ટીંડોરીની ફૂદી : ઇયળ-અવસ્થા દરમિયાન ટીંડોરી, પરવળ, કારેલાં, કાકડી, દૂધી અને બીજાં કુકરબીટેસી કુળના વેલાવાળાં શાકભાજીના પાકમાં નુકસાન કરતી ફૂદી. Diaphenia indica એવું શાસ્ત્રીય નામ ધરાવતી આ ફૂદીનો સમાવેશ શ્રેણી રોમપક્ષ (Lepidoptera)ના pyrellididae કુળમાં કરવામાં આવે છે. આ ફૂદીની પાંખો દૂધિયા સફેદ રંગની અને પાંખોની કિનારી આછા તપખીરિયા રંગની હોય છે. માદા ફૂદીના ઉદરપ્રદેશના છેડે નારંગી રંગના વાળનો ગુચ્છો હોય છે. માદા ફૂદી પાન ઉપર છૂટાંછવાયાં અથવા જથ્થામાં 375 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાંનું 3થી 6 દિવસમાં સેવન થતાં તેમાંથી નીકળતી નાની ઇયળો શરૂઆતમાં પાન પરનો નીલકણો(chloroplasts)નો ભાગ કોરીને ખાય છે. ઇયળો શરીર ઉપર ચળકાટ મારતી, લીલા રંગની, સુંવાળી અને સમાંતર બે સફેદ રેખાઓ ધરાવે છે. તે ખૂબ જ ચપળ હોય છે. આ ઇયળો મોટી થતાં પાન વાળી દઈ તેમાં ભરાઈ રહીને પાન ખાય છે. કેટલીક વખત તે ફૂલના અંડાશય (ovary) અને નાનાં કુમળાં ફળને પણ કોરી ખાઈને નુકસાન કરે છે. ઇયળથી નુકસાન પામેલાં ફૂલમાં ફળ બેસતાં નથી અને નુકસાન પામેલ ફળ શાકભાજી માટે યોગ્ય રહેતાં નથી. ઇયળો 9થી 14 દિવસમાં પુખ્ત થતાં પાનની ગડીમાં રેશમના તાંતણાના કોશેટા બનાવે છે. 5થી 13 દિવસ થતાં કોશેટા અવસ્થામાંથી ફૂદાં બહાર આવે છે. તે 3થી 7 દિવસ જીવતાં હોય છે.
આ જીવાતના નિયંત્રણ માટે ઉપદ્રવની શરૂઆતમાં ઇયળોને હાથથી વીણી લઈ તેનો નાશ કરાય છે. એપેન્ટેલીસ ઇયળ ઉપર પરજીવી તરીકે નોંધાયેલ છે. ઉપદ્રવ વધુ હોય તો કાર્બારિલ 50 % વે. પા. 40 ગ્રામ અથવા ઍન્ડોસલ્ફાન 35 ઈ.સી, 20 મિલિ, અથવા ક્વિનાલફૉસ 25 ઈ.સી. 20 મિલિ. અથવા મોનોક્રોટોફસ ડબલ્યુ. એસ.સી. 10 મિલિ. 10 લિટર પાણીમાં મિશ્રણ બનાવી છંટકાવ કરવાથી કાબૂમાં લેવાય છે.
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ
પરબતભાઈ ખી. બોરડ