‘ટાઇમ’ : સાપ્તાહિક સમાચાર આપતું જગમશહૂર અમેરિકન સામયિક. સ્થાપના 1923. વિશ્વનાં વિવિધ સ્થળોએથી એકસાથે ટાઇમ ઇન્કૉર્પોરેટેડ દ્વારા પ્રગટ થાય છે. આ સાપ્તાહિકે પત્રકારત્વની ક્ષિતિજને વિસ્તારી. વૃત્તાંત-નિવેદકોએ મોકલેલા વૃત્તાંતોને યથાવત્ પ્રગટ કરવાને બદલે સંપાદકો, સંશોધકો અને ખાસ લેખકો તેમાં પૂર્તિ કરે, લખાણને સંસ્કારે અને સુવાચ્ય બનાવે પછી પ્રગટ કરવા તેવી પહેલ તેણે કરી. દૈનિક અખબારોથી વિશિષ્ટ અને વધુ માહિતીપ્રદ લખાણ તથા ઘટનાઓનું વિશ્લેષણ એનાં મુખ્ય આકર્ષણ ગણાય છે. પ્રતિવર્ષ વિશ્વની સૌથી નોંધપાત્ર વ્યક્તિની વરણી એની વિશેષતા છે. બ્રિટન હેકન અને હેન્રી લ્યુસે ‘ટાઇમ’ શરૂ કર્યું ત્યારે વાચકોને વચન આપેલું કે અમે સમાચારોને વ્યવસ્થિત સ્વરૂપ આપીશું, તેનું અર્થઘટન કરીશું અને સરકાર પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સમાચારના નિમિત્ત કે કેન્દ્રરૂપ વ્યક્તિઓ પર લક્ષ કેન્દ્રિત કરીશું. ઘટનાઓનું આલેખન વિષયવાર, સર્વગ્રાહી અને સમકાલીનની સાથે સાથે દીર્ઘકાલીન બને તેવો અભિગમ સાપ્તાહિકે અપનાવ્યો. તેનો મુખ્ય ઉદ્દેશ લોકમત કેળવવાનો નહિ પણ સમાચારને દૈનિકો કરતાં વધારે સાહિત્યિક છટાયુક્ત, ચિરકાલીન અસર પાડે તેવી રીતે પેશ કરવાનો છે. 1928 સુધી નફો નહિ કરી શકનાર આ સાપ્તાહિક વિશ્ર્વનાં સૌથી વધુ પ્રતિષ્ઠિત અને ટોચનાં સામયિકોમાં સ્થાન ધરાવે છે. રાષ્ટ્રપ્રમુખો અને વડાપ્રધાનો, રાજાઓ અને ઉદ્યોગપતિઓ એમાં પોતાના વિશે કંઈ પ્રગટ થાય એને પ્રતિષ્ઠાનું પ્રતીક લેખે છે. ભારતમાં ‘ઇન્ડિયા ટુડે’, ‘સન્ડે’, ‘ધ વીક’ આદિ સામયિકો ‘ટાઇમ’ની શૈલીને અનુસરે છે.
મહેશ ઠાકર