ટાગોર, ગગનેન્દ્રનાથ

January, 2014

ટાગોર, ગગનેન્દ્રનાથ (જ. 1867; અ. 1951) : બંગાળશૈલીના ચિત્રકાર. રવીન્દ્રનાથ ટાગોરના પિત્રાઈ ભાઈ ગુણેન્દ્રનાથ ટાગોરના તેઓ સૌથી મોટા દીકરા. ભારતીય કલાના ઓગણીસમી સદીના પુનરુત્થાનકાળમાં મહત્વની વ્યક્તિઓમાં ગગનેન્દ્રનાથની ગણતરી થાય છે.

તેમનાં ચિત્રો વિવિધ શૈલીમાં છે. જળરંગોમાં વૉશ ટૅકનિકથી કરેલાં ચિત્રોમાં બંગાળનાં ખેતરો, ગામડાં, નદીઓ, મંદિરો તથા હિમાલયનાં દાર્જિલિંગ, કાલિમ્પોંગ, સિક્કિમ, ભુતાન, શિલોંગ અને કાંચનજંઘા જેવાં સ્થળો જોઈ શકાય છે. ચીન અને જાપાનની યાત્રાથી પાછા આવતાં રવીન્દ્રનાથ ત્યાંથી કેટલાક ચિત્રકારો લેતા આવેલા. તેમને શ્રીનિકેતનમાં પૂર્વીય કલા શીખવવાનું કામ સોંપાયું. આ ચિત્રકારો પાસેથી, ખાસ તો જાપાનના કાકુઝો, ઓકાકુરા પાસેથી ગગનેન્દ્રનાથ જળરંગની વૉશ-ટૅકનિક તથા સુમી ઓ નામની સૂકા પીંછાની ટૅકનિક શીખેલા.

ગગનેન્દ્રનાથે સોનેરી કાગળ પર કાળા રંગ વડે પણ ચિત્રો કર્યાં છે. આ ચિત્રોમાં વિષયોનું વૈવિધ્ય છે : મંદિરો, વૃક્ષો, ગામડાં અને સ્વમુખ. અહીં સોનેરી રંગની તેજસ્વિતા અને ગાઢા કાળા રંગની શ્યામ છટાનું અદભુત સામંજસ્ય જોવા મળે છે. યુવાન પુત્રના અણધાર્યા મૃત્યુનો આઘાત અનુભવી ગગનેન્દ્રનાથ અધ્યાત્મ તરફ વળ્યા અને મહાપ્રભુ ચૈતન્યમાં તેમણે સાંત્વન શોધ્યું. આ સમયે સ્વાભાવિક શૈલીથી કરેલાં જળરંગી ચિત્રોમાં ચૈતન્યના વિવિધ જીવનપ્રસંગો જોવા મળે છે. પછી તે ઘનવાદ (cubism) તરફ વળ્યા. સાચા પરિપ્રેક્ષ્યમાં જોતાં તેમનાં ઘનવાદી ચિત્રો ભૂમિતિપ્રધાન છે. આ ચિત્રો વિવિધ ચોરસ, લંબચોરસ અને ત્રિકોણાકારોમાં વહેંચાયેલાં છે. એમાં ઝડપાયેલાં મકાનની અંદરનાં ર્દશ્યોમાં મકાનની રચનાની ભુલભુલામણી, વિવિધ દાદરા, કઠેડા, ઊંડા બિહામણા ઓરડા, છત, ફરસ તથા એ બધાં પર કોઈ ખૂણેથી પડતો રહસ્યમય પ્રકાશ દેખાય છે. અહીં માનવપાત્રો અનુપસ્થિત હોવાથી ગૂઢ રહસ્યમય લાગણી તીવ્ર બને છે. રંગો શાંત, તટસ્થ અને ઠંડા છે. આવું જ એક ઉદાહરણ ગણી શકાય તેવું ચિત્ર છે : અલાદ્દીનની ગુફાની અંદરનું ર્દશ્ય.

ગગનેન્દ્રનાથે ચિત્રોમાં હાસ્યરસ અને કટાક્ષનું પણ નિરૂપણ કર્યું છે. આ ચિત્રોને કાર્ટૂન ગણી શકાય. આ કાર્ટૂનોમાં તેમણે સમકાલીન ભદ્ર બંગાળી સમાજનાં દંભ અને આળસને ખુલ્લાં પાડ્યાં છે. વળી રૂઢજડ રીતિરિવાજો, બ્રિટિશ કાયદાકાનૂન વગેરે પર પણ આકરા પ્રહારો કર્યા છે. આ કાર્ટૂનો જળરંગી પદ્ધતિથી સપાટ આકારો અને બાહ્ય રેખા વડે દોરવામાં આવતાં. આ કાર્ટૂનો વિવિધ બંગાળી અને અંગ્રેજી સામયિકો અને છાપાંમાં છપાતાં અને જાહેર જનતા તેનો આસ્વાદ લેતી. 1941માં રવીન્દ્રનાથના મૃત્યુ પછી તેમણે ચિત્રો કરવાનું છોડી દીધું.

અમિતાભ મડિયા