મંડળમાં મળી આવેલા ‘ટી’ નામના તારા પરથી આપવામાં આવેલું છે.
લગભગ સૂર્ય સમાન દળ (mass) ધરાવતા આ તારામાંથી પ્રકાશ ઉત્સર્જિત થાય છે. પરંતુ હજુ સુધી તે તારા તાપમાનના ફલન તરીકે તારાકીય તેજસ્વિતા(stellar luminosity)ને દર્શાવતી હર્ટ્ઝસ્પ્ંરગ-રસેલ આકૃતિ. જુઓ : રંગીન આકૃતિમાંની મુખ્ય શ્રેણી (main sequence) તરીકે ઓળખાતી સાંકડી પટ્ટી (band) ઉપર પહોંચ્યા નથી. આ આકૃતિમાં આ પ્રકારના તારાનું સ્થાન પ્રમુખ શ્રેણીની ઉપર જમણી બાજુએ સહેજ નીચેની તરફ આવેલું છે.
સૂર્ય તેની યુવાનીના પ્રારંભિક તબક્કે આ જ અવસ્થામાંથી પસાર થયો હોવાનું માનવામાં આવે છે. આ તારા ટી-વૃષભીય અવસ્થા દરમિયાન સંકોચાતા જઈને પ્રમુખ શ્રેણી તરફ જતા હોય છે ત્યારે તેમાંથી તારકીય વાયુ (stellar wind) રૂપે પુષ્કળ પ્રમાણમાં દ્રવ્ય ચારે તરફ ફંગોળાય છે. ખગોળશાસ્ત્રીઓ માને છે કે આ રીતે અથવા તો કોઈ અન્ય કારણસર એમાંથી ફંગોળાતા દ્રવ્ય વડે આપણા સૂર્યની પ્રારંભિક અવસ્થામાં જેવી રીતે ગ્રહો બન્યા હતા તેવી જ રીતે, આ તારાઓની ફરતે ગ્રહો બનતા હોવા જોઈએ.
અનિયમિત પ્રકાશિતતા એ આ તારાઓની વિશિષ્ટતા છે. તેઓ સામાન્ય રીતે દ્રાક્ષની લૂમની જેમ પરંતુ છૂટા છૂટા સમૂહમાં અથવા તો તારક-સંગઠનના રૂપમાં આવેલા હોય છે. તેથી આવી રીતે તારક-સંગઠન બનાવતા ટી-વૃષભ તારકોને ‘ટી-તારાવૃંદ’ (T association) કહે છે.
તેમની બીજી વિશિષ્ટતા એ છે કે તે બધા આંતરતારકીય વાયુ અને ધૂલિકણોથી બનેલાં વાદળો એટલે કે, નિહારિકા (nebula) સાથે સંકળાયેલા છે. મૃગતારામંડળમાં આવેલી મૃગનિહારિકા (Orion nebula) આનું ઉદાહરણ છે, જેમાં આ પ્રકારના સંખ્યાબંધ તારાઓ આવેલા છે. આવી રીતે, નિહારિકામયતા (nebulosity) સાથે સંકળાયેલા આ વર્ગના યુવાન રૂપવિકારી ટી-વૃષભીય તારકોને ‘મૃગ-રૂપવિકારી’ (Orion-variables) એવા અલગ પ્રકારમાં પણ મૂકવામાં આવે છે.
ટી-વૃષભ તારકવૃંદના તારાઓનો વર્ણપટ (spectra) સામાન્ય રીતે F, G અથવા K પ્રકારનો હોય છે.
તેમના તેજમાં થતા ફેરફારો કે વધઘટ માટે તેના વાતાવરણમાં થતી તીવ્ર સક્રિયતા ઉપરાંત, તેની ચોપાસ એકત્ર થતાં વાયુ-ધૂલિનાં વાદળોનું આવરણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
આજ સુધી અંદાજે 500થી પણ વધુ ટી-વૃષભીય તારકોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તેઓ પારરક્ત (infrared) વિકિરણનું ઉત્સર્જન કરતા જણાયા છે. સર્પધર તારામંડળ(Ophiuchus)માંના ધૂલિવાદળમાં પારરક્ત વિકિરણનું તીવ્ર ઉત્સર્જન કરતા સંખ્યાબંધ ટી-વૃષભીય તારકો મળી આવ્યા છે.
આ તારાઓમાં રેડિયો-ઍક્ટિવ લિથિયમ તત્વનું પ્રમાણ ઘણું ઊંચું જણાયું છે. નવનિર્મિત તારા સાથે ક્યારેક વિલક્ષણ નિહારિકાભ (nebulous) પદાર્થો સંકળાયેલા જોવા મળે છે. આવા પદાર્થોની શોધ 1946–47માં અમેરિકાના જ્યૉર્જ હર્બિગ અને મેક્સિકોના ગ્વિલર્મો હૅરો નામના ખગોળશાસ્ત્રીએ કરેલી, એ પરથી તેમને ‘Herbig-Haro object’ (HH object) કહે છે. ટી-વૃષભ તારકોના સાન્નિધ્યમાં આવા પદાર્થો જોવા મળ્યા છે. તેવી જ રીતે, વાયુની પ્રધાર (jet) પણ જોવા મળે છે. આ તારાઓ સાથે ક્યારેક એમનો સાથીદાર તારો પણ જોવા મળે છે, જે વચમાં વધુ નાનો હોય છે.
આલ્ફ્રેડ હૅરિસન જૉય (1882–1973) નામના અમેરિકાના ખગોળશાસ્ત્રીએ 1945માં આ તારાઓ અંગે કેટલાંક મહત્વનાં સંશોધનો કર્યાં, પરંતુ ટી-વૃષભ તારકવૃંદના સમગ્ર તારકોનું પ્રતિનિધિત્વ કરતો અદલ નમૂનો (prototype) શોધવાનું માન જ્હૉન રસેલ હિંડ નામના ઇંગ્લૅન્ડના એક ખગોળશાસ્ત્રીને ફાળે જાય છે. તેમણે આ પ્રકારનો તારો છેક 1852માં વૃષભ (Taurus) તારામંડળમાં શોધી કાઢ્યો હતો; એટલું જ નહિ, આ તારાનો રૂપવિકાર અનિયમિત છે અને એની સાથે એક નિહારિકા સંકળાયેલી છે એવું પણ તેમણે શોધી કાઢેલું. આ નિહારિકા સ્વયંપ્રકાશિત ન હતી, પણ આ તારાના પ્રકાશને પરાવર્તિત કરીને ચળકતી હતી. આથી લાંબા સમયના ગાળે ક્યારેક દેખાયા પછી પાછી અશ્ય થઈ જતી હતી. આમ, પેલા તારાની જેમ એ પણ અનિયમિત રૂપવિકાર દાખવતી હતી. આ નિહારિકાને એના શોધકના નામ પરથી ‘હિંડ’ની રૂપવિકારી નિહારિકા (Hind variable nebula) કહે છે. ઝાંખો તારો ‘ટી-ટૌરી’ (T-Tauri) એ વૃષભ (Taurus) તારામંડળમાં આવેલો ‘ટી-વૃષભીય’ તરીકે ઓળખાય છે. નિહારિકા સાથે સંકળાયેલા અને રૂપવિકાર દાખવતા આ પ્રકારના અત્યંત યુવાન તારાઓ બીજાં તારામંડળોમાં પણ મળી આવેલા છે. એ બધાને ‘ટી-વૃષભ તારકો’ કે પછી ‘ટી-વૃષભીય તારા’ (T Tauri stars) તરીકે ઓળખવામાં આવે છે.
સુશ્રુત પટેલ