ટાઇમ્સ ઑવ્ઇન્ડિયા, ધ (સ્થાપના. 1838) : ભારતનું અંગ્રેજી ભાષાનું સવારનું દૈનિક વર્તમાનપત્ર. મુંબઈ અને અમદાવાદ ઉપરાંત દિલ્હી, પટણા, બૅંગાલુરુ અને લખનૌથી એકસાથે તે પ્રસિદ્ધ થાય છે. પશ્ચિમ ભારતના અંગ્રેજનિવાસીઓને લક્ષમાં રાખીને 1838માં ‘ધ બૉમ્બે ટાઇમ્સ ઍન્ડ જર્નલ ઑવ્ કૉમર્સ’ નામથી મુંબઈમાં આ વૃત-પત્રની સ્થાપના કરવામાં આવી ત્યારે તે સપ્તાહમાં બે દિવસ બહાર પડતું. 1851માં તે દૈનિક બન્યું. તા. 18–5–1861થી તેનું નામ ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ રખાયું.
અંગ્રેજી પત્ર હોવાથી સ્વાભાવિક રીતે તેની નીતિ તત્કાલીન સામ્રાજ્યવાદના સમર્થનની રહેલી. છતાં ભારતીય ‘રૈયત’ના પ્રશ્નોને પણ તેમાં સ્થાન મળ્યું હતું. ટૉમસ બેનેટ, લોવે ફ્રેઝર અને જ્યૉર્જ બુઇસ્ટ જેવા પ્રારંભકાળના તંત્રીઓએ તેની પાછળ લીધેલા પરિશ્રમે પત્રને સ્થિરતા અપાવી. રૉબર્ટ નાઇટે (1858–1869 તંત્રીકાળ) રૉઇટર સંસ્થાના સમાચારો મેળવવાની વ્યવસ્થા કરી. પાછળથી ઍસોસિયેટેડ પ્રેસ તથા અન્ય વિશ્વવ્યાપી વૃત્તસંસ્થાઓ સાથે તેનું જોડાણ કરી વિશ્વભરના સમાચારો તથા છબીઓ મેળવવાની ગોઠવણ કરાઈ. પારસી પત્રકાર ડોસાભાઈ ફરામજીના આગમન સાથે અંગ્રેજી આધિપત્યવાળી આ સંસ્થામાં ભારતીયોનો પ્રવેશ શરૂ થયો. 1913માં બેનેટ કોલમૅને ભારતીય કંપની ધારા હેઠળ બેનેટ, કોલમૅન ઍન્ડ કંપનીની સ્થાપના કરીને ટાઇમ્સ જૂથનાં પ્રકાશનોની આધુનિક વ્યવસ્થા કરી. સ્વતંત્રતા પછી તે પેઢી ભારતીય માલિકોની થઈ. થોડો સમય તેનું સંચાલન રામકૃષ્ણ દાલમિયા હસ્તક રહ્યું. પછી શાંતિપ્રસાદ જૈનની પરંપરામાં અશોક જૈન અને સમીર જૈન – એ પિતા-પુત્રને હસ્તક આવ્યું.
સ્વતંત્રતા-આંદોલન ઉગ્ર બન્યું તે કાળે ફ્રાન્સિસ લો તેના તંત્રી હતા. સ્વતંત્રતા-સમયે તે પદ પર આઇવોર યેહુ હતા. ભારતીય સ્વામિત્વ સાથે તંત્રીપદે જે ભારતીયો આવ્યા તેમાં ફ્રૅન્ક મોરાસ, નાનપોરિયા, શામલાલ અને ગિરિલાલ જૈન જેવા પીઢ પત્રકારોએ પત્રનું ઊંચું ધોરણ જાળવી રાખ્યું; એટલું જ નહિ, ભારતના રાષ્ટ્રીય પત્ર તરીકે તેને આંતરરાષ્ટ્રીય મહત્વ અપાવ્યું. જોકે પત્રનું સામાન્ય વલણ શાસનના સમર્થનનું જ રહ્યું છે.
સમાચારક્ષેત્રે સર્વજન-ઉપયોગી સમાચારો ઉપરાંત વ્યાપક રીતે આવરી લેવાયેલા વિશેષ સમાચારોની તથા પ્રભાવશાળી તંત્રીલેખોની તેની પ્રણાલી ધ્યાનાકર્ષક રહી. બૅન્ક ઑવ્ બૉમ્બેની પ્રગતિ (1841), હમાલોની હડતાલ (1841), તંત્રની અણઆવડતથી રૈયતને પડતી હાડમારી (1858), ઈસ્ટ ઇન્ડિયા ઍસોસિયેશનની સભામાં ભારતની દરિદ્રતા વિશે દાદાભાઈ નવરોજીનું ભાષણ (1890), શૅરબજારમાં ભારે મંદી (1875, 1929, 1987), ભડકે બળતું બેલગ્રેડ (1914), મિ. ગાંધી દ્વારા અસહકાર આંદોલન (1920), ઇંગ્લૅન્ડમાં કેરીની નિકાસ (1932) અને મહાત્મા ગાંધીની હત્યા (1948) – એવાં તેનાં કેટલાંક મથાળાં છે તો બીજી બાજુ દાદાભાઈ નવરોજી, જહાંગીર રતનજી તાતા, અશોક મહેતા, અશોક મિત્ર, કામાણી, કિર્લોસ્કર, કોસંબી, પ્રેમશંકર ઝા, દાલમિયા, ઍન્ડ્રુ યુલ, લાલચંદ હીરાચંદ, ભાર્ગવ વગેરે અગ્રણીઓની કલમનો તેને લાભ મળ્યો છે. ‘ટાઇમ્સ’નું એક આકર્ષક અંગ આર. કે. લક્ષ્મણનાં કટાક્ષચિત્રો છે. તેનો ‘સામાન્ય ભારતીય જન’ (‘You Said It’) વગર બોલ્યે ઘણું કહી જાય છે. સાંપ્રત વિષયો પરની તેની પૂર્તિઓ સંઘરી રાખવા જેવી હોય છે. સુંદર સજાવટ તથા મુદ્રણની સુઘડતા તેના લેખોનું આકર્ષણ વધારે છે. ‘ટાઇમ્સ’ જૂથ દ્વારા ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ સાપ્તાહિક વર્ષો સુધી ચાલ્યા પછી હાલ બંધ છે.
ટાઇમ્સ જૂથ ‘नवभारत टाइम्स’ દૈનિક હિન્દી ભાષામાં અને ‘ફિલ્મફેર’ અને ‘ફેમિના’ જેવાં અંગ્રેજી સામયિકોનું પ્રકાશન કરે છે. અમદાવાદથી તેણે ગુજરાતી દૈનિક ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ નામે શરૂ કરેલું, પણ, થોડા સમય પછી તેનું પ્રકાશન બંધ થયું.
પ્રકાશ ન. શાહ