ટાંક, વજુભાઈ માધવજી

January, 2014

ટાંક, વજુભાઈ માધવજી (જ. 18 ઑગસ્ટ 1915; અ. 30 ડિસેમ્બર 1980, સૂરત) : ગુજરાતી નાટ્યકાર. તેમણે વિવેચન, વાર્તા અને પ્રવાસકથા જેવા વિષયોમાં પણ લખ્યું. 1933માં મૅટ્રિક પાસ કરી 1936માં સિવિલ ઇજનેરીમાં ડિપ્લોમા લીધો. એ જ વર્ષે ઇજનેર તરીકે નોકરીમાં જોડાયા. ભાવનગર, અમદાવાદ, વારાણસી એમ જુદાં જુદાં સ્થળોએ વ્યવસાય અંગે વસ્યા. 1946માં સૂરતમાં સ્થપતિ અને ઇજનેર તરીકે સ્વતંત્ર વ્યવસાય આરંભ્યો. સ્થિર નિવાસ મળતાં તેમણે લેખનકાર્યમાં વધારે રુચિ લઈ નાટકો લખવાનું શરૂ કર્યું. ‘પ્રણયનાં પૂર’ (1952), ‘નરબંકા’ (1953) અને ‘નાટ્યવિહાર’ (1958) તેમનાં નાટ્યરૂપાંતરો છે. 1957માં ‘વૈભવનાં વિષ’ તેમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક પ્રસિદ્ધ થયું. ‘ઝાંઝવાનાં જળ’ (1961), ‘કંઠારનાં છોરું’ (1964) અને ‘નગરનંદિની’ (1972) સામાજિક ત્રિઅંકી નાટકો ઉપરાંત તેમણે એકાંકી નાટકો પણ લખ્યાં. ‘સતનાં પારખાં’ (1955), ‘નેફા મોરચે’ (1963), ‘રમતાં રૂપ’ (1969) અને ‘રૂપકિરણ’ (1969) તેમના એકાંકીસંગ્રહો છે. વાર્તાસંગ્રહ ‘સેતુ અને સરિતા’(1961)માં અઢાર તથા ‘સરજત’માં સોળ વાર્તાઓ છે. આ ઉપરાંત તેમણે ‘ગ્રંથ’ માસિકમાં વર્ષો સુધી ગુજરાતી નાટકોની સમીક્ષાઓ લખી. સેમ્યુઅલ બેકેટ, લુઇજી પિરાન્દેલો, યુજિન આયોનેસ્કો, લૉર્કા અને સાર્ત્ર જેવા પરદેશના નાટ્યકારોના પરિચયલેખો લખ્યા. તેમણે નાટ્યલેખનનાં વિવિધ પાસાંને સ્પર્શતા અભ્યાસલેખો આપ્યા એ વિશેષ નોંધપાત્ર છે. એમણે અમેરિકાનો પ્રવાસ કર્યો તેનો રસપ્રદ વૃત્તાંત ‘યક્ષ દેશની યાત્રાએ’ નામથી ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં 1975માં શ્રેણી રૂપે પ્રસિદ્ધ થયો હતો. તેમણે નાટકોમાં અભિનય પણ આપ્યો હતો અને નિર્માણ ને દિગ્દર્શન ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. તેમને ‘રમતાં રૂપ’ માટે 1967–71નો ઉત્તમ પંચવાર્ષિક સર્જન માટેનો નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ કરાયો હતો. તેમનું અવસાન હૃદયરોગથી થયું હતું.

બંસીધર શુક્લ