ટાઇમ્સ, ધ : બ્રિટનનાં સૌથી જૂનાં તથા પ્રભાવશાળી વર્તમાનપત્રોમાંનું એક. બ્રિટનનાં ‘ત્રણ મહાન’માં ‘ગાર્ડિયન’ તથા ‘ટેલિગ્રાફ’ સાથે તેની ગણના થાય છે; એટલું જ નહિ, વિશ્વનાં મહત્વનાં વૃત્તપત્રોમાં પણ તેની ગણના થાય છે. જ્હૉન વૉલ્ટરે 1785માં ‘ધ ડેઇલી યુનિવર્સલ રજિસ્ટર’ નામથી તેની સ્થાપના કરી. 1788માં તેનું નામ ‘ધ ટાઇમ્સ’ રખાયું. તેમાં ત્યારે વેપાર-સમાચાર તથા કૌભાંડોના સમાચારો ચમકાવવાનું શરૂ થયું. ઉદારમતના ટૉમસ બાર્નેએ સમાચારનો વ્યાપ વધારી તેને સ્વતંત્ર મતનું શક્તિશાળી વૃત્તપત્ર બનાવ્યું. ટૂંક સમયમાં તે પત્ર ‘ગર્જનાકાર’ (thunderer) તરીકે પ્રતિષ્ઠા પામ્યું. તેનો ફેલાવો 1815માં 5000 હતો તે 1850માં વધીને 70,000 થયો. 1822માં સાપ્તાહિક ‘ધ સન્ડે ટાઇમ્સ’ સ્થપાયું. વૃત્તાંતોમાં વિગતોની ચોકસાઈમાટે તેના તંત્રીએ વિશેષ આગ્રહ રાખ્યો. લેખનનું ધોરણ ઊંચું રહ્યું. પરંપરા જાળવવાની સાથે અગ્રલેખો સ્વતંત્ર વિચારોનું પ્રતિપાદન કરતા રહ્યા. 1841—1887 સુધી તંત્રીપદે રહેલા જ્હૉન ટી. ડિલેને ‘ટાઇમ્સ’ના દરેક પાસાને ઊજળું બનાવ્યું. 1853–56 માટે ‘ટાઇમ્સે’ ક્રિમિયાના યુદ્ધના જાતેદેખ્યા વૃત્તાંત માટે વિશ્વના પ્રથમ યુદ્ધવૃત્તાંતનિવેદક વિલિયમ હાવર્ડ રસેલની નિમણૂક કરી, ત્યારે રશિયાના પ્રસ્તાવની વિગતો બ્રિટિશ સરકારને ‘ટાઇમ્સ’ દ્વારા જાણવા મળી. ઓગણીસમી સદીનાં પાછલાં વર્ષોમાં ખર્ચમાં ધૂમ વધારાને કારણે તથા આયરિશ વીર પાર્નેલ વિશેના વૃત્તાંતના પ્રકાશનને લીધે પત્રની આર્થિક સ્થિતિ તથા પ્રતિષ્ઠાને ભારે હાનિ પહોંચી. ફેલાવો સાવ ઘટી ગયો. 1906માં નૉર્થક્લિફે ‘ટાઇમ્સ’ વેચાણ લીધા પછી આર્થિક વિમાસણ ઘટી, પણ સંપાદકીય પ્રતિષ્ઠાનું ધોવાણ ચાલુ રહ્યું. વીસમી સદીના ઉત્તરાર્ધમાં પત્રનો પુનરુદ્ધાર થયો. સંપાદન ગંભીર બન્યું; સજાવટ પ્રત્યે વિશેષ કાળજી લેવાતી થઈ; મુદ્રણ માટે અદ્યતન સામગ્રી વસાવાઈ. જોકે શ્રમિકોની સ્વાભાવિક પ્રતિક્રિયારૂપ હડતાળથી 1978–79માં વર્ષભર પ્રકાશન બંધ રહ્યું. પણ, ત્યારબાદ સંબંધિત પક્ષો વચ્ચે સમાધાન થતાં પુન:પ્રકાશન હાથ ધરાયું. ફરી એેક વાર ‘ધ ટાઇમ્સ’ વિશ્વનાં મહત્વનાં વર્તમાનપત્રોમાં તેનું સ્થાન સિદ્ધ કરવામાં સફળ થયું. દર સપ્તાહે અપાતી સાહિત્યિક પૂર્તિ (Literary Supplement) બ્રિટનમાં ચાલી રહેલી સાહિત્યિક પ્રવૃત્તિનું પ્રતિબિંબ ઝીલવા ઉપરાંત શુદ્ધ સાહિત્યતત્વની જિકરને કારણે વિદેશોના સાહિત્યરસિકોમાં પ્રિય થઈ પડેલ છે.
બંસીધર શુક્લ