ટીવાણા, મનજિત (જ. 1947, પતિયાળા, પંજાબ) : પંજાબનાં જાણીતાં કવયિત્રી. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઊણીંદા વર્તમાન’ માટે 1990નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેમણે અંગ્રેજી અને માનસશાસ્ત્ર સાથે અનુસ્નાતક ઉપાધિ મેળવી છે. તેમણે 1973માં અભિનય અને દિગ્દર્શનમાં ડિપ્લોમા કર્યો હતો. સર્જનાત્મક લેખનની પ્રક્રિયાના વિષય પર મહત્વપૂર્ણ મહાનિબંધ લખીને 1984માં મનોવિજ્ઞાનમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. હાલ તેઓ રાજકીય મહિલા યુનિવર્સિટી, ચંડીગઢમાં મનોવિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળે છે.
તેમનું પ્રથમ કાવ્ય 16 વર્ષની કિશોરાવસ્થામાં ‘નાગમણિ’ નામના સામયિકમાં પ્રગટ થયેલું. અત્યાર સુધીમાં તેમના 7 કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે, તેમાં ‘ઇલહામ’, ‘ઇલજામ’ અને ‘ઊણીંદા વર્તમાન’(1987)નો સમાવેશ થાય છે. ‘જિન પ્રેમ કિયૉ’ એમનો કાવ્યસંગ્રહ છે. આ ઉપરાંત તેમણે ‘સાવિત્રી’(1984) નામનું મહાકાવ્ય અને ‘સતમંજિલા સમુંદ’ નામની નવલકથા પણ લખ્યાં છે. 1999નો શિરોમણિ પંજાબ કવિ પુરસ્કાર તેમને મળ્યો છે.
તેમની પુરસ્કૃત કૃતિ 24 કાવ્યોનો સંગ્રહ છે – તે અનુભૂતિ તથા વિચારોની માર્મિકતા અને લલિત અભિવ્યક્તિને કારણે ઉલ્લેખનીય છે. તેમાં તેમણે જીવંત પ્રતીકો દ્વારા સાધારણનું અસાધારણ અનુભવમાં રૂપાંતર કર્યું છે. ભાષાનો સક્ષમ પ્રયોગ, તીવ્ર કલ્પનાશક્તિ અને સૂક્ષ્મ ભાવનાઓની સંવેદનશીલ અભિવ્યક્તિને લીધે આ કૃતિ પંજાબી કવિતામાં એક મહત્વનું પ્રદાન લેખાય છે.
બળદેવભાઈ કનીજિયા