ઝુત્સી, સોમનાથ

January, 2014

ઝુત્સી, સોમનાથ (જ. 1922, અનંતનાગ) : કાશ્મીરી લેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અનંતનાગમાં અને ઉચ્ચશિક્ષણ શ્રીનગરમાં. કાશ્મીર વિશ્વવિદ્યાલયમાંથી ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિષય લઈને બી.એ.ની પદવી મેળવી અને કાશ્મીરના આકાશવાણી કેન્દ્રમાં જોડાયા. ત્યાંથી જ એમણે વાર્તાલેખન શરૂ કર્યું, ને કાશ્મીરના પુનર્જાગરણ યુગના અગ્રિમ લેખક તરીકે ઊપસ્યા. તે શરૂઆતથી જ પ્રગતિવાદી વિચારધારાના લેખક હતા. એમણે સ્વાતંત્ર્ય પૂર્વે ઉર્દૂ ભાષામાં લખવાનું શરૂ કર્યું હતું. ભારતના વિભાજન પછીના કાળમાં કાશ્મીરીમાં લખવા માંડ્યું અને કાશ્મીરી ગદ્ય સાહિત્યને ભારતીય સાહિત્યમાં ગણનાપાત્ર સ્થાન અપાવ્યું.

અત્યાર સુધી એમના ચાર વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. ‘યલ ફોલ ગાશ’ (જ્યારે સવાર પડી); 2003માં સાહિત્ય કૃતિને અકાદમીના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી. એમાં મનોવૈજ્ઞાનિક વાર્તાઓ છે. આ ઉપરાંત એમણે રંગમંચી નાટકો તથા રેડિયો નાટકો પણ લખ્યાં, જેમાં ‘વ્યથિ હન્ધ્ય બેક્ય જ’ (વિતસ્તાને કિનારે); ‘નીવ મકાન’ એ એમનાં રંગમંચ પર ભજવાતાં લોકપ્રિય નાટકો છે. ‘અમાનત’ (ઘરેણું) તથા ‘પોછ’ (અતિથિ) એમના રેડિયો-નાટકસંગ્રહો છે. એમણે ઇબ્સનનાં નાટકોના કાશ્મીરીમાં અનુવાદ કર્યા છે.

ચન્દ્રકાન્ત મહેતા