ટીકોમા : વનસ્પતિના દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી કુળની પ્રજાતિ. તે ઉષ્ણ કટિબંધમાં થતી કાષ્ઠમય આરોહી ક્ષુપ અને વૃક્ષ સ્વરૂપ જાતિઓ ધરાવે છે. T. leucoxylon, Mart. ઉષ્ણ કટિબંધીય અમેરિકાનું વૃક્ષ છે.
Tecoma grandifloraને કેસરી રંગનાં નલિકાકાર કે નિવાપ આકારનાં મોટાં પુષ્પો અગ્રસ્થ કલગી સ્વરૂપે આવે છે, મોટેભાગે વસંત ઋતુમાં પણ ક્યારેક વહેલાંમોડાં પણ ખરાં. પ્રકાંડ ગાંઠ પરથી અસ્થાનિક શ્લેષી મૂળ ઉત્પન્ન થાય છે જેથી તે ભીંત ઉપર કે બીજા વૃક્ષના પ્રકાંડ ઉપર ચીપકી રહે છે. આ જાતિ નખવેલ તરીકે પણ ઓળખાય છે. પર્ણ મધ્યમ કદનાં થાય છે. મૂળમાંથી નીકળતા પીલા દ્વારા વંશવૃદ્ધિ થાય છે.
T. roseas Bertol (Tabebuia rosea DC) લગભગ ઉપર પ્રમાણે પણ પુષ્પ ગુલાબી રંગનાં આવે છે.
T. jasminodes : લગભગ ઉપર પ્રમાણે પણ પુષ્પ સફેદ રંગનાં, મોટેભાગે બારેમાસ. પર્ણ ઘેરા લીલા રંગનાં. આ જાતને ઉગાડવામાં શરૂઆતમાં બહુ ધ્યાન રાખવું પડે છે.
T. stans : 2થી 3 મી. ઊંચા થતા આ ટટ્ટાર ક્ષુપ કે નાના વૃક્ષને નિવાપ આકારનાં મધ્યમ કદનાં પીળાં પુષ્પ, અગ્રસ્થ સંયુક્ત કલગી સ્વરૂપે લગભગ બારે માસ આવે છે અને સમગ્ર વનસ્પતિ ફૂલથી ભરાઈ જાય છે. સાધારણ કાળજીથી પણ તે ઊછરી શકે છે.
T. gaudi chaudi : આ જાતિ ઉપરનાને લગભગ મળતી જ છે, પણ તે થોડી ઊંચી થાય છે. ટી. સ્ટેન્સનો ફેલાવો આના કરતાં થોડો વધારે ખરો. પુષ્પવિન્યાસ ઉપરના કરતાં સહેજ મોટો થાય છે.
T. capensis : 2.5 મી. ઊંચા થતા આ ક્ષુપનું પ્રકાંડ આરોહી હોય છે. કેસરી ગુલાબી રંગનાં નલિકાકાર કે નિવાપ આકારનાં નાનાં નાનાં પુષ્પ લગભગ બારે માસ જોવા મળે છે. અવારનવાર કાપીને છોડ તરીકે સારી રીતે ઉછેરી શકાય છે.
T. radicans (તિલોત્તમા) : તે લાંબી, આરોહી, પર્ણપાતી ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. આરોહણ અસ્થાનિક મૂળ દ્વારા કરે છે. શાખાઓ જમીનને જ્યાં સ્પર્શે ત્યાં મૂળ ઉત્પન્ન કરે છે. પુષ્પો ચકચકિત લાલ હોય છે અને લગભગ બારે માસ આવે છે. તેને અંગ્રેજીમાં cape honeysuckle કે trumpet vine કહે છે.
મ. ઝ. શાહ