ટાયકોનો નોવા : ડેનમાર્કના ખગોળશાસ્ત્રી ટાયકો બ્રાહી(1546–1601)એ ઈ. સ. 1572ના નવેમ્બરની 11મી તારીખે સાંજે સૂર્યાસ્ત પછી લગભગ મધ્ય આકાશમાં આવેલા શર્મિષ્ઠા તારામંડળ-(Cassiopeia)માં જોયેલો એક ‘નોવા’ અર્થાત્, ‘નવો તારો’. શર્મિષ્ઠા તારામંડળના આલ્ફા, બીટા અને ગૅમા તારાઓની ઉત્તરે કૅપા નામે એક અત્યંત ઝાંખા તારાની નજીકમાં જ્યાં અગાઉ કોઈ તારો ન હતો ત્યાં એકાએક દેખા દેતા પ્રકાશિત તારાએ ટાયકોનું ધ્યાન આકર્ષિત કર્યું. જોકે આ રીતે પ્રગટેલો આ ‘નવો તારો’ શોધનાર એ કાંઈ પહેલો યુરોપવાસી ન હતો. ફ્રાન્સિસ્કો મોરોલિકો નામના સિસિલીના એક ગણિતશાસ્ત્રીએ 1572ની 6 નવેમ્બરના રોજ એ જોયો હોવાનું નોંધ્યું; એટલું જ નહિ, એના સ્થાનની પણ ચોકસાઈપૂર્વક નોંધ કરી. એ જ તારીખે વિટનબર્ગના શુલરે પણ એ જોયાનું નોંધ્યું છે. જોકે આ બંનેની પણ પહેલાં એટલે કે 2 નવેમ્બરે હાયરોનીમસ મ્યુગ્નોઝ નામના સ્પેનના દાર્શનિક – ખગોળશિક્ષકે પણ એ જોયો હોવાનો પાછળથી દાવો કર્યો. એટલે આ ‘નવા તારા’ની ઘટનાનો આરંભ 1572ના નવેમ્બરની બીજીથી છઠ્ઠી તારીખની વચ્ચે થયો હોવાનું માની શકાય. એ પછીના દિવસે તો યુરોપની અનેક જાણીતી વ્યક્તિઓએ અને ઇંગ્લૅન્ડના ટૉમસ ડિગસ નામના ખગોળશાસ્ત્રી સહિત અન્ય વૈજ્ઞાનિકોએ પણ આ ઘટનાને ‘નજરે’ નિહાળી. ‘નજરે’ એટલા માટે કે એ કાળે આકાશી નિરીક્ષણો નરી આંખે જ થતાં હતાં; ટેલિસ્કોપની શોધ હજુ થઈ ન હતી.
ટાયકોએ આરંભમાં આ ‘નવા તારા’ને જોયો ત્યારે એ શુક્રના ગ્રહ કરતાં થોડો વધુ તેજસ્વી હતો અને દિવસના ઉજાસમાં પણ જોઈ શકાતો હતો. એ પછી તે ધીમે ધીમે ઝાંખો થતો જઈને માર્ચ, 1574માં નરી આંખે દેખાતો બંધ થયો ત્યાં સુધી એટલે કે આશરે 18 મહિના સુધી ટાયકોએ આ દેદીપ્યમાન પિંડને અવલોક્યા કર્યો.
આના અવલોકનમાં ટાયકોએ ષષ્ઠક (sextant) જેવાં જાતે બનાવેલાં કેટલાંક ઉપકરણોનો પણ ઉપયોગ કર્યો અને એના બદલાતા રંગ તથા કાંતિવર્ગ(magnitude)માં થતાં સૂક્ષ્મ પરિવર્તનો પારખીને એની યોગ્ય નોંધ કરી. આ ઉપરાંત, એણે એક બીજું પણ અતિ મહત્વનું નિરીક્ષણ કર્યું. ઍરિસ્ટોટલ(ઈ. સ. પૂ. 384–322)ના સમયથી ગ્રીકો તથા પશ્ચિમના વૈજ્ઞાનિકો માનતા આવ્યા હતા કે આકાશ ક્ષતિ કે ખોડખાંપણ વિનાનું – પરિપૂર્ણ અને અપરિવર્તનશીલ છે, જ્યારે પૃથ્વી અપૂર્ણ છે. આકાશમાં કશુંક પણ બદલાતું જણાય અથવા કોઈ પિંડ જ્ઞાત ગતિથી અલગ ચાલ ચાલે તો એ પિંડ અપૂર્ણ એવી પૃથ્વીના વાતાવરણમાં આવેલો હોવો જોઈએ. આમાં વાદળો, ખરી પડતા તારાઓ (ઉલ્કાઓ) અને ધૂમકેતુઓનો સમાવેશ થતો હતો. આ માન્યતાને આધારે આ ‘નવો તારો’ પણ સ્થાયી એવો આકાશનો નહિ, પરંતુ અસ્થાયી એવા પૃથ્વીના વાતાવરણમાં એટલે કે ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે આવેલો હોવો જોઈએ.
ટાયકોએ અઢાર મહિના સુધી કરેલાં આ પિંડનાં સૂક્ષ્મ માપનોએ દર્શાવી આપ્યું કે ‘નિશ્ચલ તારાઓ’ (fixed stars) વચ્ચે એની સ્થિતિ પણ નિશ્ચલ કે સ્થિર હતી. એ કોઈ ધૂમકેતુ જેવો ખસતો પિંડ ન હતો. એ કેટલો દૂર આવેલો છે તે જાણવા માટે ટાયકોએ ઈ. સ. પૂ. બીજી સદીમાં થઈ ગયેલા ખગોળશાસ્ત્રી હિપાર્કસે ચંદ્રનું અંતર જાણવા માટે પ્રયોજેલી ભેદાભાસ કે સ્થાનભેદ અથવા તો લંબન (parallax) જેવી એક સરળ યુક્તિ પ્રયોજી. એણે જોયું કે દૂરસુદૂરનાં સ્થાનોએથી નિહાળતાં આ ‘નવા તારા’ની પશ્ચાદભૂમિકાના સંદર્ભમાં ‘નવા તારા’માં સહેજ પણ સ્થાનભેદ થતો ન હતો. બીજા શબ્દોમાં કહીએ તો તારાઓમાં એની સ્થિતિ સ્થિર હતી અને તે દૈનિક કે વાર્ષિક લંબન પણ દાખવતો ન હતો. આના પરથી ટાયકોએ અનુમાન કર્યું કે આ ચળકતો પિંડ પૃથ્વીના વાતાવરણની તો શું, સૂર્યમાળાની પણ બહાર એટલે કે ‘નિશ્ચલ તારાઓ’ના પ્રદેશમાં આવેલો હોવો જોઈએ. મતલબ કે ટાયકોના આ પ્રયોગે પ્રાચીન કાળથી ચાલી આવતી ઍરિસ્ટોટલની માન્યતાથી વિરુદ્ધ સાબિત કર્યું કે આકાશમાં પણ પરિવર્તન સંભવી શકે છે.
ટાયકો બ્રાહી સૂક્ષ્મ માપ લેનારો ઉત્તમ વેધકાર અને કુશળ નિરીક્ષક હતો. આ બધાં અવલોકનો 52 પાનાંની એક પુસ્તિકામાં એણે રજૂ કર્યાં. સન 1573માં પ્રસિદ્ધ થયેલી આ પુસ્તિકાનું લૅટિન શીર્ષક હતું : ‘De Nova Stella’ જેનો અર્થ ‘નવા તારાઓને લગતું’ એવો થતો હતો. આ શીર્ષકને કારણે એ પછી જે જે તારા એકાએક તેજનો સ્ફોટ કરતા હતા એમને ‘નોવા’ કહેવાનો શિરસ્તો ચાલુ થયો. ટાયકોએ જોયેલા (પણ શોધેલા નહિ) એવા આ ‘નોવા’નો જે બારીકાઈથી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને એણે અભ્યાસ કર્યો એના કારણે એના માનમાં એને ‘ટાયકોનો તારો’(Tycho’s star) એવું નામ આપવામાં આવ્યું છે.
આજે આપણે જાણીએ છીએ કે ટાયકોએ જોયેલો અને ‘નવો તારો’ માનેલો એ કાંઈ કોઈ નવો તારો (નોવા) ન હતો, પરંતુ હકીકતે તે એક મૃત્યુ પામતા તારાનો છેલ્લો ધબકારો હતો, અને આવું તારણ ટાયકોના એ તેજસ્વી પિંડના સચોટ વર્ણન પરથી જ આજના ખગોળશાસ્ત્રીઓ કરી શક્યા છે. ટાયકોએ જોયેલી આ ઘટના આજે ‘સુપરનોવા’ તરીકે ઓળખાય છે. તારાનો જેમાં વાસ્તવિક નાશ થતો હોય તેવા તારાના પ્રચંડ વિસ્ફોટને ‘સુપરનોવા’ કહેવાય છે. સુપરનોવા એટલે ન્યૂક્લિયર ઈંધણ ખૂટી પડતાં પેદા થતી અસ્થિરતાને કારણે વિસ્ફોટ પામતો તારો. આવા વિસ્ફોટ બાદ પ્રચંડ ઊર્જા પેદા થાય છે.
આ રીતે ‘નોવા’ અને ‘સુપરનોવા’ (supernova) તારા સાથે સંકળાયેલી બે તદ્દન ભિન્ન ઘટનાઓ છે. બંનેમાં તેજનો સ્ફોટ થાય છે, પરંતુ ‘નોવા’ એ એેક પ્રકારના રૂપવિકારી તારા (variable stars) છે અને એમના કાંતિમાનમાં અમુક નિશ્ચિત સમયગાળે વધઘટ થતી રહે છે, જ્યારે ‘સુપરનોવા’માં પ્રચંડ સ્ફોટ થઈને સમૂળગો તારો જ નાશ પામે છે અને એ વખતે ‘નોવા’ કરતાં અત્યંત અધિક તેજનો સ્ફોટ થાય છે. આમ ‘નોવા’ એ તારાનો એક પ્રકાર છે, જેમાં તારો જળવાઈ રહે છે; જ્યારે ‘સુપરનોવા’ એ મરણ પામતો તારો છે. ‘નોવા’ની સરખામણીમાં ‘સુપરનોવા’ બહુ ઓછી સંખ્યામાં જોવા મળે છે.
સામાન્ય રીતે પરમસ્ફોટક(supernova)ના પાંચેક પ્રકારો પાડવામાં આવ્યા છે; પરંતુ, એમાંના મોટાભાગનાને ‘પરમસ્ફોટક I પ્રકાર’ અને ‘પરમસ્ફોટક II પ્રકાર’ એવા બે ભાગમાં વહેંચવામાં આવે છે. ખગોળશાસ્ત્રીઓ માને છે કે ‘ટાયકોનો સુપરનોવા’ સંભવત: I પ્રકારનો હતો. આજે તે સ્થાને મૂળ તારાના કોઈ અવશેષ જોવા મળતા નથી, પરંતુ વિસ્તૃત થતા જતા વાયુના ગોળાકાર કોચલા કે કવચ રૂપે પરમસ્ફોટકના અવશેષ જોવા મળે છે. આ અવશેષ ક્ષ-કિરણો અને રેડિયો-તરંગોના સ્રોત છે. આ અવશેષનો કેટલોક ભાગ એ વિસ્તારની છબીમાં એક નિસ્તેજ નિહારિકા (nebula) રૂપે ઊપસે છે. આ સુપરનોવાના અવશેષ આપણાથી આશરે 20,000 પ્રકાશવર્ષના અંતરે આવેલા છે.
આપણી આકાશગંગા અથવા આપણા તારાવિશ્વ(galaxy)ની આસપાસ આવેલાં તારાવિશ્વોમાં દર વર્ષે આશરે 10 જેટલા સુપરનોવા નોંધાય છે; પરંતુ આપણા તારાવિશ્વની વાત કરીએ તો એમાં આ ઘટના અતિ વિરલ છે. માનવજાતિના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર નવેક જેટલી જ સુપરનોવા ઘટના આપણા તારાવિશ્વમાં નોંધાઈ છે, જેમાંથી ઈ. સ. 1006, 1054, 1572 (ટાયકોનો સુપરનોવા) અને 1604 (કૅપ્લરનો સુપરનોવા)માં જોવા મળેલી ચાર સુપરનોવા ઘટના જ નોંધપાત્ર છે. આ ચારેય ‘સુપરનોવા’ અત્યંત તેજસ્વી હોઈ નરી આંખે દેખાતા હતા અને ટાયકોએ નિહાળેલો 1572નો સુપરનોવા તો ઐતિહાસિક રીતે પણ મહત્વનો છે, કારણ કે જેનો વૈજ્ઞાનિક પદ્ધતિએ રોજેરોજનો અભ્યાસ પૂરા 485 દિવસ સુધી થયો હોય તેવો એ સૌપ્રથમ સુપરનોવા હતો અને એનો યશ મુખ્યત્વે ટાયકો બ્રાહીને ફાળે જાય છે.
સુશ્રુત પટેલ