ઝ્યાં, જિને (Genet, Jean) (જ. 1910; અ. 1986) : ફ્રેન્ચ નાટ્યકાર. અનૌરસ બાળક. અનેક ગુનાહિત કૃત્યોમાં બાળપણ વીતેલું. અડધી જિંદગી જેલમાં ગાળી અને જેલવાસ દરમિયાન જોયેલા-જાણેલા જીવનના અનુભવે એ સાહિત્યસર્જન તરફ વળેલા. ફ્રાન્સના મહાન બૌદ્ધિકો અને સાહિત્યકારો ઝાં પૉલ સાર્ત્ર અને આન્દ્રે જીદ વગેરેની વિનંતીથી એમને જેલમુક્તિ બક્ષવામાં આવેલી. સાર્ત્રે ઝ્યાં જિને વિશે ઊંડાણથી અભ્યાસગ્રંથ લખ્યો છે. સાર્ત્ર તેને ‘સેન્ટ જિને’ કહેતા. મહત્વનાં નાટકો ‘મેડ્ઝ’ (1947), ‘ડેથવૉચ’ (1949), ‘બાલ્કની’ અને ‘બ્લૅક્સ’ (1958); ઉપરાંત થોડી કવિતા, થોડું ગદ્ય અને ‘થીવ્ઝ જર્નલ’ નામની આત્મકથા (1949). મુખ્યત્વે નાટ્યકાર તરીકે ફ્રેન્ચ અને વિશ્વસાહિત્યમાં ગૌરવપ્રદ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અસ્તિત્વ અને આભાસ, કાલ્પનિક અને વાસ્તવિક એકબીજાને હાથતાળી દેતાં એમાં દેખાય છે, ‘હોવા’ અને ‘બનવા’ની માયા એમાં ચગડોળે ઘૂમી રહી છે. ઝ્યાં જિનેનો સંઘર્ષ તો છે અનિષ્ટ સામે ચોર નહિ, ચોરીની ઘટનાય નહિ, પણ ચોરી કરવી પડે એવી પરિસ્થિતિ સર્જતા અનિષ્ટ સામે, દાસત્વ સર્જતા અનિષ્ટ સંજોગો સામે એ બાખડી રહ્યો છે. ભાષા માત્ર પ્રત્યાયનનું સાધન બનવાને બદલે સ્વાભાવિક રીતે જ ક્રિયાત્મક ક્ષમતા ધરાવે છે, જેમાં રંગમંચીય ઘટના જાદુઈ રીતે નિરૂપાય છે. સમાજનાં બહિષ્કૃતો(‘બ્લૅક્સ’, ‘બાલ્કની’)ના સ્વપ્નિલ જગતનું નિરૂપણ કરતાં એ માનવજીવન, એની એકલતા, અસંગતિ અને વાસ્તવનો અર્થ પામવાની નિરર્થકતા પણ નિરૂપી દે છે.
હસમુખ બારાડી